લગ્નની સિઝનમાં સરકારે જાહેર કરેલા નવા નિયમના કારણે વર-વધુના માતા પિતા લગ્નની મંજૂરી માટે પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહ્યા છે. જો કે આ પરિસ્થિતિ વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવે લગ્નમાં જો 100 લોકોની હાજરી હશે તો કોઈ પણ પ્રકારની મંજૂરીની જરૂર નહિં પડે. 100 થી વધુ મહેમાન હશે તો દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. તો બીજી તરફ રાત્રિના 9 વાગ્યા બાદ કોઈ પણ પ્રકારના આયોજનને મંજૂરી આપવામાં આવશે નહિં. સવારના 6થી રાત્રિના 9 દરમિયાન લગ્ન સમારોહ પૂર્ણ કરવાનો રહેશે. લાઉડ સ્પીકરના ઉપયોગ અંગે મંજૂરી લેવાની રહેશે.

રાજકોટમાં રાત્રિ કર્ફ્યૂ વચ્ચે પોલીસે લગ્નની મંજૂરીને લઈને મહત્વનો નિર્ણય કર્યો છે. પોલીસે દિવસે યોજાતા લગ્ન માટે કોઈ પણ પ્રકારની મંજૂરી લેવી નહિ પડે તેવી જાહેરાત કરી છે. તો બીજી તરફ રાતે 9થી સવારે છ વાગ્યા સુધી લગ્નને પોલીસ મંજૂરી નહી આપે. લગ્નમાં સામેલ લોકોએ 9 વાગ્યા પહેલા જ ઘરે પણ પહોંચવુ પડશે. પોલીસ કેટરર્સ અને રસોઈયાની પણ પૂછપરછ કરી શકશે. ઉલ્લેખનીય છે કે, દિવસભર લગ્નોના આયોજનની પરમિશન માટે લોકોની લાંબી લાઇનો લાગી હતી. તેને જોઈને પોલીસ જાગી છે અને દિવસે લગ્ન માટે પરમિશન નહીં લેવી પડે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.

કોરોના મહામારી વચ્ચે વડોદરા શહેરના વેપારીએ પુત્રીના લગ્નમાં સંબંધીઓને કંકોત્રીની સાથે સેનેટાઇઝર અને માસ્ક પણ મોકલ્યા છે. લગ્નમાં આવનારા 100 સ્વજનોને કંકોત્રી સાથે સેનેટાઇઝર અને માસ્ક પણ મોકલી આપ્યા હતા.વડોદરાના પાણીગેટ વિસ્તારમાં રહેતા અને કાપડનો વ્યાપાર કરતા હનીફ કુરેશી દ્વારા આ અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આગામી 2 ડિસેમ્બરે હનીફભાઈની દીકરી આયેશાના લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. હનીફ કુકરેશીએ કોરોનામાં સાવચેતી અપનાવી પ્રસંગો યોજવાની જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રયોગને સ્વજનોએ પણ આવકાર્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here