• રસી વિકસાવવાની પ્રક્રિયામાં સરકાર શું સપોર્ટ કરી શકે એ અંગે વાતચીત થઈ
  • શર્વિલ પટેલે કહ્યું- પ્રધાનમંત્રી સાથેની મુલાકાત અમારા અને વૈજ્ઞાનિકો માટે પ્રેરણાદાયક રહી

આજે 28 નવેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝાયડ્સ કેડિલાના ચાંગોદર પ્લાન્ટની મુલાકાત લીધી હતી અને તેમને ઝાયડ્સ દ્વારા વિકસાવાઈ રહેલી કોરોના વેક્સિન અંગે જાણકારી મેળવી હતી. પ્રધાનમંત્રી મોદીની પ્લાન્ટ વિઝિટ અંગે કંપનીના મેનેજિંગ ડિરેક્ટર શર્વિલ પટેલે જણાવ્યું હતું કે PM મોદીની મુલાકાત અમારા માટે ઘણી પ્રેરણાદાયી હતી. તેમને વેક્સિન અંગે સંપૂર્ણ નોલેજ હતું અને આગામી અમુક મહિનાઓમાં શું જરૂરિયાતો ઊભી થશે એનું પણ તેમને નોલેજ છે. હવે શું કરવાનું છે એનો રોડમેપ તેમની પાસે છે.

મોદીએ આગામી પ્લાન વિશે ચર્ચા કરી
શર્વિલ પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી સાથે કોરોના વેક્સિન અને એને લઈને કંપનીની આગામી યોજનાઓ વિશે વિસ્તારપૂર્વક ચર્ચા થઈ હતી. શર્વિલ પટેલે કહ્યું હતું કે ચર્ચા દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોનાની રસીની સાથે સાથે એના ઉપચાર વિશે પણ ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. ઉલ્લેખનીય છે કે ઝાયડ્સ કેડિલાની વેક્સિન ‘ઝાયકોવિડ’ની ક્લિનિકલ ટ્રાયલનો બીજો તબક્કો પૂરો થયો છે અને કંપની ડિસેમ્બરમાં ફેઝ-3 પર કામ શરૂ કરશે.

સરકાર તમામ સહયોગ આપવા તૈયાર
શર્વિલ પટેલે કહ્યું હતું કે અમારી સાથેની વાતચીતમાં નરેન્દ્ર મોદીએ કોરોનાની રસી અને એ સિવાય ઈલાજ માટે ઉપલબ્ધ બીજા પર્યાયો અંગે વાતચીત કરી હતી. સૌથી અગત્યનું એ છે કે આ સમગ્ર પ્રક્રિયામાં સરકાર કઈ રીતે મદદરૂપ થઇ શકે એની પણ વિસ્તારથી વાત કરી હતી. કોવિડમુક્ત વિશ્વ માટેની તેમના વિઝનથી ભારત જલદીથી આ રોગચાળામાંથી બહાર આવશે.

આત્મનિર્ભર ભારત માટે ઝાયડ્સ પરિવાર સતત સક્રિય: પંકજ પટેલ

ઝાયડ્સના ચેરમેન પંકજ પટેલે જણાવ્યું હતું કે ભારતના વડાપ્રધાને ઝાયડ્સ બાયોટેક પાર્કની વિઝિટ કરી હતી. તેમની ઊંડી સમજ અને દીર્ઘદૃષ્ટિને કારણે તેમણે અમને સારાં સૂચનો અને ગાઈડન્સ પણ આપ્યાં હતાં. આત્મનિર્ભર ભારતની આ સફરમાં ઝાયડ્સના 25 હજાર કર્મચારી, 1800થી વધારે સાયન્ટિસ્ટ સતત આ મહામારીની સામે નવી દવાઓ, નવી વૅક્સિન અને નવું ડાયગ્નોસ્ટિક આપવા માટે અવિરત પ્રયત્નો કરી રહ્યા છે. આપ સૌને હું સ્વસ્થતાની શુભકામનાઓ આપું છું અને આશા રાખું છું કે આપ સૌ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવશો અને માસ્ક પહેરીને ફરશો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here