રિયલ્ટી કંપનીઓ સાથેની ડિજિટલ સંગોષ્ઠિમાં આવાસ અને શહેરી મામલાના મંત્રીની બિલ્ડરોને ટકોર
આવાસ તેમજ શહેરી બાબતોના મંત્રી હરદીપસિંહ પુરીએ બિલ્ડરોને જણાવ્યું હતું કે ન વેચાયેલા ઘરોને દબાવીને ન બેસો, બલકે તેને ઝડપથી વેચવાના પ્રયાસ કરો. તેમણે એમ પણ જણાવ્યું હતું કે તે આવાસોના વેચાણને પ્રોત્સાહન આપવા માટે ફરી એકવાર સંપત્તિના રજિસ્ટ્રેશન પર સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવા માટે રાજ્યોને પત્ર લખશે.રિયલ્ટી કંપનીઓના સંગઠન નારેડકો દ્વારા આયોજિત એક ડિઝિટલ સંગોષ્ઠિને સંબોધિત કરતા મંત્રી હરદીપસિંહ પુરીએ વધુમાં જણાવ્યું હતું કે સર્કિલ દરો ઓછા હોવા જોઇએ. તેમણે જણાવ્યું હતું કે મને લાગે છે કે હવે એ સમય આવી ગયો છે કે ન વેચાયેલા ઘરો હવે વેચવા જોઇએ. તેને દબાવીને બેસવું ન જોઇએ. પુરીએ જણાવ્યું હતું કે આમ કરવાથી આર્થિક ગતિવિધિમાં તેજી આવશે અને ડેવલપરોને લાભ થશે. પુરીએ જણાવ્યું હતું કે નાણા મંત્રાલયે હાલમાં જ આવકવેરા નિયમોને સરળ બનાવ્યા છે. એનાથી સર્કીલ દરો અને લેવડ-દેવડની દરોનો ફરક વધીને 20 ટકા થઇ ગયો છે. આ 20 ટકા આર્થિક ગતિવિધિમાં ઝડપ લાવશે.સ્ટેમ્પ ડ્યુટીના બારામાં પુરીએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર અને કર્ણાટક સરકારે સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે જેના સારા પરિણામો જોવા મળી રહ્યાં છે.