મ્યુનિ.ના ફ્રન્ટલાઈન ગણાતા વોરીયર્સમાં કોરોનાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધતું જોવા મળી રહ્યું છે. મ્યુનિ.ની ઉત્તર ઝોન કચેરીમાં દિવાળી અગાઉ બે અને દિવાળી પર્વ બાદ અત્યાર સુધીમાં કુલ નવ જેટલા કર્મચારી-અધિકારી કોરોના સંક્રમિત થતા ફફડાટ વ્યાપ્યો છે.મ્યુનિ.ના દક્ષિણ-પશ્ચિમ ઝોનના એસ્ટેટ-ટીડીઓ વિભાગના સબ ઈન્સપેકટરને કોરોના થયા બાદ હાર્ટ ઉપર અસર થતા અવસાન થયું હોવાનું આધારભૂત સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

મળતી માહીતી મુજબ, મ્યુનિ.ની ઉત્તર ઝોન કચેરીમાં દિવાળી પર્વ અગાઉ ડેપ્યુટી એસેસર અને ટેકસ કલેકટર તથા આસિસ્ટન્ટ મેનેજર ટેકસ કોરોના સંક્રમિત થયા હતા.દિવાળી પર્વ બાદ ઉત્તરઝોનમાં ટાઈપીસ્ટ ઉપરાંત જુનીયર લિગલ આસિસ્ટન્ટ,હેડ કલાર્ક ઉપરાંત ત્રણ જેટલા વોર્ડ ઈન્સપેકટર પણ કોરોના સંક્રમિત થયા છે.
દક્ષિણ-પશ્ચિમ ઝોનના એસ્ટેટ-ટી.ડી.ઓ. વિભાગમાં સબ ઈન્સપેકટર તરીકે ફરજ બજાવતા હિતેન્દ્ર રાઠોડ કોરોના પોઝિટિવ આવતા છેલ્લા ત્રણ દિવસથી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. કોઈ રીકવરી ના જણાતા ત્રણ દિવસમાં બે હોસ્પિટલ બદલી હતી. હાર્ટ ઉપર અસર થયાનું જણાતા એમને અર્થવ કોવિડ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા. જયાં હાર્ટ એટેક આવતા અવસાન થયું હતું.

ચાંદલોડિયાના શાંતિપૂજય હોમના રહીશોમાં રોષ
ચાંદલોડિયા વોર્ડમાં આવેલા શાંતિપૂજય હોમના રહીશો કોરોનાના પાંચ પોઝિટિવ કેસ નોંધાયા હોવા છતાં પણ 250 થી વધુ રહીશોને માઈક્રો કન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવતા મ્યુનિ.તંત્ર ઉપર રોષે ભરાયા છે. સ્થાનિકો પૈકી કોઈએ આસિસ્ટન્ટ કમિશનરને ફોન કરતા તેમણે રાતના સમયે ફોન ના કરવા કહેતા રહીશો વધુ રોષમાં છે. રહીશોના કહેવા પ્રમાણે,મ્યુનિ. તંત્રે દિવાળી પહેલા નોંધાયેલા 12 પોઝિટિવ કેસની પણ ગણતરી કરી બધાને મુશ્કેલીમાં મુકી દીધા છે.