ગુજરાતે બીજા રાજ્યો કરતાં કોરોનાની મહામારી પર કાબુ મેળવી લીધાનો દેખાડો કરવા આંકડામાં ગોલમાલ કરવામાં આવતી હોવાનું ચિત્ર જનમાનસમાં ઊભું થયું છે. (1) નવા કેસોના આંકડા (2) એકટિવ કેસોના આંકડા (3) મૃત્યુના આંકડા અને (4) વેન્ટીલેટર ઉપરના દર્દીઓના આંકડા સેન્સર કરાતાં હોવાનું અમદાવાદની ખાનગી હોસ્પિટલોના પ્રાઇવેટ બેડના જાહેર થતાં આંકડા સાથે તુલના કરીએ તો પણ સમજાઇ જાય છે.
દરરોજ 10થી 12 હજાર કરતાં વધુ લોકોના રેપિડ ટેસ્ટ

અત્રે ઉલ્લેખનીય છે કે રોજેરોજ 125 તંબુઓ અને 72 અર્બન હેલ્થ સેન્ટરોમાં 10થી 12 હજાર કરતાં વધુ લોકોના રેપિડ ટેસ્ટ થાય છે. તેમાંથી 1500થી 2000ના રિપોર્ટ પોઝિટિવ આવતા હોવાનું માનવામાં આવે છે. તો શું રેપિડ-એન્ટીજન ટેસ્ટમાં પોઝિટિવ આવનાર દર્દીના આંકડાનો જાહેર થતાં આંકડામાં સમાવેશ કરવામાં આવતો નથી ? જો નથી કરાતા તો કેમ નહીં ? આ અંગે પારદર્શક રીતે જાહેરાત કરાય તો લોકોના મનમાં આશંકા ના રહે.
ઉપરાંત મ્યુનિ. કોર્પોરેશન એકટિવ કેસોના આંકડા 2700થી 2800ની આજુબાજુ જાહેર કરે છે. આથી વધુ દર્દીઓ તો ખાનગી હોસ્પિટલોના પ્રાઇવેટ બેડમાં સારવાર લઇ રહ્યાં હોય છે, તો શું આ આંકડાને ગણતરીમાં નથી લેવાતા ?આજે જ 2739 એકટિવ કેસો જાહેર થયા છે, તેની 7 સામે ખાનગી હોસ્પિટલો અને કોવિડ સેન્ટરોના બેડમાં જ 2916 દર્દીઓ છે. એકટિવ કેસોમાં ઘેરબેઠાં સારવાર લેનારના આંકડા દર્શાવાય છે, ખરાં ?
આવી જ રીતે કોમોર્બિડ – ડાયાબિટીસ, અસ્થમા, હૃદયરોગ, કીડની, હાઇપરટેન્શનના દર્દી કોરોનાની સારવાર દરમ્યાન મૃત્યુ પામે તો મૃત્યુનું કારણ કોરોનાને બદલે અન્ય રોગને ગણવામાં આવે છે.ડાયાબિટીસ કે અસ્થમા સાથે વ્યક્તિ લાંબુ જીવી શકતી હોય છે, વહેલું મૃત્યુ થવું તેનું કારણ કોરોના જ હોય છે, પણ ગાંધીનગરમાં કરાતાં ડેથઓડિટ બાદ કારણ બદલાઇ જાય છે.
સ્મશાનમાં નોંધાતા મૃત્યુ અને જાહેર થતાં મૃત્યુના આંક વચ્ચે ત્રણ ગણો તફાવત

ગાંધીનગરના મેયર કહે છે કે રોજ સ્મશાનમાં 10થી 15 કોવિડની ગાઇડલાઇન પ્રમાણેના ડેડબોડી આવે છે, જાહેર થયા આખા અઠવાડિયામાં 1 કે 2. અમદાવાદમાં શબવાહિનીના કોલ, સ્મશાનમાં નોંધાતા મૃત્યુ અને જાહેર થતાં મૃત્યુના આંકડા વચ્ચે ત્રણ ગણો તફાવત હોય છે. પ્રારંભિક તબક્કે તમામ મૃત્યુ જાહેર કરાતાં અને કોને શું રોગ હતો તે મૃત્યુ પામનારની સામે દર્શાવાતું હતું.
અગાઉની પધ્ધતિ પ્રમાણે ઝોનવાર જાહેર થતાં આંકડા પણ સંપૂર્ણપણે બંધ કરી દેવાયા છે. ઉપરાંત સરકાર દ્વારા રાજ્યભરમાં વેન્ટીલેટર ઉપર 89 દર્દી હોવાનું જણાવ્યું હતું જ્યારે ખાનગી હોસ્પિટલોમાં જ 205 દર્દી વેન્ટીલેટર ઉપર હોવાનું જાહેર કરાયું હતું. આટલો મોટો અને દેખીતો જ વિરોધાભાસ કેમ ? શું સરકારી યાદીમાં ખાનગી હોસ્પિટલોના આંકડા સામેલ નથી કરાતા ? આ વલણથી દ્વિધા પેદા થઇ છે.
કયા આંકડા દર્શાવાતા નહીં હોવાની આશંકા

(1) રેપિડ-એન્ટિજન ટેસ્ટમાં પોઝિટિવ આવતા 1500થી 200 દર્દીઓ.
(2) ઘેરબેઠાં સારવાર લેતા દર્દીઓનો એકટિવ કેસોમાં સમાવેશ થતો હોય તો આંકડો ઘણો મોટો થાય, હાલના આંકડામાં નહીં દર્શાવાતા હોવાનું જણાય છે.
(3) વેન્ટીલેટર ઉપર કેટલાં દર્દી છે તેના જાહેર થતાં આકડા કરતાં ખાનગી હોસ્પિટલના આંકડા ડબલથી પણ વધુ હોય છે. આમ કેમ ?
(4) મૃત્યુના આંકડામાં કોમોર્બિડ દર્દીના આંક ગણાતા નથી.