કોંગ્રેસના દિગ્ગજ નેતા અને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલના નિધન બાદ ફરી એકવાર ગુજરાતમાં રાજ્યસભાની એક બેઠક ખાલી પડી છે. ગુજરાત વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોનું સંખ્યાબળ વધુ છે જેના પગલે કોંગ્રેસને ફટકો પડી શકે છે અને જો ચૂંટણી યોજાશે તો રાજ્યસભાની ભાજપનું પલડું ભારે છે. આ શક્યતા ને કારણે ભાજપ પણ રાજ્યસભાની ચૂંટણી વહેલી તકે યોજાય તેવા મતમાં છે.
અહેમદ પટેલને રાજ્યસભાની ચૂંટણીમાં હરાવવા માટે ભાજપે આકાશ પાતાળ એક કર્યું હતું. 10 થી વધુ ધારાસભ્યોએ કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધું હતું આમ છતાં પણ ભાજપ અહેમદ પટેલને હરાવી શકી ન હતી. ઘણી જ જહેમત બાદ અહેમદ પટેલ રાજ્યસભાની ચૂંટણી જીત્યા હતા.
અહેમદ પટેલના અવસાન બાદ ફરી ગુજરાતમાં રાજ્યસભાની બેઠક ખાલી પડી

અહેમદ પટેલના અવસાન બાદ ફરી ગુજરાતમાં રાજ્યસભાની બેઠક ખાલી પડી છે. જોકે,થોડા વખત પહેલા જ રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના આઠ ધારાસભ્યોએ પક્ષની વંડી ઠેકી કેસરિયા ધારણ કર્યા હતા .તાજેતરમાં જ યોજાયેલી 8 બેઠકો પર વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો થયો હતો. આઠે બેઠક પર ભાજપનો વિજય થતાં ગુજરાત વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ બધી હવે 111 થયું છે જ્યારે કોંગ્રેસ પાસે માત્ર 65 જ ધારાસભ્યો રહ્યા છે.
સૂત્રોના મતે, ભાજપ હવે રાજ્યસભાની ચૂંટણી વહેલી થાય તેમ ઈચ્છી રહ્યું છે. આગામી ડિસેમ્બરમાં રાજ્યસભાની પેટા ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે આ ચૂંટણીઓની સાથે ગુજરાતની એક બેઠકની ચૂંટણી થાય તેવી ભાજપની ઈચ્છા છે. જેના કારણે ભાજપમાં અંદરખાને ટિકિટ માટે લોબિગ પણ શરૂ થઇ ચૂક્યું છે.
એવી ચર્ચા છે કે, રાજ્યસભાની આ બેઠક કોંગ્રેસ ગુમાવે તેવી પૂરેપૂરી શક્યતા છે. તે જોતાં કોંગ્રેસ ગુજરાતના કોઇ સ્થાનિક નેતાને ચૂંટણી મેદાને ઉતારે તેવી સંભાવના છે જ્યારે ભાજપ કોઈ જૂના જોગી ને ટિકિટ આપે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. આમ , ચૂંટણીઓ બાદ કોંગ્રેસને ફરી મોટો ઝટકો લાગી શકે છે. હાલ પ્રદેશ પ્રમુખ, વિધાનસભા વિપક્ષના નેતા મુદ્દે કોઈ ફેરફાર નહીં, પ્રદેશનું માળખું અટવાયું છે.
કોંગ્રેસના નબળા દેખાવથી હાઈકમાન્ડ નારાજ

પેટાચૂંટણીમાં કોંગ્રેસના નબળા દેખાવને પગલે હાઈ કમાન્ડ ભારોભાર નારાજ છે. આઠે બેઠકો પર સફળ થતા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ હાઈ કમાન્ડ સમક્ષ રાજીનામું ધરી દેવાની તૈયારી દર્શાવી હતી.
જોકે, અહેમદ પટેલની અણધારી વિદાય બાદ આ સમગ્ર મુદ્દો હાલ પૂરતો સ્થગીત રખાયો છે એટલે હાલ આ મામલે કોઈ નિર્ણય નહિ લેવાય છે તેવું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત પેટા ચૂંટણી બાદ નગરપાલિકાઓ મહાનગર પાલિકા પંચાયતોની ચૂંટણીઓ આવી રહી છે જેના પગલે કોંગ્રેસે પ્રદેશના માળખાને આખરી ઓપ આપવાનું નક્કી કર્યું હતું પણ તમામ નિમણુંકોમાં અહેમદ પટેલ ની સલાહ લેવાતી હતી. પટેલના અવસાન બાદ પ્રદેશ નું માળખું પણ અટવાયું છે.