અમદાવાદ શહેરમાં દિવાળીના તહેવારો બાદ જાણે કોરોનાની બીજી લહેર ઊઠી છે અને જેના કારણે આજે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે અમદાવાદ સિવિલમાં 1276 બેડ ભરાઈ ચૂક્યા છે . રોજ 50થી વધુ દર્દીઓ સિવિલમાં દાખલ થઈ રહ્યા છે. આ ચિંતાજનક સ્થિતિ વચ્ચે દર્દીઓને તાકીદે સારવાર મળી રહે તે માટે અન્ય જિલ્લા અને શહેરોમાંથી કુલ 70 ડાક્ટરને બોલાવવા પડયા છે.  દિવાળીના તહેવારો પહેલા એવી સ્થિતિ હતી કે ,અમદાવાદમાં કોરોના લગભગ કાબૂમાં આવી ચૂક્યો હતો જેના કારણે અમદાવાદ સિવિલમાંથી સાધનસામગ્રી જ નહીં,  ડોકટરોને અન્ય શહેરોમાં ડેપ્યુટેશન મોકલ્યા હતા.

ડોકટરોને અન્ય શહેરોમાં ડેપ્યુટેશન મોકલ્યા

જો કે દિવાળીના તહેવારો બાદ આખી પરિસ્થિતિ ઉલ્ટી થઈ હતી જેના કારણે અમદાવાદ સિવિલમાંથી મોકલાયેલા વેન્ટિલેટર ઉપરાંત ઓક્સિજનની ટેન્કો પણ પરત લાવવી પડી હતી. સુરત, જામનગર ,ભાવનગર ,વડોદરા અને રાજકોટ થી ડોક્ટરોને બોલાવાયા છે. આમ કોરોના નું સંક્રમણ વધતા અમદાવાદ સિવિલમાં સ્ટાફ  વધારવામાં આવ્યો છે.

કોરોનાના નવા કેસો અને મૃત્યુઆંકમાં રોજેરોજ થતાં મોટા વધારાથી લોકોની ચિંતામાં વધારો થયો

અમદાવાદમાં કોરોનાના નવા કેસો અને મૃત્યુઆંકમાં રોજેરોજ થતાં મોટા વધારાથી લોકોની ચિંતામાં વધારો થયો છે. સારી ગણાતી હોસ્પિટલોના પ્રાઇવેટ બેડ ફુલ થઇ ગયા છે. વેન્ટીલેટર સાથેની માત્ર 14 બેડ જ ખાલી છે. બીજી તરફ કોરોના થશે અને 108ને બોલાવીશું તો તે કલોલ કે કરમસદની હોસ્પિટલમાં દાખલ કરી નાખશે તે બીકે ચિંતાની લાગણીને વધુ ઘેરી બનાવી છે. દરમ્યાનમાં આજે છેલ્લા 24 કલાક દરમ્યાન સરકારની યાદી અનુસાર નવા 319 કેસ નોંધાયા છે. જ્યારે સારવાર દરમ્યાન 11 દર્દીઓના કરૂણ મૃત્યુ થયા છે. તેમજ સાજા થઇ ગયેલાં 346 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. મ્યુનિ.ની હદમાં અત્યાર સુધી નોંધાયેલાં કુલ દર્દીનો આંકડો 51334ને આંબી ગયો છે. તેમાંથી 1994 દર્દીઓએ તેમની જીંદગી ગુમાવી છે. જ્યારે 41547 લોકો કોરોનાને હરાવીને સાજા થઇ જતાં તેમને ડિસ્ચાર્જ કરાયા છે.

દરમ્યાનમાં સારવાર હેઠળના દર્દીઓ – એકટિવ કેસોની સંખ્યા 2739ની બતાવવામાં આવી રહી છે. જેમાંથી પશ્ચિમ ઝોન, ઉત્તર પશ્ચિમ ઝોન, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 1430 અને પૂર્વપટ્ટાના મધ્યઝોન, ઉત્તર ઝોન, દક્ષિણ ઝોન, પૂર્વ ઝોનના 1309 દર્દીનો સમાવેશ થવા જાય છે. બીજી તરફ ખાનગી હોસ્પિટલોના 3182 પ્રાઇવેટ બેડમાંથી 2845 ભરાયેલાં છે. કોવિડ સેન્ટરોમાં 71 દર્દીઓ છે. આ બન્ને થઇને 2916 દર્દીઓ થાય છે, જ્યારે મ્યુનિ. એકટિવ કેસો માત્ર 2739 બતાવી રહ્યાં છે, આ દેખીતી રીતે વિસંગતતા સમજાય નહીં તેવી છે. ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઇ રહેલાંઓ પૈકી 440 આઈસીયુના બેડમાં છે, માત્ર 30 બેડ જ ખાલી છે.

જ્યારે 210 વેન્ટીલેટર ઉપર છે. ફક્ત 14 વેન્ટીલેટર બાકી છે. બીજી તરફ હેલ્થ ખાતાની સરકારી યાદી રાજ્યભરમાં 86 દર્દીઓ જ વેન્ટીલેટર ઉપર હોવાનું જણાવે છે. સરકારના આવા વિરોધાભાસી આંકડાઓથી લોકોને શંકા જાય છે કે જાહેર થતાં આંકડા કરતાં વાસ્તવિક આંકડા વધુ ચિંતાજનક હોઇ શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here