અમેરિકાના ફેડરલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશનએ ભારતીય મૂળના ગુજરાતી ભદ્રેશકુમાર ચેતનભાઈ પટેલની માહિતી આપનારને 1,00,000 ડૉલરનું ઈનામ આપવાનું એલાન કર્યું છે. જે રકમ રૂ.73,96,245 થાય છે. અમેરિકાની તપાસ એજન્સીના મતે ભદ્રેશકુમાર પટેલનો જન્મ ગુજરાતના વીરમગામ તાલુકાના કંતોદ્રી ગામે થયો છે.
યુવકે પત્નીની છરી મારીને કરી હત્યા
આ વ્યક્તિ તપાસ એજન્સીએ જાહેર કરેલી મોસ્ટ વોન્ટેડની યાદી પૈકી એક છે. જે યાદી એજન્સીએ વર્ષ 2017માં તૈયાર કરી હતી. શુક્રવારે તપાસ એજન્સીએ એના નામ તથા ઈનામ અંગેની એક ટ્વીટ કરીને લોકોનું ધ્યાન ખેંચ્યું છે. વર્ષ 2015ની વાત છે. જ્યારે ભદ્રેશકુમારે પોતાની પત્ની પલકની હનોવરના મેરીલેન્ડ રાજ્યમાં ડંકિન ડોનેટસના કોફી શૉપમાં છરી મારીને હત્યા કરી નાંખી હતી.
આ હત્યા બાદ તે ફરાર થઈ ગયો હતો. વર્ષ 2017માં તેને મોસ્ટ વોન્ટેડની યાદીમાં મૂકાયો હતો. પણ તે તપાસ એજન્સીની પકડમાં આવ્યો ન હતો. હાલ એના પર એક લાખ ડૉલરનું ઈનામ જાહેર કરાયું છે. તપાસ એજન્સીએ કહ્યું કે આ વ્યક્તિ અંગે જે કોઈ જાણે છે કે, એમના વિશે ખબર હોય, તે ક્યાં રહે છે તો તેઓ એજન્સી કે નજીકના અમેરિકન એમ્બસીનો સંપર્ક કરે છે. જ્યારે તે આ કેસ કાંડમાં ફસાયો ત્યારે તેની ઉંમર 24 વર્ષની હતી. જ્યારે પત્ની 21 વર્ષની હતી. જ્યારે કોફી શૉપની પાછળના રસોડામાં જ્યારે ભદ્રેશે રસોઈમાં ઉપયોગમાં લેવાતી છરીથી હત્યા કરી ત્યારે ગ્રાહકો પણ ત્યાં હાજર હતા.
ગુનાની ભયંકર ક્રુરતા માટે તપાસ એજન્સીએ એને વોન્ટેડની યાદીમાં નાંખી દીધો છે. આ ઘટનાના એક મહિના પહેલા જ બંનેના વીઝાનો સમયગાળો પૂરો થઈ ગયો હતો. તપાસ એજન્સીના અધિકારી એવું માની રહ્યા છે કે, પલક પટેલ ભારત પાછી આવવા માગતી હતી. પણ પતિએ એનો વિરોધ કર્યો હતો.
આ બંને મેરિલેન્ડના એક કોફી શોપમાં કામ કરતા હતા. જોકે, ઘટના બાદ ભદ્રેશકુમાર ફરાર થઈ જતા તપાસ એજન્સીએ ભાગેડું જાહેર કર્યો છે. દંપતિ નાઈટ શિફ્ટમાં કામ કરતા હતા. તપાસ એજન્સી કહે છે કે, તેના સંબંધી અમેરિકા અથવા કેનેડામાં છે. અથવા તે કેનેડાથી ભારત ભાગી ગયો હોવાની આશંકા છે.