રાજ્ય સરકારના વાણિજ્ય વિભાગ દ્વારા કુરિયર મારફતે જ્વેલરી એક્સપોર્ટ કરવા અંગેની પરવાનગી આપવામાં આવી છે. જેના કારણે એમએસએમઇ સેક્ટરના જ્વેલરી એક્સપોર્ટ કરતા સુરતના અંદાજે 400 જેટલા ઉદ્યોગોને સરળતા રહેશે. અત્યાર સુધી જ્વેલરી એક્સપોર્ટ માટે કસ્ટમની પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હતું. પરંતુ હવે ખૂબ જ ઓછા ખર્ચે કુરિયર મારફતે ઉદ્યોગકારો વિદેશમાં જ્વેલરી એક્સપોર્ટ કરી શકાશે.

જેમ્સ એન્ડ જ્વેલરીના સુરતના ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું કે જીજેઇપીસી દ્વારા સરકાર સમક્ષ નાના નાના વેપારીઓને વેપારમાં સરળતા મળે તે માટે કુરિયર મારફત પણ પાર્સલ રવાનગીની છૂટ આપવા રજૂઆત કરવામાં આવી હતી. જેને સરકારે ગ્રાહ્ય રાખતા હવેથી જ્વેલરીના નાના પાર્સલ કુરિયર મારફત નિકાસ કરી શકાશે. અન્ય દેશોમાં આ પ્રકારની છૂટ હોવાથી અમેરિકા અને ચીન સહિતના દેશના વેપારીઓ સારો વેપાર મેળવી જતા હતા. હવે સુરતના વેપારીઓને પણ ઇ-કોમર્સના વ્યવસાય મારફત વિદેશમાંથી મળતા ઓર્ડર સપ્લાય કરવામાં મદદ મળી રહેશે.