‘જુઓ આ રીતે ફાંસો ખવાય છે’ એમ કહી ગળામાં સાડી બાંધી મજાક કરનારા ડિંડોલીના યુવકને તેની બે પુત્રીની નજર સામે ફાંસો લાગી જતા મોતને ભેટયો હતો. આ બનાવ અંગે સાંભળી પોલીસ પણ ચોંકી ઊઠી હતી.
બનાવ અંગે મળતી માહિતી મુજબ મૂળ મહારાષ્ટ્રનો વતની પ્રમોદ પ્રકાશ કાપડે (ઉં.વ. 35) પત્ની, બે પુત્રી અને એક પુત્ર સહિતના પરિવાર સાથે રહેતો હતો. ડ્રાઇવિંગના વ્યવસાય સાથે સંકળાયેલો પ્રમોદ શુક્રવારે રાત્રે ઘરમાં તેની બંને પુત્રીઓ સાથે મજાક મસ્તી કરી રહ્યો હતો. જ્યારે તેની પત્ની રસોડામાં હતી.
દરમિયાન પ્રમોદ બંને પુત્રીઓને સમક્ષ ‘જુઓ આ રીતે ફાંસો ખવાય છે’ એમ કહી ગળામાં સાડી બાંધી મજાક કરી રહ્યો હતો. ત્યારે ટેબલ પરથી તેનો પગ લપસી જતા ફાંસો લાગી જવાથી તેનું મોત નીપજ્યું હતું. પ્રમોદે અગાઉ પણ આ રીતે પરિવારની હાજરીમાં મજાક-મસ્તી કરી હોવાનું પોલીસે કહ્યું હતું.
પરિવારના સભ્યો દ્વારા જણાવાયેલી ઉક્ત હકીકત પ્રથમ દ્રષ્ટીએ પોલીસને ગળે ઉતરી નહોતી. જોકે, પોસ્ટમોર્ટમ દરમિયાન ફાંસો લાગવાથી જ પ્રમોદનું મોત થયું હોવાનું સામે આવતા પોલીસે તે દિશામાં તપાસ કરી હતી. બનાવ અંગે ડિંડોલી પોલીસ મથકના હે. કો. છત્રસિંહ તપાસ કરી રહ્યા છે.