કાશ્મીરમાં મોટા ભાગના વિસ્તારોમાં ઠંડીનો પારો શૂન્યથી નીચે આવી ગયો છે. બીજી તરફ ઉત્તર ભારતના પણ મોટા ભાગના વિસ્તારોમાં લઘુતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચે આવી ગયો છે. દિલ્હીમાં છેલ્લા 71 વર્ષનો સૌૈથી ઠંડો નવેમ્બર જોવા મળ્યો છે. હવામાન વિભાગે દક્ષિણ તમિલનાડુ અને કેરળમાં ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળના અખાત પર ડિપ્રેશન સર્જાયુ છે આગળ જઇને વધુ તીવ્ર બનીને ડિપ ડિપ્રેશનમાં ફેરવાઇ વાવાઝોડા સ્વરૂપે ત્રાટકવાની શક્યતા છે. જેના કારણે બીજી અને ત્રીજી ડિસેમ્બરની વચ્ચે ભારે વરસાદ પડવાની સંભાવના છે.

શ્રીલંકાના દરિયાને પાર કરશે વાવાઝોડુ , ભારતના આ રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના
આ વાવાઝોડું બીજી ડિસેમ્બરની સાંજે અથવા રાતે શ્રીલંકાના દરિયાકાંઠાને પાર કરશે. જેના પગલે ત્રીજી ડિસેમ્બરે તમિલનાડુના કન્યાકુમારી અને તેની આજુ બાજુના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.આ વાવાઝોડાને પગલે એકથી ચાર ડિસેમ્બરની વચ્ચે તમિલનાડુ, કેરળ, પુડુચેરી, કરાઇકલ, માહેે, આંધ્ર પ્રદેશના દક્ષિણના દરિયાકાંઠા અને લક્ષદ્વીપમાં વરસાદ પડવાની સંભાવના છે.
નેશનલ વેધર ફોરકાસ્ટીંગ એજન્સીના જણાવ્યા અનુસાર દિલ્હીમાં નવેમ્બર મહિનો છેલ્લા 71 વર્ષનો સૌથી ઠંડો છે. ચાલુ વર્ષે નવેમ્બરમાં દિલ્હીનું સરેરાશ લઘુતમ તાપમાન 10.2 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું છે. દિલ્હીમાં સામાન્ય રીતે નવેમ્બરમાં સરેરાશ લઘુતમ તાપમાન 12.9 ડિગ્રી સેલ્સિયસની આસપાસ હોય છે. ગયા વર્ષે નવેમ્બરમાં સરેરાશ લઘુતમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ હતું.
ઉત્તરભારત ઠંડીમાં થીજ્યુ
બીજી તરફ દિલ્હીનો આજે એર કવાલિટી ઇન્ડેક્સ(એક્યુઆઇ) 307 નોંધવામાં આવ્યો હતો. કાશ્મીરના શ્રીનગર અને ગુલમર્ગમાંં લઘુતમ તાપમાન અનુક્રમે માઇનસ 1.3 અને માઇનસ 3 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું.
રાજસ્થાનમાં 2 ડિગ્રી સેલ્યિસ તાપમાન સાથે માઉન્ટ આબુ સૌથી ઠંડુ રહ્યું હતું. ચુરૂમાં 5.5, સિકરમાં 6, પિલાનીમાં 7.1 અને ભિલવાડામાં 8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું. હિમાચલ પ્રદેશના કલોંગમાં માઇનસ 2.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું.