૧૦૦ ટકા અસરકારકતાના દાવા સાથે મોડર્નાએ સોમવારે કોરોના વેક્સિન ઇમર્જન્સી વપરાશની મંજૂરી માટે અમેરિકન નિયમનકાર યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન(એફડીએ)ને સુપરત કરી છે. કંપનીને સૂચના આપવામાં આવી છે કે વેક્સિન માટે વિચારણા કરવા એફડીએ ૧૭ ડિસેમ્બરે બેઠક યોજશે. ફેઝ ૩ ક્લિનિકલ ટ્રાયલમાં ૩૦,૦૦૦ લોકોએ ભાગ લીધો હતો અને ટ્રાયલનું તારણ દર્શાવે છે કે ગંભીર કોવિડ-૧૯ના કિસ્સામાં વેક્સિનની અસરકારકતા ૧૦૦ ટકા માલૂમ પડી હતી અને રોગને વ્યાપક સ્તરે રોકવાના મોરચે તેની અસરકારકતા ૯૪ ટકા સાબિત થઇ હતી. નવા ટ્રાયલના આંકડા દર્શાવે છે કે રોગને રોકવાના મોરચે આ વેક્સિન ૯૪ ટકા અસરકારકતા ધરાવે છે અને આ આંકડા ફેઝ ૩ ક્લિનિકલ ટ્રાયલ્સના અગાઉના આંકડા સાથે સુમેળ ધરાવતા હોવાના કારણે ઇમર્જન્સી વપરાશની મંજૂરી માટે રજૂ કરી છે.

મોડર્ના યુરોપિયન મેડિસિન્સ એજન્સી પાસેથી પણ મંજૂરી માગશે 

આ ઉપરાંત યુરોપિયન મેડિસિન્સ એજન્સી પાસેથી પણ શરતી માર્કેટિંગ ઓથોરાઇઝેશનની માગણી કરાશે, તેમ કંપનીએ જણાવ્યું હતું. તેણે દાવો કર્યો છે કે આ ટ્રાયલ દરમિયાન સુરક્ષાને લગતી કોઈ ચિંતા જોવાઇ ન હતી. આ વેક્સિનની સાઇડ ઇફેક્ટ ઇન્જેક્શનની જગાએ દુખાવો, માથાનો દુખાવો અને થાક પૂરતી સીમિત હતી.

ડિસેમ્બરના અંત સુધીમાં બે કરોડ ડોઝ તૈયાર હશે : મોડર્ના 

મોડર્ના ૨૦૨૦ના ડિસેમ્બરના અંત સુધીમાં અમેરિકામાં કુલ બે કરોડ વેક્સિન ડોઝની સપ્લાઇ માટે તૈયાર કરવાની અપેક્ષા ધરાવે છે, જે એક કરોડ લોકો માટે પૂરતી હશે કેમ કે દરેકને બે ડોઝ આપવા પડશે. કંપનીએ જણાવ્યું હતું કે તેની પાસેની યોજના અનુસાર તેઓ ૨૦૨૧માં વિશ્વને ૫૦ કરોડથી ૧૦૦ કરોડ વેક્સિન ડોઝની સપ્લાઇ કરશે. મોડર્નાના સીઇઓ બાન્સેલે ટ્રાયલનાં પરિણામ અંગે બોલતાં વેક્સિનની સફળતાના ઊંચા દર પર ભાર આપ્યો હતો, ખાસ કરીને ગંભીર કોરોનાને રોકવાની તેની ક્ષમતા પર ભાર આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે અમે માનીએ છીએ કે અમારી વેક્સિન એક નવું અને શક્તિશાળી સાધન ઉપલબ્ધ કરાવશે કે જે કદાચ આ રોગચાળાની સ્થિતિને બદલી નાખશે તથા ગંભીર રોગને, હોસ્પિટલાઇઝેશનને અને મૃત્યુને અટકાવવામાં મદદ કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here