સરકાર ભલે પરિસ્થિતિ કંટ્રોલમાં હોવાના દાવા કરતી હોય પરંતુ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ફરી એક વાર કોરોનાનું કબ્રસ્તાન બની રહ્યું છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સતત ત્રીજા દિવસે લાશોના ઢગલા જોવા મળ્યા છે, સોમવારે પણ વહેલી સવારથી મૃતકના સગાં ડેડબોડી લેવા માટે ભીડ જામી હતી, આ સ્થિતિમાં કોઈ હંગામો ના થાય તે માટે તકેદારીના ભાગરૂપે જ્યાંથી ડેડબોડી લઈ જવાય છે તે ૧૨૦૦ બેડની હોસ્પિટલ આસપાસ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સોમવારે સવારે પણ ૯ જેટલી ડેડબોડી સ્મશાન ગૃહે લઈ જવાઈ હતી, એ પછી પણ દિવસભર એકલ-દોકલ ડેડબોડી સ્મશાન ગૃહે મોકલવાનો સિલસિલો સતત ચાલુ રહ્યો હતો. ઠેર ઠેર મૃતકોના સગાં ચૌધાર આંસુએ રડતાં નજરે પડયા હતા, આ દોર સતત ત્રીજા દિવસે પણ ચાલુ રહ્યો છે. બીજી તરફ સરકાર હજુ પણ કોરોનાના મૃતકોના સાચા આંકડા છુપાવી રહી છે અને શહેરમાં માત્ર ૧૦થી ૧૨ કોરોનાગ્રસ્તના મોત થયાનું સરકારી ચોપડે બતાવી રહી છે.

સૂત્રો કહે છે કે, શનિવારે વહેલી સવારે દસ જેટલી ડેડબોડી સિવિલ હોસ્પિટલમાંથી સ્મશાન ગૃહે મોકલવામાં આવી હતી, બીજા દિવસે એટલે કે સોમવારે પણ સ્થિતિ આવી જ રહી હતી, કોરોનાના મૃતકના સગા નિસહાય બની કલાકો સુધી ડેડબોડી માટે બેસી રહ્યા હતા, કેટલાકે હંગામો મચાવ્યો હતો તો કેટલાકે રોષ ઠાલવ્યો હતો, આ સ્થિતિમાં સોમવારે રાઉન્ડ ધ ક્લોક પાંચ શબવાહિની સિવિલ હોસ્પિટલમાં મૂકવા તંત્રે આદેશો આપ્યા હતા, ગઈ કાલે જ એટલે કે રવિવારે એકલા સિવિલ હોસ્પિટલમાંથી ૧૭ ડેડબોડી અંતિમ સંસ્કાર માટે લઈ જવાઈ હતી તેમ સૂત્રોએ જણાવ્યું હતું. અલબત્ત, રવિવારની સરખામણીએ સોમવારે સગાઓની ભીડ ઓછી જોવા મળી હતી.

૭૬ વર્ષના નેગેટિવ વૃદ્ધાને સિવિલના પોઝિટિવ વોર્ડમાં ૯ દિવસ રખાતાં મોત

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓના ટપોટપ મોત થઈ રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં જંગલ રાજ જેવી સ્થિતિ હોવાના મૃતકના સગાં આક્ષેપ કરી રહ્યા છે. અસારવા વિસ્તારમાં રહેતાં ૭૬ વર્ષીય ઈન્દિરાબહેન જયંતીલાલ પટેલનો કોરોના રિપોર્ટ નેગેટિવ હતો, તેમ છતાં દર્દીને ૯ દિવસ સુધી સિવિલના કોરોના વોર્ડમાં રાખવાના કારણે તેમનું શનિવારે મોત થયું હતું. વોર્ડ ટ્રાન્સફર માટે પણ વિનંતી કરવામાં આવી હતી, પરંતુ સિવિલ તંત્રે તેમની વાત ધરાર સાંભળી નહોતી. મૃતકના સગાએ આ મુદ્દે સિવિલ હોસ્પિટલ સામે ઘોર બેદરકારીનો આક્ષેપ કર્યો છે.

મૃતક દર્દીના સગા સંજય પટેલે આક્ષેપ કર્યો હતો કે, તેમના સગાનો કોરોના રિપોર્ટ નેગેટિવ હતો, તેમ છતાં પોઝિટિવ દર્દીઓ સાથે રખાયા હતા, જ્યાં અન્ય દર્દીઓના ટપોટપ મોત થઈ રહ્યા હતા, જે જોઈને વૃદ્ધાનું મોત થયું છે. ગત ૧૯મી નવેમ્બરે અસારવા અર્બન હેલ્થ સેન્ટર ખાતે દર્દીનો કોરોનો ટેસ્ટ કરાયો હતો, જે નેગેટિવ આવ્યો હતો, ત્યાર બાદ રાતે ઓક્સિજન ઓછો પડતાં યુ.એન. મહેતા હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા, જ્યાં હાર્ટનો ઈકો તથા અન્ય સારવાર બાદ તેમને કોવિડ ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, ૨૦મી નવેમ્બરે કોરોનાનો આરટી-પીસીઆર રિપોર્ટ કરાયો હતો, ૨૪ કલાક બાદ એટલે કે ૨૧મીએ એ રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો હતો, તેમ છતાં સિવિલ હોસ્પિટલે આ દર્દીને કોવિડ પોઝિટિવના આઈસીયુ વોર્ડમાં જ રાખ્યા હતા. દર્દીના સગાએ વોર્ડ ટ્રાન્સફર કરવા માટે વિનંતી કરી હતી પરંતુ ડોક્ટરો માન્યા નહોતા. સગાએ કહ્યું કે, આ વોર્ડમાં અસંખ્ય દર્દીઓના મોત થતાં હતા, જેને જોતાં ૨૯મી નવેમ્બરે ઈન્દિરાબહેનનું પણ મોત થયું હતું.

દર્દી બાયપેપ પરથી હટાવવા લાયક નહોતા : તંત્ર

દર્દીના સગાના આક્ષેપને લઈ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. જે.વી. મોદીએ જણાવ્યું હતું કે, દર્દીની તકેદારી રખાઈ હતી, બાયપેપ પર રાખવામાં આવ્યા હતા, બાયપેપ પરથી દર્દીને હટાવવા યોગ્ય નહોતા.

દર્દીના મોતની જાણ પણ અઢી કલાક મોડી કરાઈ

ઈન્દિરાબહેનના સગાએ કહ્યું કે, દર્દીનું મોત ૨૯-૧૧ના રોજ સવારે ૮.૦૫ કલાકે મોત થયું હતું. તેમ છતાં તેમને ૧૦.૩૦ વાગ્યે મોડે મોડે ફોન પર જાણ કરવામાં આવી હતી. મોતની જાણ કરવામાં પણ અઢી કલાક જેટલો વિલંબ કરાયો હતો.

હોસ્પિટલે ડેડબોડી સગાને આપી પણ કોવિડના ડરે સીધા સ્મશાને ગયા

સગાએ કહ્યું કે, કોવિડ દર્દી મૃત્ય પામે તો સીધા હોસ્પિટલમાંથી સ્મશાન ગૃહે પહોંચાડવામાં આવે છે, જોકે તેમના કિસ્સામાં રિપોર્ટ નેગેટિવ હોવાથી સિવિલને ભૂલ સમજાઈ હતી, એટલે બોડી તેમને આપવા માટે તૈયારી બતાવી હતી.અલબત્ત, દર્દી કોવિડ વોર્ડમાં રહેલા હોવાથી સગા દ્વારા ડેડબોડી ખાનગી એમ્બ્યુલન્સ મારફત સીધા દૂઘેશ્વર સ્મશાન ગૃહે લઈ જવાઈ હતી.

સિવિલ હોસ્પિટલમાં વધુ પાંચ ડોક્ટરો કોરોનાની ઝપટે ચઢયા, સ્ટાફમાં ફફડાટ

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધી છે, સાથે સાથે સતત ખડેપગે તૈનાત એવા કોરોના વોરિયર્સ ડોક્ટરો પણ કોરોનાનો શિકાર બની રહ્યા છે, અમદાવાદની સિવિલ હોસ્પિટલના વધુ પાંચ ડોક્ટરો કોરોનાની ઝપટે ચઢયા છે, આ ગંભીર સ્થિતિમાં રાત દિવસ મહેનત કરી રહેલા અન્ય કોરોના વોરિયર્સમાં ફફડાટ ફેલાયો છે.

સિવિલના સૂત્રોએ કહ્યું કે, વધુ પાંચ ડોક્ટરો કોરોના સંક્રમિત થયા છે. જે સારવાર હેઠળ છે. દિવાળી પછી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો સહિત કુલ ૬૦ કોરોના વોરિયર્સ કોરોનાની ઝપટે ચઢયા હતા, જોકે હવે કોરોના વોરિયર્સ સંક્રમિત થવાનો આંકડો ૬૫ને પાર થઈ ગયો છે. કોરોનાની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં સિવિલ હોસ્પિટલમાં ૪૩૫થી વધુ વોરિયર્સ પોઝિટિવ આવ્યા છે. એક હેડ નર્સનું કોરોનાથી મોત થયું હતું. હમણાં જ મેડિસિન વિભાગના ડો. કમલેશ ઉપાધ્યાય પણ કોરોનાગ્રસ્ત થયા હતા, આ ડોક્ટર સામે જુનિયર તબીબો અગાઉ એવો આક્ષેપ કરી ચૂક્યા છે કે, તેઓ કોરોના વોર્ડમાં ઘૂસતાં જ નહોતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here