ભારતના મહાન ક્રિકેટર સુનીલ ગાવસ્કરે પિતૃત્વ રજા અંગે મૌન તોડ્યું છે. મણે સ્પષ્ટતા કરી હતી કે 1975-76ના ન્યૂઝીલેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસ વખતે તે ભારતીય ક્રિકેટ બોર્ડ પાસે આ રીતે રજા માગી ન હતી. મીડિયામાં એવા સમાચાર આવ્યા હતા કે ગાવસ્કરે રજા તો માગી હતી પરંતુ બોર્ડે તેમને રજા આપી ન હતી. ગાવસ્કરે પોતાની કોલમમાં લખ્યું હતું કે મેં રજા માગી હતી તે વાત સાચી છે પરંતુ મેં પત્ની પાસે પરત ફરવા માટે રજા માગી ન હતી.

હું દેશ માટે રમવા માટે પ્રતિબદ્ધ, મારી પત્નીએ મારા નિર્ણયને સમર્થન આપ્યું

ભારતના આ મહાન ઓપનરે જણાવ્યુ હતું કે હું ન્યૂઝીલેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસ માટે ભારતીય ટીમ સાથે રવાના થયો ત્યારે હું જાણતો હતો કે પ્રવાસ જારી હશે ત્યારે જ મારા ઘરે બાળકનો જન્મ થવાનો છે. આમ છતાં હું દેશ માટે રમવા માટે પ્રતિબદ્ધ હતો. મારી પત્નીએ પણ મારા નિર્ણયને સમર્થન આપ્યું હતું.

ત્રીજી ટેસ્ટમાં ઘાયલ થતાં 4 સપ્તાહ આરામની સલાહ હોઈ રજા માગી

ભૂતપૂર્વ સુકાની અને એક સમયે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ ધરાવનારા ગાવસ્કરે જણાવ્યું હતું તે ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી ટેસ્ટમાં તે ઘાયલ થઈ ગયો હતો અને તેને ચાર સપ્તાહના આરામની સલાહ આપવામાં આવી હતી. આ સમય દરમિયાન મેં રજાની માગણી કરી હતી. આમ મને ચાર સપ્તાહના આરામની સલાહ હતી. આગામી મેચ વેસ્ટ ઇન્ડિઝમાં ત્રણ સપ્તાહ બાદ રમાનારી હતી જેમાં હું રમી શકું તેમ ન હતો. આમ મેં આ દિવસો દરમિયાન ટીમની સાથે રહેવા કરતાં વતન પરત ફરી જવા માટે રજા માગી હતી પરંતુ બોર્ડે મને રજા આપવાનો ઇનકાર કરી દીધો હતો.

હું ઘાયલ હતો તેથી ટેસ્ટ રમવાનો તો સવાલ જ ન હતો

તેમણે કહ્યું કે મેં મેનેજર પોલી ઉમરીગર પાસે રજા માગી હતી. મેં એવી ખાતરી આપી હતી કે વેસ્ટ ઇન્ડિઝ સામેની પહેલી ટેસ્ટ અગાઉ હું ટીમ સાથે જોડાઈ જઇશ. આ ઉપરાંત હું મારા ખર્ચે ભારત જવા માગતો હતો. હું ઘાયલ હતો તેથી ટેસ્ટ રમવાનો તો સવાલ જ ન હતો અને ડોક્ટરની મનાઈ છતાં હું પહેલી ટેસ્ટમાં રમ્યો હતો.

કોહલીએ ટીમની પસંદગી થાય તે પહેલાથી જ પસંદગીકારોને પોતાના નિર્ણયની જાણ કરી

ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલી હાલમાં ભારતીય ટીમ સાથે ઓસ્ટ્રેલિયા છે પરંતુ પહેલી ટેસ્ટ બાદ તે પરત ફરી જવાનો છે કેમ કે ભારતમાં તેની પત્ની અનુષ્કા શર્મા સંતાનને જન્મ આપવાની છે અને કોહલીએ ટીમની પસંદગી થાય તે પહેલાથી જ પસંદગીકારોને પોતાના નિર્ણયની જાણ કરી દીધી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here