કોરોનાના કારણે એક બેન્ક કર્મચારીનું મૃત્યુ થતાં ચાંદખેડામાં આવેલી ટીએલજીએચ હોસ્પિટલમાં અમુક સ્વજનો અને લોકોના ટોળાંએ તોડફોડ કરી હતી. અમિત કાપડિયા નામના મૂળ દાણીલીમડાના રહીશ એવા બેન્ક કર્મચારી સાત દિવસથી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. બપોરે તબિયત લથડયા પછી અમિત કાપડિયાને સાંજે મૃત જાહેર કરવામાં આવ્યાં હતાં.

અમિત કાપડિયાને સાંજે મૃત જાહેર કરવામાં આવ્યાં

હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવે મૃત્યુ થયાના આક્ષેપ સાથે લોકોએ સ્વાભાવિક ઉશ્કેરાટ સાથે હોસ્પિટલના રિસેપ્શન સહિતના સ્થળો તોડફોડ કરી હતી. હોસ્પિટલના કાચ ફોડી નંખાયા હતા અને અન્ય વસ્તુ વેરવિખેર કરી નાંખવામાં આવતાં પોલીસ બોલાવાઈ હતી. ચાંદખેડા પોલીસે જણાવ્યું કે, તોડફોડ કરવામાં આવતાં ગુનો નોંધવામાં આવશે. રાત્રી કર્ફ્યૂ વચ્ચે અંદાજે 300 લોકોનું ટોળું હોસ્પિટલ ખાતે એકત્ર થઈ ગયું હતું.

રાત્રી કર્ફ્યૂ વચ્ચે અંદાજે 300 લોકોનું ટોળું હોસ્પિટલ ખાતે એકત્ર થઈ ગયું

ચાંદખેડામાં બસ સ્ટેશન પાસે આવેલી ટીએલજીએચ હોસ્પિટલમાં કોરોનાના 20 દર્દી સારવાર લઈ રહ્યાં છે. આ પૈકીના એક દર્દી અમિત પી. કાપડિયા (ઉ.વ. 36, રહે. ન્યુ નંદન સોસાયટી, દાણીલીમડા) છેલ્લા સાત દિવસથી સારવાર હેઠળ હતાં. બેન્ક કર્મચારી અમિતની સાસરી ચાંદખેડામાં છે અને તા. 23ના બપોરથી આઈસીયુમાં એડમિટ કરી સારવાર અપાઈ રહી હતી. સાત દિવસની સારવાર દરમિયાન આજે બપોરે તબિયત લથડી હતી અને મંગળવારે રાતે 9-30 વાગ્યે અમિત કાપડિયાનું મૃત્યુ થયાની જાણ તેમના સગાવહાલાને કરવામાં આવી હતી.

23ના બપોરથી આઈસીયુમાં એડમિટ કરી સારવાર અપાઈ રહી હતી

બપોરથી જ તબિયત લથડી તે પછી હોસ્પિટલમાં ઓક્સિજન ન હોવાના કારણે અમિત કાપડિયાનું મૃત્યુ નિપજ્યાનો આક્ષેપ કરાયો છે. સાત દિવસની સારવાર દરમિયાન તબિયત સુધારા પર હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. પણ, અમિતભાઈનું સાવ અચાનક મૃત્યુ થવા પાછળ ઓક્સિજનની વ્યવસૃથા ન કરાઈ તે કારણ હોવાના મુદ્દે સ્વજનો અને લોકોમાં આક્રોશ ફેલાયો હતો. લોકોના ટોળાં એકત્ર થયાં હતાં.

સ્વજનો અને લોકોમાં આક્રોશ ફેલાયો

અમિતનું મૃત્યુ કયા કારણોસર થયું તે સ્પષ્ટ કરવા માટે હોસ્પિટલ પર ડોક્ટર હાજર નહોતાં. માત્ર નર્સિંગ સ્ટાફ હાજર હોવાથી અને યોગ્ય જવાબ ન મળતાં આક્રોશ પ્રજવળ્યો હતો અને તોડફોડ કરવામાં આવી હતી. રિસેપ્શન ટેબલના કાચ, આસપાસ કોર્ડન કરાયેલાં કાચ તોડી નાંખવા ઉપરાંત ફર્નિચર અને અન્ય વસ્તુ તોડી નાંખવામાં આવી હતી. રાતે 10 વાગ્યાના અરસામાં તોડફોડ થયાની જાણ પોલીસ કન્ટ્રોલ રૂમને કરવામાં આવી હતી. કન્ટ્રોલ રૂમ તરફથી જાણ કરાતાં ચાંદખેડા પોલીસની ટીમ હોસ્પિટલ પર દોડી ગઈ હતી. ઝોન-2 ડીસીપી વિજય પટેલે જણાવ્યું કે, કોરોનાના દર્દીનું મૃત્યુ ઓક્સિજનના અભાવે થયું હોવાના આક્ષેપ અંગે તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત, હોસ્પિટલમાં તોડફોડ કરવામાં આવી હોવાથી વિધીવત ગુનો નોંધવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here