અમદાવાદમાં રોજ નવા દર્દીઓના વધારા અને મોતનાં આંકડાઓથી શહેરમાં ફફડાટ વ્યાપી ગયો છે. AMCના શાસકો મ્યુનિ.ની એસવીપી હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવા લોકોને આંખે પાટા બંધાવી રહ્યું છે પરંતુ એસવીપીના પરિસરમાં આવેલી  વા.સા. હોસ્પિટલમાં હાલ ૫૦૦ બેડની સુવિધા હોવા છતાં ત્યાં કોવિડ કેર સેન્ટર ઊભું કરવા માટે અકળમૌન ધારણ કરી રહ્યા છે અને પોતાનો રાજકીય એજન્ડા એટલે કે, વા.સા. હોસ્પિટલને ખંભાતી તાળું મારવાની દિશામાં જ આગળ વધી રહ્યા છે.  જો વીએસમાં કોવિડ કેર સેન્ટર ઉભું કરવામાં આવે તો શહેરમાં કોરોનાના દર્દીઓને કરમસદ-ગાંધીનગર વગેરે સ્થળે કોરોનાની સારવાર જવા માટે નોબત ના આવે. પરંતું મ્યૂનિ શાસકોના અહમને કારણે કોરોનાને સર્જાયેલી ગંભીર પરિસ્થિતીમાં પણ વીએસ હોસ્પિટલનો ઉપયોગ કરવામાં આવતો નથી.

દેખીતી રીતે જ એસવીપી હોસ્પિટલમાં ૭૦૦ પથારીઓ હોવા છતાં માત્ર ૩૦૦ પથારીઓ જ કોરોનાના દર્દીઓ માટે અનામત રાખવામાં આવી છે અને શહેરની અન્ય ખાનગી હોસ્પિટલોમાં કોવિડ કેર સેન્ટરોમાં ઊભા કરવામાં આવ્યા છે. આ કેર સેન્ટરોની નિયુક્તિથી ખાનગી હોસ્પિટલના સંચાલકો તગડો નફો મેળવી રહ્યા છે તો યે કોરોનાના દર્દીઓને દાખલ કરવા માટે આટાપાટા રમી રહ્યા છે. પરંતુ મ્યુનિ. શાસકોને વાસા હોસ્પિટલમાંની ૫૦૦ પથારીઓ યાદ આવતી નથી અને એ યાદ કરવા માટે શાસકોને અહમ આડો આવી રહ્યો છે. અમે તો વાસા હોસ્પિટલને તાળું મારવાનો નિર્ધાર કર્યો છે ત્યાં ૫૦૦ પથારીઓનું કોરોના કેર સેન્ટર કેવી રીતે ઊભું કરીએ.

આ નિષ્ણાતો જ નહીં વાસા હોસ્પિટલના ટ્રસ્ટીઓ પણ એમ કહી રહ્યા છે કે, વાસા હોસ્પિટલમાં કોવિડ કેર સેન્ટર ઊભું કરવામાં આવે તો કોરોનાના દર્દીઓની મોટાભાગની હાડમારી દૂર થશે, તત્કાળ સારવાર મળશે. એસવીપી હોસ્પિટલનું ભારણ ઘટશે અને ખાનગી હોસ્પિટલોની દાદાગીરી પણ ઓછી થશે. એ કરતાંયે અમદાવાદમાં કોરોનાએ તરખાટ મચાવ્યો છે ત્યારે દર્દીઓ માટે વાસા હોસ્પિટલ રાહતનું પોતીકું સેન્ટર બની રહેશે.

વાસા હોસ્પિટલમાં ૧,૧૫૦ જેટલી પથારીઓ માત્ર ૫૦૦ પથારીઓનું જ અસ્તિત્વ રહેવા પામ્યું છે વાસાના તમામ ડોક્ટરોને એસવીપીમાં નિયુક્ત કરવામાં આવતા વાસા હોસ્પિટલ મૃતઃપાય સ્થિતિમાં ધકેલાઈ ગયું છે. આ માટે ભાજપ શાસનના મેયરો કે જેઓ વાસા હોસ્પિટલ મેનેજમેન્ટ કમિટીના ચેરમેન કમ ટ્રસ્ટીઓ રહ્યા છે તેમની ભૂમિકા મુખ્ય રહી છે. એ સાથે હોસ્પિટલના દાતા ટ્રસ્ટીઓના મ્યુનિ. સાથેનો નાહક ટકરાવ પણ જવાબદાર રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here