બારડોલી નજીક ઉમરાખ ગામની એનઆરઆઈ યુવતી સાથે સુરતના કુંભારીયા ગામના યુવાને લગ્ન કરી અમેરિકા જઈ ગ્રીનકાર્ડ મેળવી લીધા બાદ ”તારી મને કોઈ જરૃર નથી. તું મને હવે છૂટાછેડા આપી દે, જેથી અહીંયાની જે છોકરી સાથે મારે અફેર ચાલે છે તેની સાથે હું લગ્ન કરી લઉ” તેમ કહી અમેરિકાની કોર્ટમાં છૂટાછેડા માટે કેસ કરી સમન્સ મોકલ્યો હતો. જેથી યુવતીએ મહિલા પોલીસમાં પતિ, સાસુ-સસરા અને લગ્ન કરાવનાર કુંભારીયાના સંબંધી સામે ફરિયાદ આપી છે.

પતિ દારૂ પીને ઘરે આવતો, સાસુ-સસરાએ ગુજાર્યો ત્રાસ

બારડોલીના ઉમરાખ ગામના રહેવાસી અને વર્ષોથી અમેરિકાના ટેક્સાસ ખાતે સ્થાયી થયેલા સતિશભાઈ શિરીશભાઈ પટેલની પુત્રી સ્વાતી (ઉ.વ.૨૮)ના લગ્ન તા.૨૧-૧૨-૨૦૧૬ના રોજ સુરતના કુંભારીયા ગામના જતીન કરસનભાઈ પટેલ સાથે થયા હતા. લગ્ન યુવતીના સંબંધી સમીર રમણભાઈ પટેલ (રહે. કુંભારિયા, સુરત)એ નક્કી કરાવ્યા હતા. લગ્ન થયા બાદ સ્વાતી સાસરે કુંભારિયા રહેવા ગઈ હતી. લગ્નમાં પરિવાર તરફથી મળેલું ૧૫ તોલા સોનું પણ લઈ ગઈ હતી. આ દાગીના પતિ જતીન પટેલે બેંક લોકરમાં મુકી દીધા હતા. સ્વાતી લગ્નના ત્રણ મહિના સુધી સાસરીમાં રોકાઈ હતી. સાસરીમાં પતિ જતીન પટેલ દારૃ પીને મોડી રાત્રે ઘરે આવતા હોવાથી સ્વાતીએ સાસુ-સસરાને વાત કરતાં સાસરિયાઓએ માનસિક ત્રાસ આપવાનું શરૃ કર્યું હતું.

મને અમેરિકાનો ગ્રીનકાર્ડ મળી ગયો છે, એટલે તારી કોઈ જરૃર નથી

દરમિયાન સ્વાતી થોડા સમય બાદ પરત અમેરિકા જતી રહી હતી. અમેરિકા આવી પતિ સુધરી જશે એમ માની સ્વાતીએ જતીનના વિઝા માટેની પ્રોસેસ ચાલુ કરી હતી. વર્ષ ૨૦૧૮માં સ્વાતી પરિવાર સાથે ભારત આવી ત્યારે દાગીનાવાળા લોકરમાં પોતાનું નામ જોઇન્ટ કરવા માટે પતિ જતીનને જણાવ્યુ હતું પરંતુ જતીને લોકરમાં નામ દાખલ કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. દરમિયાન સ્વાતી પરત અમેરિકા જતી રહ્યા બાદ વિઝાના કામે અહીં બેંકમાં જોઇન્ટ એકાઉન્ટ ખોલવવું જરૃરી હોય સ્વાતીની સહીની જરૃર હતી. પરંતુ જતીને સ્વાતિની સહી વગર જ જોઇન્ટ એકાઉન્ટ ખોલાવી દીધું હતું. જે અંગે અમેરિકા પહોંચ્યા બાદ સ્વાતીએ પૂછતાં જતીને તારે શું કામ છે, મને અમેરિકાનો ગ્રીનકાર્ડ મળી ગયો છે, એટલે તારી કોઈ જરૃર નથી. એમ કહી ગેરવર્તણૂંક કરી હતી. અહીની છોકરી સાથે મારૃ અફેર છે, હું તેની સાથે લગ્ન કરવાનો છું એમ કહી વારંવાર મહેણાં ટોણાં મારી માર મારતો હતો.

પત્નીને અડધે રસ્તે ઉતારી ચાલ્યો ગયો પતિ

સાસુ-સસરા પણ શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા. તા.૦૨-૦૨-૨૦૨૦ના રોજ સ્વાતી પતિ જતીન અને નણંદ સાથે ગાડીમાં બેસી અમેરિકામાં સગાસબંધીને ત્યાં જતાં હતા તે સમયે પતિ જતીન સ્વાતીને રસ્તામાં એકલી ઉતારી જતો રહ્યો હતો. મોડે સુધી પરત ન આવતાં સ્વાતીએ ફોન કરતાં જતીને આજથી આપણે બંને છૂટા, મેેં તો માત્ર તારી સાથે અમેરિકાનો ગ્રીનગાર્ડ મેળવવા જ લગ્ન કર્યા હતા એમ કહી ફોન બંધ કરી દીધો હતો. બાદમાં સ્વાતી પોતાના માત-પિતાના ઘરે રહેવા જતી રહી હતી. બે દિવસ બાદ જતીન પટેલે ડલાસ કોર્ટમાં છૂટાછેડા માટેની અરજી ફાઇલ કરી કોટર્માં હાજર રહેવા સમન્સ મોકલ્યો હતો. તા.૦૪-૧૦-૨૦૨૦ રોજ સ્વાતી માતા-પિતા સાથે ભારત આવી પોતાના પિયર ઉમરાખ રહે છે. સ્વાતીએ બારડોલી પોલીસ અને સુરત જિલ્લા મહિલા પોલીસમાં પતિ જતીન અને સાસુ કલ્પનાબેન, સસરા કરસન લલ્લુભાઈ પટેલ અને લગ્ન નક્કી કરાવનાર સમીર પટેલ સામે ફરિયાદ આપી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here