કોરોના વાયરસને કારણે આ વખતે ભારતમાં ડોમેસ્ટિક ક્રિકેટનું આયોજન થશે કેમ કે તે અંગે શંકા પ્રવર્તી રહી છે તેમાં બીસીસીઆઈએ દરેક સ્ટેટ એસોસિયેશનને વિકલ્પ આપ્યો હતો કે તેમણે રણજી ટ્રોફી, વિજય હઝારે ટ્રોફી (વન-ડે) અને સૈયદ મુસ્તાક અલી ટ્રોફી (ટી20)માંથી એકની પસંદગી કરવાની હતી. અથવા તો કમસે કમ બે ટુર્નામેન્ટની પસંદગી કરવાની હતી. બોર્ડે આ માટે સ્ટેટ એસોસિયેશન પાસેથી બીજી ડિસેમ્બર સુધીમાં અભિપ્રાય મગાવ્યા હતા. આ અભિપ્રાય આવી જાય ત્યાર બાદ બોર્ડ આખરી નિર્ણય લેશે.

વ્હાઇટબોલ ક્રિકેટ ટુર્નામેન્ટનો વિકલ્પ પસંદ કર્યો

હવે એમ મનાય છે કે મોટા ભાગના એસોસિયેશને આ માટે લિમિટેડ ઓવર્સનો એટલે કે વ્હાઇટબોલ ક્રિકેટ ટુર્નામેન્ટનો વિકલ્પ પસંદ કર્યો છે.

20 ડિસેમ્બરથી 18મી માર્ચની તારીખો નક્કી કરાઈ હતી

બીસીસીઆઈએ રવિવારે તમામ એસોસિયેશનને ઇમેલ દ્વારા જાણ કરી હતી કે તેમણે તેમની પસંદગી બુધવાર સુધીમાં મોકલી દેવાની છે. આ વિકલ્પોમાં ફક્ત રણજી ટ્રોફી, ફક્ત મુસ્તાક અલી ટ્રોફી અથવા રણજી અને મુસ્તાક અલી ટ્રોફી બંને અથવા માત્ર લિમિટેડ ઓવરની બે ટુર્નામેન્ટનો વિકલ્પ પસંદ કરવાનો હતો. આ સાથે ટુર્નામેન્ટની અંદાજિત તારીખ પણ આપવાની હતી. આ માટે 20 ડિસેમ્બરથી 18મી માર્ચની તારીખો નક્કી કરાઈ હતી.

બીસીસીઆઈએ 20 ડિસેમ્બરથી દસમી જાન્યુઆરીના સમયગાળામાં ટી20 યોજવાનો નિર્ણય લીધો

એક અહેવાલ મુજબ વર્તમાન રણજી ચેમ્પિયન સૌરાષ્ટ્ર, મુંબઈ, તામિલનાડુ, બરોડા અને પંજાબે મુસ્તાક અલી ટ્રોફી અને વિજય હઝારે ટ્રોફી રમવાનું પસંદ કર્યું છે.  મધ્યપ્રદેશ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને વિદર્ભે મુસ્તાક અલી ઉપરાંત રણજી ટ્રોફીની પસંદગી કરી છે.  બીસીસીઆઈએ 20 ડિસેમ્બરથી દસમી જાન્યુઆરીના સમયગાળામાં ટી20 યોજવાનો નિર્ણય લીધો છે. રણજી ટ્રોફી માટે 67 દિવસની જરૂર પડે છે અને આ માટે 11 જાન્યુઆરીથી 18મી માર્ચનો સમય પસંદ કરાયો છે. આ જ ગાળામાં હઝારે ટ્રોફીની દરખાસ્ત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here