સરકારના કૃષિ કાયદા સામે આંદોલન કરી રહેલા ખેડૂતોએ દિલ્હીની બોર્ડરો પર ધામા નાંખ્યા હોવાથી લાખો દિલ્હીવાસીઓની મુશ્કેલી વધી ચુકી છે. સપ્ટેમ્બરમહિનાથી ખેડૂતો આ કૃષિ બિલનો વિરોધ કરી રહ્યા હતા. હવે પંજાબથી દિલ્હી સુધી પહોંચ્યા છે. ગઈકાલે સરકાર સાથે વાટાઘાટોની બેઠક થઈ પરંતુ તેમાં કોઈ પરિણામ આવ્યું નથી. સરકારને પણ આનો અંદાજો હતો. ગઈકાલે જ ખેડૂતો અને કૃષિમંત્રીની બેઠક બાદ ફરીથી 3 ડિસેમ્બરે ખેડૂત આગેવાનો અને સરકાર વચ્ચે ચર્ચા વિચારણા થશે. જો આ બેઠક નિષ્ફળ રહી તો દિલ્હીવાસીઓની મુશ્કેલીઓ વધી જશે.

વાટાઘાટો નિષ્ફળ રહી તો ખેડૂતો પોતાનો સપ્લાય કરી દેશે બંધ
હવે તેમની મુશ્કેલીમાં વધારો થાય તેવા એંધાણ વરતાઈ રહ્યા છે.ખેડૂત આંદોલનના સમર્થનમાં હરિયાણાની ખાપ પંચાયતોએ કહ્યુ છે કે, જો 3 ડિસેમ્બરે થનારી વાટાઘાટોમાં કોઈ સમાધાન નહીં થાય તો દિલ્હીમાં દુધ, ફળ અને શાકભાજીની સપ્લાય જ બંધ કરી દેશે.
ખાપ પંચાયતોએ પણ દિલ્હી તરફ કૂચ કરવાનુ આહવાન આપ્યુ
ખાપ પંચાયતોએ પણ દિલ્હી તરફ કૂચ કરવાનુ આહવાન આપ્યુ છે.ખેડૂત નેતાઓ ઘરે ઘરે જઈને લોકોને દિલ્હી જવા માટે અપીલ કરી રહ્યા છે.બીજી તરફ નોએડા અને દિલ્હી જવાના રસ્તાઓ પર ખેડૂતોએ કરેલા પ્રદર્શનના પગલે નોએડા-ગ્રેટર નોએડા એક્સપ્રેસ વે જામ કરી દેવામાં આવ્યો છે.જેના પગલે મોટી સંખ્યામાં પોલીસ ખડકી દેવી પડી છે.
ખેડૂતો પ્રદર્શન કરવા માટે દિલ્હી બોર્ડર પર પહોંચી ચુક્યા
ખેડૂતો પહેલેથી જ દિલ્હીની બોર્ડર પર અડિંગો જમાવીને બેઠા છે.તેમના માટે ભોજનનો સપ્લાય પણ કરવામાં આવી રહ્યો છે.જેથી આંદોલનને લાંબુ ચલાવી શકાય.પંજાબના સંખ્યાબંધ ગામડાઓ ખાલી થઈ ગયા છે.કારણકે ખેડૂતો પ્રદર્શન કરવા માટે દિલ્હી બોર્ડર પર પહોંચી ચુક્યા છે.
મહિન્દ્રા કૌર ભારતીય કિસાન સંઘ એકતા ઉગ્રાહાંનો ઝંડો તેના હાથમાં
પંજાબની મહિન્દર કૌર હજી પણ ઘરે શાકભાજી ઉગાડે છે, તેમના કહેવા મુજબ, જ્યારે તે લોકો સાથે તેના ગામના પેટ્રોલ પમ્પ પર ગઈ હતી, ત્યારે કોઈએ ફોટો લીધો હતો. જે પાછળથી ચર્ચાનો વિષય બની હતી. વાયરલ તસવીરમાં મહિન્દ્રા કૌર ભારતીય કિસાન સંઘ એકતા ઉગ્રાહાંનો ઝંડો તેના હાથમાં છે. મહિન્દર સિવાય જગનીર કૌર પણ સતત હેડલાઇન્સમાં રહે છે, બરનાલાની દાદીએ માંગ કરી છે કે સરકારે ખેડૂતોની માંગ સ્વીકારીને કાયદો પાછો ખેંચવો જોઈએ.
બે મહિનાથી પંજાબના જુદા જુદા વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન
આપને જણાવી દઈએ કે છેલ્લા એક અઠવાડિયાથી ખેડૂતો દિલ્હીની સડકો પર ઉમટી પડ્યા છે. પરંતુ બે મહિનાથી પંજાબના જુદા જુદા વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. ખેડૂતોએ પંજાબમાં ટ્રેનોને લાંબા સમયથી રોકી રાખી હતી, મંડીમાં કામ બંધ રાખ્યું હતું. હવે દિલ્હી એનસીઆર વિસ્તારોમાં ખેડૂતોના દેખાવોને કારણે જામની સ્થિતિ જોવા મળી છે. અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.