વાવાઝોડું નિવારના એક સપ્તાહની અંદર ફરીથી વધુ એક વાવાઝોડું ત્રાટકવાની સંભાવના છે. દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર સર્જાયેલું દબાણ મજબૂત થઇને વાવાઝોડું ‘બુરેવી’ પરિવર્તિત થયું છે. શ્રીલંકાના દરિયાકાંઠે આ વાવાઝોડું ત્રાટકે તેવી શક્યતા છે.ભારતીય હવામાન વિભાગ(આઇએમડી)એ પણ બુરેવી વાવાઝોડા અંગે એલર્ટ જારી કરી છે. હવામાન વિભાગે કેરળના ચાર જિલ્લાઓ તિરૂવનંતપુરમ, કોલ્લમ, પઠાનમિથટ્ટા અને અલાપ્પુઝામાં 3 ડિસેમ્બર માટે રેડ એલર્ટ જારી કરી છે.
ચોથી ડિસેમ્બરે કન્યાકુમારી અને પમ્બનની વચ્ચ દક્ષિણ તમિલનાડુના દરિયાકાંઠાને પાર કરશે

આઇએમડીએ એક બુલેટિનમાં જણાવ્યું છે કે શ્રીલંકાના ત્રિકોમાલીમાં ત્રાટક્યા પછી વાવાઝોડું બુરેવી મન્નારની ખાડી તથા તમિલનાડુમાં કન્યાકુમારીની આસપાસ કોમરિન વિસ્તારની તરફ આગળ વધશે તેવી શક્યતા છે.
ત્યારબાદ તે ચોથી ડિસેમ્બર સવારે કન્યાકુમારી અને પમ્બનની વચ્ચ દક્ષિણ તમિલનાડુના દરિયાકાંઠાને પાર કરશે. હવામાન વિભાગે વધુમાં જણાવ્યું હતું કે બુધવાર બપોરે 2.30 વાગ્યે વાવાઝોડું બુરેવી શ્રીલંકાથી 110 કિમી ઉત્તર પૂર્વ, તમિલનાડુના પમ્બનથી 330 કિમી દક્ષિણ-પૂર્વ અને કન્યાકુમારીથી 520 કિમી ઉત્તર પૂર્વમાં હતું.
આ જિલ્લાઓમાં વરસાદની સંભાવના

આઇએમડીના જણાવ્યા અનુસાર 3 ડિસેમ્બરે બપોરે વાવાઝોડાની ગતિ 70-80 કિમી પ્રતિ કલાકની રહેશે અને તે પમ્બનની ખૂબ જ નજીક હશે. ત્યારબાદ તે બપોર સુધી પમ્બનમાં લગભગ પશ્ચિમ દિલ્હીની તરફ વધશે. તમિલનાડુના કન્યાકુમારી, તિરૂનેલવેલી,થુથુકુડી, તેનકાસી, રામનાથપુરમ અને સિવાગંગઇમા ભારે વરસાદ પડવાની શક્યતા છે.
આંધ્ર પ્રદેશના દક્ષિણ દરિયાકાંઠાવાળા વિસ્તારો અને લક્ષદ્રીપમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. તિરૂવનંતપુરમના 48 ગામોમાં એલર્ટ જારી કરવામાં આવી છે. જો કે બુરેવી નિવાર જેટલું શક્તિશાળી નથી. વાવાઝોડા બુરેવીને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન મોદીએ કેરળના મુખ્યપ્રધાન પિનરાઇ વિજયન સાથે વાત કરી હતી.