ચૂંટણીઓમાં એક પછી એક જીત મેળવ્યા પછી હવે ભાજપ કોઈની પરવા કર્યા વગર પોતાના એજન્ડા અમલમાં મૂકવા સક્રિય થયો છે. મધ્યપ્રદેશમાં ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ ૨૦૨૦ નામથી કાયદો લાવવાની તૈયારીઓ થઈ રહી છે. જો બધું સમુંસૂતરું પાર પડશે તો ડિસેમ્બર- જાન્યુઆરીમાં વિધાનસભાના સત્રમાં તેને પસાર કરીને રાષ્ટ્રપતિને મોકલી દેવામાં આવશે. ઊડીને આંખે વળગે તેવી વાત એ છે કે ત્યાં ઓલરેડી ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ નામથી કાયદો છેક ૧૯૬૮માં બનેલો છે, તેમાં ફેરફર કરી શકાતો હતો, પણ શિવરાજસિંહ સરકારે નવો કાયદો બનાવવાનું નક્કી કર્યું છે. નવા કાયદામાં ધર્મપરિવર્તન કરવા માટે પહેલાં કલેક્ટરની મંજૂરી લેવાને ફ્રજિયાત કરવામાં આવી રહી છે. હવે પરાણે કે અન્ય કોઈ રીતે ધર્મપરિવર્તન કરીને લગ્ન કરનારનાં માતાપિતા, ભાઈબહેન, સંબંધીઓ અને અન્ય મદદગારો પણ આરોપી બની જશે. બિનજામીનપાત્ર ગુનો હોવાને કારણે ૫ વર્ષની સજા પણ થઈ શકશે.

આ જ પ્રકારનો કાયદો હરિયાણા, ઉત્તરપ્રદેશ, કર્ણાટક અને આસામ સહિતનાં ભાજપશાસિત રાજ્યોમાં લાવવાની તૈયારીઓ ચાલી રહી છે. યુપીમાં તો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પેટાચૂંટણીના પ્રચાર દરમિયાન જાહેરાત કરી હતી કે તેઓ લવ જેહાદ વિરુદ્ધ કાયદો લાવશે. તેમણે ચેતવણી આપતાં કહ્યું હતું કે જે લોકો નામ છુપાવીને બહેન-દીકરીઓની આબરૂ સાથે ચેડાં કરે છે તેઓ જો નહીં સુધરે તો રામ-નામ સત્ય સાથે તેમની અંતિમયાત્રા કાઢવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું હતું કે આવા લોકોનાં પોસ્ટર પણ લગાવવામાં આવશે. એટલે કે યુપીમાં બીજી જાતિ કે ધર્મમાં જે વ્યક્તિ પ્રેમ કરશે તેને કાં તો મારી નાખવામાં આવશે અને જો બચી જશે તો તેનાં પોસ્ટર લગાવીને સરકાર તેની ઓળખ છતી કરશે અને સજા આપશે.

આૃર્યની વાત એ છે કે મધ્યપ્રદેશથી લઈને યુપી સુધી મહિલાઓ પર અત્યાચારની અનેક ગંભીર ઘટનાઓ સતત બની રહી છે. દરરોજ કોઈ ને કોઈ બળાત્કાર, છેડતી, મહિલા અધિકાર પર તરાપના બનાવો બને છે પણ સરકારને તે દેખાતું નથી. હાથરસનો મુદ્દો એ વાતની સાબિતી છે કે પોલીસ અને સરકાર કેવી રીતે ગરીબો અને પછાત વર્ગના લોકો પર પોતાની મનમાની ચલાવે છે. પણ આ નબળાઈને દૂર કરવાની પ્રતિબદ્ધતા યોગી સરકાર નથી બતાવતી પરંતુ લવ જેહાદ પર રામ-નામ સત્યની ધમકી આપે છે. આશ્ચર્યજનક વાત એ છે કે કાયદામાં લવ જેહાદ પ્રકારનો કોઈ શબ્દ જ નથી. ખુદ કેન્દ્ર સરકાર સ્પષ્ટ શબ્દોમાં કહી ચૂકી છે કે કાયદામાં લવ જેહાદનો કોઈ ઉલ્લેખ નથી, પરંતુ ટુકડે ટુકડે ગેંગની જેમ તેનો પણ ચોક્કસ એજન્ડા હેઠળ પ્રચાર કરી દેવામાં આવ્યો છે. આમેય ૨૦૦૯ પહેલાં લવ જેહાદ જેવો કોઈ શબ્દ ભારતના રાજકારણમાં ખાસ જાણીતો નહોતો. એ વખતે અમુક લોકો તરફ્થી દાવો કરવામાં આવ્યો કે કેરળ અને કર્ણાટકના અનેક વિસ્તારોમાં બિનમુસ્લિમ મહિલાઓને પ્રેમ અને લગ્નની લાલચ આપીને ધર્મપરિવર્તન કરાવવામાં આવી રહ્યું છે.

એ પછી અનેક નાનીમોટી ઘટનાઓમાં તેનો ઉપયોગ થયો. ત્રણ વર્ષ પહેલાં ૨૦૧૭માં કેરળના હાદિયા અશોકન કેસ દરમિયાન દેશભરમાં આ શબ્દનો ભરપૂર ઉપયોગ થયો હતો. ૨૬ વર્ષની હાદિયાએ મુસ્લિમ યુવક સાથે ૨૦૧૬માં નિકાહ કર્યા બાદ ઈસ્લામ અંગિકાર કરી લીધો હતો. તેનાથી નારાજ થઈને તેના પિતા એમ.અશોકન પોતાને પીડિત ગણાવીને કોર્ટમાં ગયા હતા. જેમાં પહેલાં કેરળ હાઈકોર્ટે હાદિયાના તેના પતિ સાથેના નિકાહની કાયદેસરતાને રદ કરી દીધી હતી. પણ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો અને તેણે કેરળ હાઈકોર્ટના ચુકાદાને રદ કરીને હાદિયાના નિકાહને ફ્રી માન્યતા આપી હતી. આ મામલો એટલો ચગ્યો હતો કે કોર્ટે એનઆઈએને તપાસના આદેશ આપવા પડયા હતા. એ વખતે આરોપો લાગ્યા હતા કે સમગ્ર મામલા પાછળ કોઈ મોટું આતંકી કાવતરું છે, પરંતુ કોર્ટમાં આ તમામ દાવાઓ પોકળ સાબિત થયા હતા. મુદ્દો માત્ર એટલો જ હતો કે બે પુખ્ત વ્યક્તિઓએ અલગ અલગ ધર્મના હોવા છતાં પ્રેમલગ્ન કર્યાં હતાં અને તેના માટે યુવતીએ પોતાનો ધર્મ બદલ્યો હતો. અહીં એ વાત પણ યાદ રાખવી જોઈએ કે લોકો લગ્ન સિવાય પણ અનેક કારણસર ધર્મપરિવર્તન કરે છે. બંધારણના ઘડવૈયા ડો.ભીમરાવ આંબેડકરે સ્વયં હિંદુ ધર્મ પોતાની મરજીથી છોડીને બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો હતો. હાલમાં જ હાથરસની ઘટના પછી ગાઝિયાબાદમાં હજારો દલિતોએ હિંદુ ધર્મનો ત્યાગ કરીને બૌદ્ધ ધર્મ સ્વીકારી લીધો હતો.

હાલ મધ્યપ્રદેશ, હરિયાણા અને યુપી સિવાય ગોવા, કર્ણાટક અને બિહાર જેવાં ભાજપશાસિત રાજ્યોમાં પણ લવ જેહાદ વિરુદ્ધ કાયદાઓ બનાવવાની ચર્ચાઓ શરૂ થઈ છે. રાહતની વાત એ છે કે રાજસ્થાન, કેરળ, છત્તીસગઢ, ઝારખંડ, પંજાબ, દિલ્હી, પશ્ચિમ બંગાળ જેવાં રાજ્યોમાંથી આ પ્રકારના કાયદા સામે નેતાઓએ અવાજ ઉઠાવ્યો છે અને તેને વ્યક્તિગત આઝાદી પર હુમલો ગણાવ્યો છે. આ ખરેખર ચિંતાનો વિષય છે કે હવે સરકારો પ્રેમ કરવા અને ન કરવા પર પોતાની મરજી થોપી રહી છે. વ્યક્તિ કોને પ્રેમ કરે છે, કોની સાથે લગ્ન કરે છે એ મુદ્દે રાજ્યની દખલગીરી બિનજરૂરી અને વ્યર્થ હોવી જ જોઈએ. આ પ્રકારના કાયદા નાગરિકના પ્રાઈવસી અને સ્વતંત્રતાના અધિકારોને છીનવી લેશે. હાલ તો સ્પષ્ટ લાગી રહ્યું છે કે તેની પાછળ કોઈ એક ધર્મને નિશાન પર લેવાના દાંત દેખાડવાના છે, ખાનગીમાં તો મહિલાઓની આઝાદીને નિયંત્રિત કરવાની દાનત રહેલી છે. આ બદદાનતથી દેશના ઉદાર માહોલને ફ્રી મધ્યયુગમાં ખેંચીને લઈ જવાનો એજન્ડા જણાય છે જ્યાં સમાજ રાજસત્તા, ધર્મસત્તા અને પિતૃસત્તાના સકંજામાં હતો અને સામાન્ય માણસ, ખાસ કરીને દલિતો અને મહિલાઓ તેમના દયાભાવ પર જીવતાં હતાં.

સદીઓથી સત્તાને હંમેશાં પ્રેમથી ડર લાગતો હોય છે અને નફ્રત તેમના માટે ટોનિકનું કામ કરતી હોય છે, કેમ કે સમાજ પ્રેમથી બંધાતો અને નફરતથી તૂટતો હોય છે અને તૂટેલા સમાજ પર રાજ કરવું સરળ હોય છે. સત્તાધારી પક્ષ હાલ આ નફરતના એજન્ડા પર જ ચાલી રહ્યો છે, કેમ કે આવું કરવાથી ન માત્ર સમાજમાં ભાગલા પડશે પરંતુ રોજગારીના પ્રશ્નો, બેરોજગારીનો સતત ઊંચે જતો ગ્રાફ, મહિલાઓ પરની હિંસા, ખેડૂતોની દુર્દશા, બેંકોના ખસ્તાહાલ, અર્થતંત્રની અધોગતિ જેવા અસલ મુદ્દાઓ પરથી લોકોનું ધ્યાન તરત ભટકી જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here