લડાખ સરહદે કાતિલ ઠંડીમાં પણ ભારત અને ચીન વચ્ચે તણાવ ઘટયો નથી. આવા સમયે ચીન ભારત પાસેથી 1લાખ ટન ચોખા ખરીદશે. એક ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ છેલ્લા 30 વર્ષ પછી ભારત પ્રથમ વાર ચીનને ચોખાની નિકાસ કરી રહયું છે. પ્રાપ્ત માહિતી મુજબ ભારત અને થાઇલેન્ડ વિશ્વમાં ચોખાના સૌથી મોટા ઉત્પાદક અને નિકાસકાર દેશો છે જયારે ચીન વિશ્વમાં સૌથી વધુ 40 લાખ ટન ચોખા ખરીદે છે.

ચીન અત્યાર સુધી મુખ્યત્વે થાઇલેન્ડ, વિયેટનામ, મ્યાનમાર અને પાકિસ્તાન પાસેથી ચોખાની ખરીદી કરતું હતું. ભારતના ચોખાની ગુણવત્તા સારી નહી હોવાનું બહાનું કાઢીને ભારત પાસેથી ચોખા ખરીદતું ન હતું. હવે બદલાયેલા સંજોગોમાં ચીનને થાઇલેન્ડ અને પાકિસ્તાનની સરખામણીમાં ભારતના ચોખા પ્રતિ ક્વિન્ટલ 30 ડોલર સસ્તા પડતા હોવાથી ચોખા ખરીદવા આકર્ષાયું છે. આજકાલ ચીનમાં ઘર આંગણે અનાજ સંકટ પેદા થયું હોવાથી ચોખા ખરીદવાની જરૂરીયાત ઉભી થઇ હોવાનું પણ માનવામાં આવે છે.

1 લાખ ટન ચોખાની નિકાસનો ચીન સાથે કરાર

ચોખા

રાઇસ એક્ષપોર્ટ એસોસિએશનનું માનવું છે કે આવનારા સમયમાં ચીન ભારત પાસેથી ચોખા ઉપરાંત અન્ય અનાજ પણ ખરીદી શકે છે. ભારતના વેપારીઓએ 1 લાખ ટન ચોખા ચીનમાં નિકાસ માટેનો કોન્ટ્રાકટ પણ થયો છે. આગામી ડિસેમ્બર અને ફેબુઆરીમાં ચોખાની નિકાસ માટે પ્રતિ ટન 300 ડોલર ભાવ નકકી થયો છે.

એક સમયે ચીન જ નહી યૂરોપના પણ ઘણા દેશોને ભારતના ચોખાની ગુણવત્તા સામે સવાલો ઉઠાવતા હતા પરંતુ ભારતે ગુણવત્તામાં સુધારો કરતા ચોખાના માર્કેટમાં વધુ નિકાસ કરવાની તક ઉભી થઇ છે. ભારતે વર્તમાન વર્ષમાં વિશ્વના વિવિધ દેશોમાં 1.19 કરોડ ટન ચોખાની નિકાસ કરી છે જે ગત વર્ષના 83.40 લાખ કરતા 43 ટકા વધારે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here