સૌરાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ સતત જોખમી બની રહયું છે. રાજકોટ ફરી એક વાર હોટ સ્પોટ બનીને ઉભરી રહયુ છે. કોરોનાને ખાળવા લાદવામાં આવેલા કરફર્યુની કોઈ અસર જોવા મળી નથી. તંત્ર ટુંકુ પડયુ છે જયારે લોકોમાં સાવચેતીનો અભાવ જોવા મળી રહયો હોય કોરોનાને મોકળે મેદાન મળી રહયુ છે. સૌરાષ્ટ્રમાં જામનગર બાદ હવે મોરબી, પોરબંદર અને જૂનાગઢમાં પણ કોરોનાએ માથું ઉંચકયુ છે. આજે રાજકોટ જિલ્લામાં ૧પ૩ સહિત સૌરાષ્ટ્રમાં ૩૦૯ કેસ નોંધાયા હતા જયારે ર૬૬ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. દરમિયાન ૧ર વધુ દર્દીઓએ દમ તોડયો હતો.

રાજકોટ શહેરમાં કોરોના ફરી પીક પોઇન્ટ પર

કોરોના

રાજકોટ શહેરમાં ફરી કોરોના પીક પોઈન્ટ પર પહોંચી ગયો છે. શહેરમાં ૧૦૮ અને ગ્રામ્યમાં ૪પ મળીને જિલ્લામાં કુલ ૧પ૩ કેસ નોંધાયા હતા જયારે છેલ્લા ર૪ કલાકમાં રાજકોટની હોસ્પિટલમાં વધુ દસ દર્દીઓનાં મોત નીપજયા હતા. ગઈકાલે પણ દસ દર્દીનાં મોત થયા તેમાંથી કોરોનાથી માત્ર એક નું જ મોત થયુ હોવાનું તંત્રએ જાહેર કર્યુ છે. રાજકોટ જિલ્લામાં હાલ ૩પ૬ એકટીવ કેસ છે જ્યારે રપ૮ દર્દીઓ ઘરે સારવાર લઈ રહયા છે. રાજકોટ શહેર અને જિલ્લામાં હજુ કોરોનાનો કહેર યથાવત છે.

જામનગરમાં કોરોનાએ રફતાર ફરી તેજ કરી છે. શહેરમાં ર૬ અને ગ્રામ્યમાં ૧ર સહિત કુલ ૩૮ પોઝીટીવ કેસ નોંધાયા હતા જયારે જી.જી. હોસ્પિટલમાં વધુ બે દર્દીઓએ દમ તોડયો હતો. હાલ ૧૩૮ દર્દીઓ સારવાર હેઠળ છે. સમગ્ર જિલ્લામાં સંક્રમિત દર્દીઓનો આંકડો નવ હજાર સુધી પહોંચી ગયો છે. દેવભૂમી દ્રારકા જિલ્લામાં છ નવા કેસ નોંધાયા હતા જયારે ૧૩ દર્દીને રજા આપવામાં આવી હતી. ખંભાળીયાનાં ૩ અને ભાણવડનાં બે અને કલ્યાણપુરમાં એક કેસ નોંધાયો હતો. હાલ જિલ્લામાં ૪૪ એકટીવ કેસ છે.

જૂનાગઢમાં કોરોનાએ પકડી રફતાર

કોરોના

જૂનાગઢમાં પણ કોરોના કાબુ બહાર છે. શહેરમાં ૧૧ સહિત જિલ્લામાં કુલ રર વધુ કેસ નોંધાયા હતા જયારે ૩૬ દર્દીને રજા આપવામાં આવી હતી. કેશોદ અને માણાવદરમાં ત્રણ – ત્રણ અને ભેંસાણમાં બે કેસ નોંધાયા હતા જયારે ૩૬ દર્દીને ડિસ્ચાર્જ કરાયા હતા. ગીર સોમનાથમાં વેરાવળમાં પાંચ, ઉનામાં ૩ ર્સહિત કુલ આઠ કેસ નોંધાયા હતા. જયારે ૧ર દર્દીને રજા અપાઈ હતી.

પોરબંદરમાં ફરી કોરોના બ્લાસ્ટ થયો છે. આજે બુધવારે એક જ દિવસમાં ૧ર વ્યકિતને કોરોનાનો ચેપ લાગ્યો છે. ચેમ્બર ઓફ કોમર્સનાં યુવા પ્રમુખ જીજ્ઞોશ કારીયા પણ સંક્રમિત થયા છે. પોરબંદર જિલ્લામાં કુલ ૮પપ કેસ સુધીનો આંકડો પહોંચ્યો છે. મોરબીમાં પણ કોરોનાનું આક્રમણ વધ્યુ છે. આજે એક જ દિવસમાં ર૭ નવા કેસ નોંધાયા છે. મોરબી તાલુકામાં ૧૬ અને ગ્રામ્યમાં ૪ અને વાંકાનેરમાં ૭ નવા કેસ આવ્યા છે. અમરેલીમાં આંશિક સુધારો જોવા મળ્યો છે. આજે કેસ ઘટીને ૧૭ થયા હતા જયારે દસ ડિસ્ચાર્જ થયા છે. સુરેન્દ્રનગરમાં સ્થિતિ કાબુમાં આવી રહી છે. આજે વધુ પાંચ કેસ, બોટાદમાં ૩ અને ભાવનગરમાં ૧૮ કેસ સાથે સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે ૩૦૯ લોકો કોરોનાગ્રસ્ત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here