ભારતીય ક્રિકેટ બોર્ડ અને આઇસીસી હવે વિમેન્સ ક્રિકેટને મહત્વ આપી રહ્યા છે. મેન્સની માફક વિમેન્સ માટે પણ નિયમિતપણે વન-ડે અને ટી20 વર્લ્ડ કપ તથા વિવિધ સિરીઝ યોજાઈ રહી છે. આથી જ મહિલા ક્રિકેટનો પણ વિકાસ થઈ રહ્યો છે પરંતુ એક સમય હતો જયારે વર્ષમાં નહીં પણ બે ત્રણ વર્ષમાં માંડ એકાદ વાર વિમેન્સ સિરીઝ યોજાતી હતી અને ત્યારે મિતાલી રાજે ભારતીય વિમેન્સ ક્રિકેટના વિકાસમાં ઘણુ યોગદાન આપ્યું હતું.

ભારતીય મહિલા ક્રિકેટને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિ અપાવવામાં મિતાલીનો સવિશેષ ફાળો

આજે મિતાલી રાજનો 38મો જન્મદિવસ છે. 1982ની ત્રીજી ડિસેમ્બરે મિતાલીનો જન્મ રાજસ્થાનના જોધપુર ખાતે થયો હતો. ભારતીય મહિલા ક્રિકેટને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિ અપાવવામાં મિતાલીનો ફાળો સવિશેષ રહ્યો છે પરંતુ મજાની વાત તો એ છે તે હંમેશાં કહેતી આવી છે કે હું મારા માતાપિતાને ખુશ કરવા માટે જ ક્રિકેટ રમતી આવી છું.

ટેસ્ટ મેચમાં બેવડી સદી ફટકારનાર મિતાલી એકમાત્ર ખેલાડી

સદી

2002માં ભારતીય ટીમે ઇંગ્લેન્ડનો પ્રવાસ ખેડ્યો ત્યારે ટોન્ટન ખાતે રમાયેલી ટેસ્ટ મેચમાં મિતાલી રાજે બેવડી સદી ફટકારી હતી. ત્યાર બાદ તો સ્મૃતિ મંધાના અને હરમનપ્રિત કૌર, જેમિમાહ રોડ્રિગ્સ જેવી શાનદાર ખેલાડીઓ ભારત માટે રમી રહી છે પરંતુ તેઓ બેવડી સદી ફટકારી શકી નથી. વિમેન્સ ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં માત્ર સાત જ ખેલાડી બેવડી સદી ફટકારી શકી છે અને ભારત માટે તો એકમાત્ર બેવડી સદી નોંધાઈ છે. હાલમાં વિમેન્સ ટેસ્ટ ક્રિકેટ લગભગ બંધ થઈ ગયું છે. આથી જ મિતાલી માત્ર દસ ટેસ્ટ રમી છે જેમાં તેણે 663 રન ફટકાર્યા હતા. મિતાલી ભારત માટે 209 વન-ડે અને 89 ટી20 રમી છે જેમાં તેણએ અનુક્રમે 6888 અને 2364 રન ફટકાર્યા છે. તે ભારતની મહિલા ટીમની કેપ્ટન પણ રહી ચૂકી છે. તેની આગેવાનીમાં જ 2017માં ભારત વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here