કોરોના વાઈરસના કેર વચ્ચે શાકભાજી, ગરમ મસાલા પછી હવે ગુજરાતીઓના રસોડામાં સીંગતેલની મોંકાણ શરૂ થઈ છે. ગુજરાતમાં મગફળીનું બમ્પર ઉત્પાદન છતાંયે એક વર્ષમાં ૧૫ લિટરના સીંગતેલના ડબ્બામાં રૂ.૬૦૦થી રૂ.૮૦૦નો ઉછાળો થયો છે. તેના માટે ચીન જવાબદાર છે. કારણ કે, નવરાત્રિ પછી બજારમાં નવી મગફળી આવ્યા બાદ અત્યાર સુધીમાં ચાઈનાએ ૧.૨૫ લાખ ટન સીંગતેલ ગુજરાતમાંથી ઉપાડયુ છે.

આ વર્ષે ચાઈનામાં ભાર વરસાદ, પુરને કારણે ત્યાં મગફળીનુ વાવેતર નિષ્ફળ રહ્યુ છે. જેની સામે ગુજરાતમાં બમ્પર ઉત્પાદન છે. વૈશ્વિક સ્તરે અમેરિકા અને આર્જેન્ટિકા કરતા ભારતની મગફળી સસ્તી છે. આથી, ચાઈનાના તેલ અને મગફળીના વેપારીઓએ ભારતમાંથી આયાત શરૂ કરી છે. સૌરાષ્ટ્ર ઓઈલ મિલર્સ એસોસિયેશન- સોમાના પૂર્વ પ્રમુખ સમીર શાહના કહેવા મુજબ ”ચીનમાં ૪૦ લાખ મગફળીનો પાક નિષ્ફળ રહેતા ઓક્ટોબરથી જ ગુજરાતમાં બુકિંગના ઓર્ડરો શરૂ થઈ ગયા હતા. ગતવર્ષે ચીને ૫૦ લાખ ટન સિંગતેલની આયાત કરી હતી, આ વર્ષે અત્યાર સુધીમાં ૧.૨૫ લાખ ટનના કામકાજ છે. તેમાંથી ૧ લાખ ટન જેટલુ તો અહીંથી નિકાસ પણ થઈ ચુક્યું છે” તેમણે ભારત કરતા ચીનમાં સિંગતેલનો વપરાશ વધુ હોવાનું પણ ઉમેર્યુ હતુ. ચીન માત્ર પોતાના માટે જ તેલ ખરીદી રહ્યુ છે તેવુ નથી, નજીકના વિયેતનામ, સિંગાપોર, ફિલિપિન્સ, માન્યમાર જેવા દેશોને પણ પોતાને ત્યાં મગફળીનું પિલાણ કરીને તેલ સપ્લાય કરે છે.

સૌરાષ્ટ્રમાં મગફળીની હરજી શરૂ થઈ ત્યારથી રાજકોટ સહિતના માર્કેટયાર્ડોમાં દક્ષિણ ભારતથી વેપારીઓ ખરીદી માટે આવી રહ્યા છે. બજારોમાં ઊંચા ભાવ મળતા ખેડૂતો સરકારી ખરીદ કેન્દ્રો પર ટેકાના ભાવે વેચવાને બદલે હરાજીમાં ભાગ લઈ રહ્યા છે. આમ, ઉંચા ભાવ અને ચાઈનાથી થતી ખરીદીને પગલે સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ.૨૪૦૦એ પહોંચ્યો છે. પાછળ બીજા તેલની કિંમતો પણ ભડકે બળી છે.

ગયા વર્ષની તુલનાએ ચાલુ વર્ષે ખાદ્યતેલના ભાવ પર એક નજર

તેલનો પ્રકાર   ડિસેમ્બર-૧૯   ડિસેમ્બર-૨૦

સિંગતેલ        રૂ.૧,૬૩૦       રૂ.૨,૩૪૦

કપાસિયા       રૂ.૧,૩૪૦       રૂ.૧,૭૫૦

પામોલિન       રૂ.૧,૨૪૦       રૂ.૧,૬૧૦

સનફ્લાવર     રૂ.૧,૩૫૦       રૂ.૧,૯૫૦

મકાઈ                  રૂ.૧,૨૭૦       રૂ.૧,૭૦૦

સરસયુ          રૂ.૧,૬૦૦       રૂ.૨,૦૯૦

(નોંધઃ ૧૫ લિટરના ડબ્બાની કિંમત છે)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here