કોરોનાથી બચવાની શિખામણો આપનારા ગાયિકા કિંજલ દવે પછી હવે ગીતા રબારી પણ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સને જાળવ્યા વગર ટોળેટોળા ભેગા કરી કોરોના વાઈરસને સામેથી આમંત્રણ આપવાનું શરૂ કર્યુ છે. ગુજરાત સરકારે આવા કલાકારોને કોરોના જંગમાં બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદ કર્યા હતા. દેખીતી રીતે જ તેમની પાછળ પ્રજાના ટેક્સમાંથી ખર્ચેલા બે કરોડથી વધુની રકમ પાણીમાં ગયા છે.
શરૂઆતમાં માહિતી- પ્રસારણ વિભાગે ગીતા રબારીને લોકડાઉનના અમલ અને પાછળથી આરોગ્ય વિભાગ દ્વારા મે મહિનામાં કોરોના વોરિયર્સ અને જુલાઈમાં ”ટોળાને ટાળો, માસ્ક પહેરો, અંતર જાળવો”ની અપીલ કરાવવા ત્રણ એડફિલ્મો બનાવી હતી. ફિલ્મના નિર્માણ અને પ્રચાર- પ્રસાર પાછળ સરકારે રૂપિયા બે કરોડથી વધારે ખર્ચો કર્યો છે. જામખંભાળિયા હોય કે કચ્છ ગીતા રબારીએ છેલ્લા ત્રણ- ચાર દિવસમાં સરકારી એડની શિખામણોને ચપ્પલ હેઠળ દાબી કોરોનાના ફેલાવાને ઉત્તેજન આપ્યુ છે, લોકોના જીવ જોખમમાં મુક્યા છે. ખંભાળિયા ઉપરાંત ભૂજનાં વડઝર ગામનાં સરપંચના ઘરે લગ્ન પ્રસંગમાં નિયમોના ભંગ થયા ત્યારે ત્યાં પણ ગીતા રબારી હાજર હતા. સરકારે પ્રજાના ટેક્સમાંથી કરેલો ખર્ચો તેમની પાસેથી વસૂલવો જોઈએ એવી પણ માંગણી ઉઠી છે.
સરકાર ખર્ચ વસૂલે, આવા કલાકારો પર પ્રતિબંધ મૂકે
હાસ્ય કલાકાર ભારતી સિંઘની ડ્રગ્સના ગુનામાં ધરપકડ થયા પછી સોની ટીવી નેટવર્કે તેની તમામ ચેનલોમાં સિરિયલ, એડફિલ્મો સહિતના કાર્યક્રમોમાં તેના પર પ્રતિબંધ મુકી દિધો છે. કોરોના સામેના જંગમાં જનજાગૃતિ માટે ગીતા રબારી કે કિંજલ દવે એ ભલે ચાર્જ લીધો ન હોય પરંતુ, સરકારે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કરોડોનો ખર્ચો કરીને તેમને ચમકાવ્યા છે. તેથી તેમની વેલ્યુ ઉભી થઈ છે. એ નિસબતે પણ સરકારે ખર્ચ વસૂલવો જોઈએ, પ્રતિબંધ મુકવો જોઈએ.
ભાજપના નેતા, કલાકારો કોવિડ-૧૯ના સુપરસ્પ્રેડર
ડિસામાં કિંજલ દવે ભાજપના MLA શશીકાંત પંડયાની સાથે ઘોડે ચઢીને સરઘસ કાઢયુ હતુ, ખંભાળિયામા પણ સાંસદ પૂનમ માડમની હાજરીમાં જ ગીતા રબારીએ સરકારી નિયમોના ધજાગરા ઉડાડયા હતા. ભાજપમાં ભળેલા કલાકારો જાણે કોવિડ-૧૯ના સુપરસ્પ્રેડર હોય તેમ નિયમોના પાલનને બદલે તેનું ઉલ્લંઘન કરાવી રહ્યાના દર્શ્યો બહાર આવ્યા છે.