કોરોનાના કબ્રસ્તાન સમી બનેલી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ટપોટપ મોતનો સિલસિલો યથાવત્ છે. સરકારે ગુજરાતમાં એક દિવસમાં ૧૪ કોરોનાગ્રસ્ત દર્દીનાં મોત થયાંનું જાહેર કર્યું છે, જોકે બીજી બાજુ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાંથી ગુરુવારે એક જ દિવસમાં ૧૪ મૃતદેહો અંતિમ ક્રિયા માટે સ્મશાને મોકલ્યા હોવાની બાબત સામે આવી છે. છેલ્લાં છ દિવસમાં એટલે કે શનિવારથી ગુરુવાર સુધીમાં એકલા સિવિલની ૧૨૦૦ બેડ હોસ્પિટલમાંથી ૭૯ જેટલી ડેડબોડી સ્મશાન ગૃહે મોકલવામાં આવી છે. અલબત્ત, કહેવાતી સંવેદનશીલ સરકાર કાગળ પર ફુલગુલાબી ચિત્ર દેખાડવાની લ્હાયમાં બેશર્મી-નફ્ફટાઈ પર ઊતરી આવી છે અને મોતના આંકડા છુપાવી રહી હોવાનું ચિત્ર ઉપસ્યું છે.દિવાળી બાદ કોરોનાની બીજી લહેરમાં મોતનું પ્રમાણ અચાનક વધ્યું છે.

એમાંય સિવિલ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં કોરોના દર્દીઓનાં મોત થઈ રહ્યા છે, સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારીના કિસ્સા પણ સામે આવી રહ્યા છે, અસારવામાં રહેતાં વૃદ્ધાને કોરોના નહોતો તેમ છતાં ૯-૯ દિવસ સુધી તેમને કોવિડ પોઝિટિવ દર્દીઓ સાથે રખાયા હતા, આમ સિવિલની બેદરકારીથી મોત થયાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો, સિવિલની કેન્સર હોસ્પિટલમાં એક દર્દી જીવતાં હોવા છતાં હોસ્પિટલે પરિવારને ફોન કરી દર્દીનું મોત થયાનું બતાવી દીધું હતું. બેદરકારીના કિસ્સાઓ વચ્ચે સિવિલ તંત્ર સુધરે અને મોતનો સિલસિલો અટકે તે માટે સરકારે પગલાં ભરવા જોઈએ તેવું જાણકારો કહે છે. સિવિલ ૧૨૦૦ બેડમાંથી શનિવારથી લઈને ગુરુવાર સુધીના અરસામાં ૭૯ ડેડબોડી સ્મશાન ગૃહે પહોંચી છે. રોજ સવાર પડેને દર્દીઓના સગાં મૃતદેહ લેવા માટે કતારમાં ઊભા થઈ જાય છે, શબવાહિની વાનની સંખ્યા વધારતાં વિલંબમાં થોડો ઘટાડો થયો છે. ડેડબોડી વિભાગ નજીક લોકોની ભીડ ઉપરાંત સગાં-સંબંધીઓના હૈયાફાટ રૂદનના દ્રશ્યો છઠ્ઠા દિવસે પણ જોવા મળ્યા છે.

સરકારે ગુજરાતમાં ૬ દિ’માં ૯૩ મોત બતાવ્યા પણ એકલા સિવિલમાં જ ૭૯ મોત

સરકારી ચોપડે આખા ગુજરાતમાં શનિવારથી લઈને ગુરુવાર સુધીમાં ૯૩ દર્દીઓનાં મોત થયાનું સરકારે જાહેર કર્યું છે. જોકે આ અરસામાં એકલા સિવિલ કેમ્પસની ૧૨૦૦ બેડ હોસ્પિટલમાંથી જ ૭૯ ડેડબોડી સ્મશાન ગૃહે પહોંચી છે.

સરકાર કઈ રીતે આંકડા છુપાવી રહી છે?

અન્ય કોઈ બીમારી ન હોય અને ફક્ત કોરોનાથી મોત થયુ હોય તેવા જ આંકડા સરકાર જાહેર કરે છે, અન્ય કોઈ બીમારી હોય પરંતુ કોરોનાથી દર્દીનું મોત થયું હોય તો તેને કોરોના મૃતક તરીકે જાહેર કરાતાં નથી, આ રીતે ઓછા લોકોનાં મોત જાહેર કરીને સરકાર સંતોષ માની રહી છે.

દર્દીના મૃતદેહ પાસેથી મોબાઈલ ફોન સહિતનો સામાન ચોરાયો

ઘાટલોડિયા વિસ્તારમાં રહેતાં ૬૮ વર્ષીય દર્દી જયંતીલાલ સુથારનું સિવિલની ૧૨૦૦ બેડ હોસ્પિટલ ખાતેના કોરોના શંકાસ્પદ વોર્ડમાં ૨૭મી નવેમ્બરે મોત થયું હતું. મૃતક દર્દીના ભાઈ ચંદ્રકાત સુથારે આક્ષેપ કર્યો છે કે, સિવિલમાં મોત બાદ કોઈએ ડેડબોડી પાસેથી તેમના ભાઈનો મોબાઈલ ફોન, આધાર કાર્ડ તેમજ અન્ય રિપોર્ટ થેલીમાં મૂકેલા હતા તે કોઈએ ચોરી લીધા છે, આધાર કાર્ડ-મોબાઈલ પરત મળે તે માટે ખૂબ રઝળપાટ કર્યો પરંતુ તેમને સરખો જવાબ પણ મળતો નથી. એટલું જ નહિ પરંતુ સિવિલ હોસ્પિટલમાં દર્દીના મોતની જાણ પણ સવા ત્રણ કલાક મોડી કરવામાં આવી હતી.

સિવિલની કોવિડ હોસ્પિટલમાં અગાઉ પણ ડેડબોડી પરથી દાગીના ગાયબ થવાના કિસ્સા બન્યા હતા, તો તેનાથી વિપરિત થોડાક દિવસ પહેલાં સિક્યોરિટી જવાનોએ એક દર્દીના ૪.૨૦ લાખ રોકડ પરત કરી ઈમાનદારીનું ઉદાહરણ પૂરું પાડયું હતું. જોકે હવે સિવિલની કોવિડ હોસ્પિટલ માટે શરમજનક ઘટના સામે આવી છે. દર્દીના મોત બાદ મોબાઈલ ફોન સહિતનો સામાન ચોરી લેવામાં આવ્યો છે. દર્દીનાં સગાએ કહ્યું કે, દર્દીને ૨૫મી નવેમ્બરે સિવિલમાં દાખલ કરાયા હતા, શ્વાસ લેવામાં તકલીફ હતી, ન્યુમોનિયા હોવાનું કહેવાયું હતું. રેપિડ એન્ટિજન ટેસ્ટ કરાવ્યો હતો, જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. મોત બાદ તેમની ખાનગી કારમાં મૃતદેહ લઈ ગયા હતા. કોરોના ન હોવાથી સિવિલ હોસ્પિટલે અમને મૃતદેહ સુપરત કર્યો હતો. પરિવારજનોએ મતૃદેહને કોલ્ડ સ્ટોરેજમાં રખાવ્યો હતો, એક દિવસ બાદ એટલે કે ૨૮મીએ દૂધેશ્વર ખાતેના સ્મશાન ગૃહે અંતિમ ક્રિયા કરવામાં આવી હતી. આ પરિવારે સવારે અંતિમ ક્રિયા કરી હતી, એ પછી સ્મશાન ગૃહમાં અંતિમવિધિ માટે વેઈટિંગ શરૂ થયું હતું.

ડેડબોડી લઈ જઈએ ત્યારે પણ સ્ટાફ પૈસાની અપેક્ષા રાખે છે’

દર્દીના સગાએ કહ્યું કે, ડેડબોડી લઈ જતી વખતે સ્ટાફ દ્વારા પૈસાની અપેક્ષા રાખવામાં આવે છે, જબરદસ્તી તો નથી માગતા પરંતુ હળવેકથી ટકોર જરૂર કરે છે, અન્ય દર્દીઓના સગાની પણ આ પ્રકારની ફરિયાદ ઊઠી છે. ગરીબ-મધ્યમવર્ગના દર્દીઓ પાસેથી નાણાં ખંખેરવામાં આવે છે. જોકે તંત્ર દ્વારા કોઈ જાતના પગલાં ભરવામાં આવતાં નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here