દાહોદમાં એક વેપારી તેમજ અન્ય એક યુવકના મર્ડર કેસમાં આજીવન કારાવાસની સજા દરમિયાન પેરોલ જમ્પ કરી મધ્યપ્રદેશના રતલામમાં ત્રિપલ મર્ડર સહિત ચાર લોકોની હત્યાનો માસ્ટરમાઈન્ડ દિલીપ દેવળ આજરોજ રતલામ જિલ્લાના ખાચરોદ ખાતે પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયો છે.ત્યારે આ ઍનકાઉન્ટર’માં 5 જેટલાં પોલીસકર્મીઓ પણ ઘાયલ હોવાનું જાણવા મળેલ છે.
વધુ મળતી માહિતી પ્રમાણે દાહોદ તાલુકાના ખરેડી ગામનો રહેવાસી અને દાહોદ જિલ્લામાં બે હત્યાના ગુનામાં થયેલ સજા દરમિયાન બે વર્ષ પૂર્વે પેરોલ જમ્પ કરી ફરાર થઈ ગયો હતો. છેલ્લા 2 વર્ષથી દાહોદ સહિત અન્ય તપાસ એજન્સીઓ આ કુખ્યાત ગુનેગારને શોધી રહી હતી. પેરોલ જમ્પ કરી ભાગેલો દિલીપ દેવળ મધ્યપ્રદેશના રતલામમાં પોતાના એક પરિચિત વ્યક્તિ નો લાભ લઇ છેલ્લા બે વર્ષથી રતલામમાં વસવાટ કરી રહ્યો હતો. આ બે વર્ષ દરમિયાન દિલીપ દેવળે ટૂંક સમય પહેલા પોતાના સાગરીતોની મદદથી એક મહિલાની લૂંટના ઇરાદે હત્યા કરી હતી.
ત્યારબાદ આ ખૂંખાર હત્યારાએ પોતાના સાગરીતોની મદદથી ગત 25 નવેમ્બર દેવ દિવાળીના રોજ એક જ પરિવારના ત્રણ લોકોની હત્યા કરી હતી. કેટલાક જિલ્લામાં છેલ્લા ત્રિપલ મર્ડર કેસને રતલામ પોલીસે ગંભીરતાથી સીસીટીવી ફૂટેજ સહિત ટેકનિકલ સોંર્સના મદદથી હત્યામાં સામેલ ત્રણ લોકોને ઝડપી પાડ્યા હતા. જ્યારે માસ્ટરમાઈન્ડ દિલીપ સહિત બે હત્યારાઓ પોલીસ પકડથી દૂર હતા. આ બંને હત્યારાને શોધી કાઢવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી ગુજરાત મધ્યપ્રદેશના આસપાસના જિલ્લાઓમાં તપાસનો દોર લંબાવ્યો હતો. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે રતલામ જિલ્લાના ખાચરોદના હોમગાર્ડ કોલોનીમાં સંતાયેલો છે. ત્યારબાદ પોલિસે હોમગાર્ડ કોલોનીમાં ચારે તરફથી ઘેરાબંધી કરી દિલીપ દેવળને પકડવાના પ્રયાસો કર્યા હતા.
પરંતુ કુખ્યાત હત્યારા દિલીપ દેવળે પોલીસ પર ફાયરિંગ કરતા પાંચ પોલીસ કર્મીઓ ઘાયલ થયાં હતા. જ્યારે પોલીસની જવાબી કાર્યવાહીમાં દિલીપ દેવળ ઠાર મરાયો હતો. આમ દાહોદ તેમજ મધ્ય પ્રદેશમાં ત્રિપલ મર્ડર સહિત છ હત્યાને અંજામ આપનારો કુખ્યાત માસ્ટર માઇન્ડ દિલીપ દેવળ પોલીસની ગોળીનો શિકાર થઈ મોતને ભેટ્યો હતો.