ખેડૂત આંદોલન મુદ્દે કેનેડિયન પીએમ (Canadian PM)ની ટિપ્પણી સામે ભારત (India) એ ઉગ્ર પ્રતિક્રિયા આપી છે અને કેનેડિયન રાજદૂતને બોલાવી દેશની આંતરિક બાબતમાં દખલ ન કરવા કેનેડાને ચેતવ્યું હતું. વિદેશ મંત્રાલયે રાજદૂત નાદિર પટેલ (Nadir Patel)ને સંભળાવી દીધું હતું કે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો (Canada Prime Minister Justin Trudeau) અને કેનેડિયન કાયદાશાસ્ત્રીઓ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીના કારણે બન્ને દેશ વચ્ચેના સંબંધોને ગંભીર નુકસાન થઇ શકે છે. કેનેડિયન લીડરશિપ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી સામે ભારતનું પગલું સંકેત આપે છે કે ભારત તેને દેશની આંતરિક બાબતમાં દખલ તરીકે ગણે છે. ભારત તરફથી નારાજગી હોવા છતાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ફરી એક વખત બળતામાં ઘી હોમ્યું અને પોતાના જૂના વલણને વળગી રહ્યા.

ખેડૂત આંદોલન પર કેનેડાના પીએમ પોતાના જૂન રૂખ પર જ કાયમ

કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો એ શુક્રવારના રોજ ભારતમાં કૃષિ કાયદાની વિરૂદ્ધ ચાલી રહેલા ખેડૂતોના વિરોધ પર પોતાનું વલણ ફરીથી દોહરાવ્યું. એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે કેનેડા દુનિયાભરમાં કયાંય પણ શાંતિપૂર્ણ વિરોધના અધિકાર માટે અને માનવાધિકારો માટે હંમેશા ઉભું રહેશે. આની પહેલાં ભારતે ખેડૂત આંદોલન પર કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો અને ત્યાંના બીજા નેતાઓની ટિપ્પણી પર નારાજગી વ્યકત કરી હતી. વિદેશ મંત્રાલયે કેનેડાના હાઇકમિશનને સમન્સ પાઠવી બોલાવ્યા હતા.

નોંધનીય છે કે કેનેડિયન પીએમએ મંગળવારે રાજકીય વિવાદ ઊભો કર્યો હતો. ગુરુનાનકની 551મી જન્મજયંતી પ્રસંગે યોજાયેલા એક ફેસબુક વીડિયો ઇન્ટરેક્શનમાં તેમણે જણાવ્યું હતું કે તેમની સરકારે ખેડૂતોના આંદોલનના મુદ્દે ભારત સરકાર સમક્ષ ચિંતા વ્યક્ત કરી છે. તેમના આ નિવેદનના થોડા જ કલાકોમાં ભારતીય વિદેશ મંત્રાલયે ત્વરિત પ્રતિક્રિયા આપી હતી અને ટ્રુડોના નિવેદનને અનુચિત ગણાવી ફગાવી દીધું હતું.

શું ટ્રુડોના નવા નિવેદનથી બંને દેશોના સંબંધો બગડશે?

વિદેશ મંત્રાલયે કહ્યું કે અમે અપેક્ષા રાખીએ છીએ કે કેનેડિયન સરકાર ભારતીય રાજદ્વારીઓની સંપૂર્ણ સુરક્ષાની ખાતરી આપશે. મંગળવારે વિદેશ વિભાગે કેનેડિયન નેતાઓના નિવેદનો પર કડક ટિપ્પણી કરી હતી. મંત્રાલયે કહ્યું હતું કે અમે ભારતના ખેડૂતોને લગતા કેનેડિયન નેતાઓ દ્વારા કરવામાં આવેલી કેટલીક ટિપ્પણીઓ જોઇ છે જે ભ્રામક માહિતી પર આધારિત છે. આવી ટિપ્પણી અયોગ્ય છે, ખાસ કરીને જ્યારે તે લોકશાહી દેશની આંતરિક બાબતોથી સંબંધિત હોય. રાજકીય ઉદ્દેશ્ય માટે રાજદ્વારી વાટાઘાટોને ખોટી રીતે રજૂ કરવામાં ન આવે તો સારું. જોકે, ટ્રુડોના તાજેતરના નિવેદનથી બંને દેશોના સંબંધોને વધુ અસર થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here