કોરોનાના વધતાં ચેપ વચ્ચે મધ્ય પ્રદેશ સરકારે શાળાઓ અંગે મહત્વનો નિર્ણય કર્યો છે. મધ્ય પ્રદેશમાં નર્સરીથી આઠમાં ધોરણા સુધીના વર્ગો 31 માર્ચ, 2021 સુધી બંધ રહેશે.મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે રાજ્યમાં આવતા પોઝિટિવ કેસોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીએ શુક્રવારે શિક્ષણ વિભાગની બેઠક બોલાવી હતી. જેમાં રાજ્યના શિક્ષણ મંત્રી ઈન્દરસિંહ પરમાર સહિતના વિભાગના અધિકારીઓ હાજર રહ્યાં હતાં. દરમિયાન સરકારે 31 માર્ચ સુધી નર્સરીથી 8 મી સુધીના વર્ગો શરૂ ન કરવાનો નિર્ણય કર્યો હતો.
ત્યારે ગુજરાતની સરકાર રાજ્યમાં શાળાઓ ક્યારે ખોલશે, ક્યાં સુધી બંધ રહેશે, તે માટેનો કોઈ નિર્ણય કરવા તૈયાર નથી. ત્યારે આ બાબતને લઈને વાલીઓ અને વિદ્યાર્થીઓમાં પણ અસંમજસની સ્થિતી બનેલી છે. વાલીઓ પણ અકળાઈ રહ્યા છે, કેમ કે રાજ્ય સરકાર કોઈ એક નિશ્ચિત નિર્ણય પર આવતી નથી. આ બાબતની ગંભીરતા જાણી રાજ્ય સરકારે તાત્કાલિક આ બાબતે સ્પષ્ટતા કરી રાજ્યના વાલીઓ અને વિદ્યાર્થીઓની ચિંતા દૂર કરવી જોઈએ.

મધ્ય પ્રદેશમાં તો આ ઉપરાંત વહેલી તકે ધોરણ 10 અને 12ના વર્ગ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારના મતે, તેમની બોર્ડની પરીક્ષાઓ પણ લેવામાં આવશે. 9 અને 11માં ધોરણના વર્ગના વિદ્યાર્થીઓ જો જરૂરી હોય તો અઠવાડિયામાં એક કે બે વાર શાળાએ જઇ શકે છે.
સાથે જ નર્સરીથી આઠમાં ધોરણ સુધીની સ્કૂલો નવા શૈક્ષણિક સત્ર એટલે એપ્રિલ 2021થી શરૂ થશે. જ્યારે ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓનું પ્રોજેક્ટ વર્કના આધારે મુલ્યાંકન કરવામાં આવશે. ઉપરાંત ધોરણ 5થી 8ની બોર્ડની પરીક્ષાઓ નહીં થાય.
ત્યારે જો અન્ય રાજ્યો શાળાઓ ખોલવા અંગે આ પ્રકારનો નિર્ણય લઈ શકતી હોય તો, ગુજરાત સરકાર કેમ કાચુ કાપી રહી છે. વાલીઓ પણ એ પ્રકારની માગ કરી રહ્યા છે કે, સરકાર આ અંગે જાહેરાત કરી વાલીઓને ચિંતા મુક્ત કરે.