ભારતમાં જાન્યુઆરી મહિનામાં કોરોનાની વેક્સિન આવે તેવી શકયતા હોવાથી સુરત મહાનગર પાલિકાએ રાજય સરકારની સૂચનાથી શહેરમાં કાર્યરત આરોગ્ય કર્મીઓને ડેટાબેઝ તૈયાર કરી લીધો છે. સરકારી અને ખાનગી હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્રો તથા દવાખાનામાં કામ કરતા 28500 આરોગ્ય કર્મીઓને સૌથી પહેલી વેકિસન મળશે. શહેરના 60 લાખ લોકોને વેક્સિન પૂરી પાડવા પાલિકાએ અત્યારથી તૈયારી હાથ ધરી છે.

કેન્દ્ર સરકારની ગાઇડલાઇન મુજબ પહેલી વેક્સિન આરોગ્ય કર્મીઓને આપવામાં આવશે, સુરત શહેરમાં 1000 જેટલી નાની મોટી હોસ્પિટલ અને દવાખાનામાં કાર્યરત આરોગ્ય કર્મચારીઓને સર્વે કરી ડેટાબેઝ તૈયાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સ્મીમેર અને નવી સિવિલ હોસ્પિટલ તથા 51 અર્બન હેલ્થ સેન્ટર મળી કુલ 62 સરકારી હોસ્પિટલ-આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા હેલ્થ વર્કરનો ડેટાબેઝ તૈયાર કરી દેવાયો છે.

સરકારી અને ખાનગી મળી શહેરમાં 28500 હેલ્થ વર્કર કાર્યરત છે, જેમાં તબીબી સ્ટાફ, નર્સિંગ સ્ટાફ, કોવિડની કામગીરી સાથે સંકળાયેલા સર્વેલન્સ વર્કર, સેનીટેશન વર્કર સહિત તમામનો સમાવેશ થાય છે.

પહેલા તબકકામાં આરોગ્ય કર્મીઓને વેક્સિન આપ્યા બાદ પચાસ વર્ષથી વધુ વયની કો મોરબીડ લક્ષણ ધરાવતી વ્યક્તિઓને વેકિસન આપવામાં આવશે. પચાસ વર્ષથી વધુની કો મોરબીડ લક્ષણ ધરાવતી વ્યક્તિઓનો ડેટાબેઝ તૈયાર કરવા માટે સર્વેલન્સ ટીમને કામગીરી સોપવામાં આવી છે. ટુંક સમયમાં આ ડેટાબેઝ તૈયાર થઈ જશે. વેક્સિન આવી જાય ત્યાં સુધીમાં સૌથી પહેલાં કઈ-કઈ વ્યક્તિઓને આપવી તેના નામ, ઉંમર સહિતનો ડેટાબેઝ પાલિકા પાસે ઉપલબ્ધ રહેશે. આગામી દિવસોમાં સ્ટાફ ટ્રેનિંગ સહિતની કામગીરી શરૂ કરવામાં આવશે.

ગુજરાત સરકારે પ્રથમ તબક્કામાં આરોગ્યક્ષેત્રના 3.96 લાખ કર્મચારીઓ તબીબો અને બીજા તબક્કામાં સફાઈ કર્મચારીઓ, પોલીસ કર્મીઓ સહિત ફન્ટલાઇન કોરોના વરિયર્સને વેક્સિનેશન, યાને કોરોના રસી આપવા માટે રાજ્યના તમામ 33 જિલ્લામાં, 248 તાલુકાઓમાં તેમજ 8 મહાનગર પાલિકાઓમાં ટાસ્કફોર્સની રચના કરી છે. જેના અનુસદનમાં સુરત મહાનગર પાલિકાએ પણ ડેટા તૈયાર કરવાના કામગીરી શરૂ કરી દીધા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here