પડોશીઓ સાથેના સંબંધો કેમ સારા રાખવા જોઈએ તેનું ઉદાહરણ જર્મનીની એક મહિલાએ પુરૂં પાડયું છે. મધ્ય જર્મનીના હૅસ્સે વિસ્તારમા વાલ્ડસોલેમ જિલ્લામાં આવેલા વૈપરફેલ્ડેન વિસ્તારમાં રહેલી રૅનેટ વેડેલ નામની મહિલાએ તેની આશરે 75 લાખ ડોલરની સંપત્તિ (આશરે રૂપિયા 55 કરોડ) તેના પડોશીઓના નામે કરી દીધી છે.

નોંધપાત્ર છે કે, રૅનેટનું 2019માં મૃત્યુ થઈ ગયું હતુ. રૅનેટ તેના પતિ આલ્ફ્રેડની સાથે વૈપરફેલ્ડેન વિસ્તારમાં ઈ.સ. 1975થી રહેતી હતી અને તે છ ગામનો એક સમૂહ છે. આલ્ફ્રેડ શેરબજારમાં સક્રીય હતા અને તેમાંથી તેમણે ઘણી કમાણી કરી હતી. તેઓનું 2014માં મોત થયું હતુ. જેના બે વર્ષ બાદ રૅનેટની દેખભાળ ફ્રેન્કફર્ટના નર્સિંગહોમમાં રાખવામાં આવતી હતી.
તેઓનું ગત વર્ષે જ 81 વર્ષની ઉંમરે મૃત્યુ થઈ ગયું હતુ. જે પછી તેમની તમામ સંપત્તિ તેમની બહેનને મળે તેમ હતી, જેનું અવસાન પણ પહેલા જ થઈ ગયું હતુ. આ પછી ચાલુ વર્ષે એપ્રિલ મહિનામાં આ મામલો જાહેરમાં આવ્યો હતો અને તેમની વસિયતની જાહેરાત કરવામા આવી હતી. તેમણે તેમની તમામ બેન્ક બેલેન્સ, શેયર્સ અને કિંમતી સંપત્તિને આસપાસના લોકોમાં વહેંચવાનો ઉલ્લેખ કર્યો હતો. જેમાંથી હવે જાહેર કાર્યો થશે.