કોલેજો-યુનિ.ઓમાં બીજુ શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયુ છે પરંતુ હજુ સુધી ફી ઘટાડા મુદ્દે કોઈ નિર્ણય આવ્યો નથી. ફી ઘટાડાની અનિશ્ચિતતા વચ્ચે હાલ તો વિદ્યાર્થીઓ પુરી ફી ભરવા મજબૂર બન્યા છે. ફી ઘટાડાની માંગ સાથેની પીટિશનમાં સુનાવણી દરમિયાન હાઈકોર્ટના આદેશ બાદ સરકારે ટેકનિકલ કોલેજો -યુનિ.ઓ માટે ટેકનિકલ ફી રેગ્યુલેશન કમિટીને સંચાલકોના પ્રતિભાવો-સૂચનો જાણી રીપોર્ટ આપવાની જવાબદારી સોંપી હતી .

ફી ઘટાડા અંગે હજુ પણ કોઇ નિર્ણય નહી
જ્યારે નોન ટેકનિકલ અને વોકેશનલ કોલેજો-યુનિ.ઓમાં ફી કમિટી ન હોવાથી હંગામી ફી કમિટી રચી સૂચનો સાથેનો રિપોર્ટ આપવાની જવાબદારી સોંપી હતી. બંને કમિટીઓ દ્વારા સૂચનો લેવાની પ્રક્રિયા કરાઈ છે. સરકાર દ્વારા ફી ઘટાડા મુદ્દે પ્રક્રિયા તો શરૂ કરાઈ છે પરંતુ દિવાળી વેકેશન પુરૂ થવા સાથે બીજુ સુત્ર પણ ક્યારનું શરૂ થઈ ગયુ છે પણ હજુ સુધી ફી ઘટાડા મુદ્દે કોઈ નિર્ણય આવ્યો નથી.
સ્કૂલોમાં 25 ટકા ફી ઘટી ગઈ છે અને વાલીઓ 75 ટકા ફી ભરવા બાબતે હવે નિશ્ચિત બની ગયા છે ત્યારે કોલેજોમાં 25 ટકા ફી ઘટશે કે કેમ અને ઘટશે કે પણ નહી તેને લઈને હજુ અનિશ્ચિતતા છે. ઘણી કોલેજો-યુનિ.ઓએ પ્રથમ સત્રની પુરી ફી લીધા બાદ હાલ બીજા સત્રની પણ પુરી ફી માંગવાનું શરૂ કરી દીધુ છે.
વિદ્યાર્થીઓ હાલ પુરી ફી ભરવા મજબૂર બન્યા છે ત્યારે કેટલીક કોલેજોએ ફી ઘટાડી પણ છે. સેન્ટ ઝેવિયર્સ કોલેજે 15 ટકા ફી ઘટાડી છે પરંતુ સરકારે ફી ઘટાડાની ટકાવારી નિશ્ચિત ન કરતા ચાલુ શૈક્ષણિક વર્ષના અંત સુધી ફી ઘટશે કે કેમ તેને લઈને વિદ્યાર્થીઓ-વાલીઓમાં મુઝવણ છે.