આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં મજબૂતીના કારણે રવિવારે ભારતમાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 28 પૈસા અને ડીઝલમાં પ્રતિ લીટર 29 પૈસાનો ભાવ વધારો કરાયો હતો.આ ભાવ વધારાના પગલે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. 83.13થી વધીને રૂ. 83.41 અને ડીઝલનો ભાવ પ્રતિ લીટર રૂ. 73.32થી વધીને રૂ. 73.61 થયો છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ રૂ. 90 અને ડીઝલનો ભાવ રૂ. 80ને પાર થઈ ગયો છે. આ ભાવ વધારાના પગલે ઈંધણના ભાવ બે વર્ષની ટોચે પહોંચી ગયા છે.

20મી નવેમ્બરથી સતત પાંચમો ભાવ વધારો

દેશમાં ઓઈલ કંપનીઓએ લગભગ બે મહિના પછી 20મી નવેમ્બરથી ઈંધણના ભાવમાં દૈનિક ફેરફાર શરૂ કર્યા પછી પેટ્રોલ-ડીઝલમાં આ 14મો અને સતત પાંચમો ભાવ વધારો છે. આ ભાવ વધારાના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવ સપ્ટેમ્બર 2018 પછી હાલ સર્વોચ્ચ સ્તરે છે.

છેલ્લા 17 દિવસમાં પેટ્રોલમાં પ્રતિ લીટર કુલ રૂ. 2.35 અને ડીઝલમાં કુલ રૂ. 3.15નો ભાવ વધારો થયો છે. આ ભાવ વધારાના કારણે મુંબઈમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 89.78થી વધીને રૂ. 90.05 અને ડીઝલનો ભાવ પ્રતિ લીટર રૂ. 79.93થી વધીને રૂ. 80.23 થયો હતો.

અમદાવાદમાં પેટ્રોલ-ડીઝલના ભાવ

અમદાવાદમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. 80.53થી વધીને રૂ. 80.80 અને ડીઝલનો ભાવ પ્રતિ લીટર રૂ. 78.94થી વધીને રૂ. 79.25 થયો હતો. બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવ 30મી ઑક્ટોબરથી અત્યાર સુધીમાં પ્રતિ બેરલ 36.9 યુએસ ડોલરથી 34 ટકા વધીને 4થી ડિસેમ્બરે 49.5 યુએસ ડોલર થયો હતો.

કોરોનાની રસી શોધાઈ ગઈ હોવાની આશાએ આગામી સમયમાં માગ વધવાની સંભાવનાને પગલે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં મજબૂતી જોવા મળી રહી છે. ભારતમાં 20મી નવેમ્બર પહેલાં પેટ્રોલનો ભાવ 22મી સપ્ટેમ્બરથી સ્થિર હતો અને ડીઝલનો ભાવ 2જી ઑક્ટોબર પછી બદલાયો નહોતો.

જાહેર ક્ષેત્રની ઓઈલ કંપનીઓ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (આઈઓલસી), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. (બીપીસીએલ) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. (એચપીસીએલ) આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલ તથા ફોરેન એક્સચેન્જ રેટના આધારે દૈનિક ધોરણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કરે છે.

જોકે, કોરોના મહામારીના કારણે રીટેલ ભાવમાં વોલેટિલિટી ટાળવા માટે સરકારી ઓઈલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં દૈનિક ફેરફાર કરવાનું બંધ કર્યું હતું. 30મી જૂન અને 15મી ઓગસ્ટ વચ્ચે 58 દિવસ સુધી પેટ્રોલમાં અને 48 દિવસ સુધી ડીઝલના ભાવમાં યથાસિૃથતિ જાળવી રાખી હતી. ઓઈલ કંપનીઓએ અગાઉ 17મી માર્ચથી 6ઠ્ઠી જૂન વચ્ચે લગભગ 85 દિવસ સુધી પણ ઈંધણના ભાવમાં ફેરફાર કરવાનું ટાળ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here