કેન્દ્રીય કૃષિ સંબંધિત નવા કાયદાઓના વિરોધમાં દિલ્હીમાં ચાલતા ખેડૂત આંદોલનને પગલે 8મી ડિસેમ્બર મંગળવારે દેશવ્યાપી બંધનું એલાન જાહેર થયું છે, ત્યારે ગુજરાતમાં વિરોધ પક્ષ કોંગ્રેસ સહિત વિવિધ ખેડૂત સંગઠનોએ આ બંધને ટેકો આપતા તે દિવસે બંધ પાળવાની સાથે ચક્કાજામ, ધરણાં, સૂત્રોચ્ચાર, દેખાવો જેવા કાર્યક્રમો યોજવાનું પણ જાહેર કર્યું છે. ગુજરાત કોંગ્રેસે 8મીએ બંધ પાળવાની સાથે રાજ્યવ્યાપી ચક્કાજામ કરવાનું જાહેર કર્યું છે, રાજ્યના 17 ખેડૂત સંગઠનોની બનેલી ગુજરાત સંઘર્ષ સમિતિએ પણ બંધના દિવસે ધરણાં, ચક્કજામ, દેખાવો યોજવાનું નક્કી કર્યું છે. ખેડૂતોના બંધના કાર્યક્રમમાં કામદારો, વેપારીઓ તેમજ તમામ ધંધા-રોજગાર જોડાશે, એમ સંઘર્ષ સમિતિના મુખ્ય કન્વીનર ડાહ્યાભાઈ ગજેરાએ જણાવ્યું હતું.
બીજી બાજુ ગુજરાતમાં દેશવ્યાપી બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યા છે. હાલ એક સમાચાર મળી રહ્યા છે કે ભારત બંધમાં એશિયાનું સૌથી મોટું ઊંઝા APMC માર્કેટ નહીં જોડાય. આવતીકાલે (મંગળવાર) ઊંઝા APMCમાં હરાજી ચાલુ રહેશે. ખેડૂતોનું આવતીકાલે ભારત બંધનું એલાન છે, ત્યારે વિવિધ ગંજબજારોમાંથી મિક્ષ પ્રતિસાદ મળી રહ્યો છે.
આવતીકાલે ભારત બંધના એલાનમાં ઊંઝા એપીએમસી રાબેતા મુજબ કાર્યરત રહેશે. હરાજી પણ આવતીકાલે રાબેતા મુજબ જ થશે.
આ સિવાય આવતીકાલે “ભારત બંધ’ના એલાનમાં વડોદરાનું હાથીખાના APMC બંધ રહેશે. ધી ગ્રેન મર્ચન્ટ એસોસિએશન બંધ પાળશે. ભારત બંધ એલાનને અનાજ વેપારીઓ દ્વારા સમર્થન મળ્યું છે. હાથીખાના એપીએમસી દ્વારા બંધને સમર્થન અપાયું છે. ધી ગ્રેન મર્ચન્ટ એસો.વડોદરા આવતીકાલે બંધ પાડશે. અન્ય વેપારીઓને પણ બંધ પાળવા અપીલ કરાઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સંઘર્ષ સમિતિની બેઠકમાં કોંગ્રેસના કિસાન સેલના ઉપપ્રમુખ ગિરધર વાઘેલા પણ હાજર રહ્યા હતા. સંઘર્ષ સમિતિએ 10મીએ પણ તમામ જિલ્લા મથકોએ ધરણાં યોજવાનું, 11મીએ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે સંયુક્ત રીતે કિસાન સંસદનો કાર્યક્રમ યોજવાનું તેમજ 12મીએ દિલ્હીના આંદોલનમાં ભાગ લેવા માટે જવાનું પણ નક્કી કરાયું હતું.
ગાંધીનગરમાં કૃષિબિલના વિરોધમાં સત્યાગ્રહ છાવણીએ કોંગ્રેસના ધરણાં
કૃષિબિલના વિરોધમાં કોંગ્રેસ દ્વારા આજરોજ સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં આ બિલના વિરોધમાં ૮મીના રોજ ભારત બંધનું એલાન અપાયું છે તેમાં જોડાવા માટે ઉપસ્થિત ખેડુતોને આહવાન કરવામાં આવ્યું હતું. આજના ધરણાના કાર્યક્રમમાં રાજીવ સાતવ પણ ઉપસ્થિત રહ્યા હતા. પુર્વ પ્રદેશ પ્રમુખ સિધ્ધાર્થ પટેલ, પ્રમુખ અમિત ચાવડા સહિતની પ્રદેશની નેતાગીરી આજે ગાંધીનગર ધરણાંના સમર્થનમાં ઉતરી પડી હતી.