વડોદરા (Vadodara)ના ગોત્રી હોસ્પિટલ (Guthrie Hospital)ના કોવિડ સેન્ટર (Covid Center)માં ફરજ બજાવતી મહિલા નર્સ (Female Nurse)ની તેના પતિ એ જ હત્યા કરી હોવાનું સામે આવતા પોલીસે પતિની ધરપકડ કરાઈ છે. જ્યારે પોલીસને સમગ્ર ઘટના અકસ્માતે મોત લાગે તે માટે પતિએ પોતાની કારમાંથી જ પત્નીનો મૃતદેહ ફેંકી અને એક્ટિવા પણ ફેંકી દીધી હોવાનું પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે.

ગત શુક્રવારે વડોદરાના વૈકુંઠ 2 પાસે નિર્જન રસ્તા ઉપર ગોત્રી કોવિડ સેન્ટરમાં ફરજ બજાવતી મહિલા નર્સ શિલ્પા પટેલનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી. જોકે પોલીસે ગણતરીના કલાકોમાં આ મહિલા નર્સની હત્યાનો ભેદ ઉકેલી હત્યારા પતિ જયેશને ઝડપી પાડ્યો હતો.

ડીસીપી ઝોન 4 લક્ધીરસિંહ ઝાલાએ માહિતી આપતા જણાવ્યું હતું કે ગત તારીખ 4ના રોજ વૈકુંઠ-2 પાસે નિર્જન રસ્તા ઉપરથી એક મહિલાની ડેડબોડી મળી આવી હતી. તેની પર શંકા જતા પોલીસે વિવિધ પાસાઓની તપાસ કરી હતી અને તે દરમિયાન મહિલાના પતિની બોડી લેંગ્વેજ પર શંકા ગઈ હતી. જેની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતાં પોતે જ મહિલાની હત્યા નિપજાવી હોવાનું જણાવ્યું હતું.

મૂળ કારણ ઘટનાનું હતું કે પતિ આણંદ ખાતે સી.આર.સી તરીકે ફરજ નિભાવે છે અને પત્ની શિલ્પા પટેલ ગોત્રી કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતી હતી. બંને જણાને એકબીજા પર ચારિત્ર્ય બાબતની શંકા કરી નાના મોટા ઝઘડા થતા હતા. ઘટનાની રાત્રી દરમિયાન પણ બંને વચ્ચે ઝઘડો થયો હતો અને પત્ની શિલ્પા ફરજ પર જવા નીકળી હતી ત્યારે પતિ જયેશ દ્વારા પોતાની ગાડી પર તેનો પીછો કર્યો હતો અને વૈકુંઠ-2 પાસે આવતાં તેની પત્ની શિલ્પાને રોકી વાતચીત માટે પોતાની ગાડીમાં બેસાડી હતી. એ દરમિયાન થયેલી વાતચીતમાં ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ધોકા દ્વારા પત્ની શિલ્પાનું મોત નિપજાવ્યું હતું અને સ્થળ પર જ પોતે જ પોતાની પત્ની શિલ્પા નો મૃતદેહ ફેંકી દીધો હતો અને એક્ટીવા પણ ફેંકી દીધું હતું.

જેથી સમગ્ર ઘટના અકસ્માત મોત હોવાનું જણાવી શકાય. આ ઘટના હરણી પોલીસ મથકના હદ વિસ્તારમાં આવેલા વૈકુંઠ-2 તરફ નિર્જન રસ્તો છે ત્યાં આ ઘટના બની હતી. પોલીસે હત્યારા પતિની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું ડીસીપી ઝોન 4 ના લકધિરસિંહ ઝાલાએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here