ભારતના જેહાન દારૂવાલાએ રવિવારે બહેરિનના શકહીર ખાતે યોજાયેલી ફોર્મ્યુલા 2 ગ્રાં પ્રિ રેસ જીતીને ઇતિહાસ રચી દીધો હતો કેમ કે આ સાથે ફોર્મ્યુલા 2 રેસ જીતનારો તે ભારતનો સૌ પ્રથમ કાર રેસર બન્યો હતો. એફ-2 ચેમ્પિયન મિક શૂમાકર અને ડેનિયલ ટિકટમ સાથે ભારતના 22 વર્ષીય જેહાન દારૂવાલાની આકરી ટક્કર હતી. જોકે આ વર્ષની અંતિમ ફોર્મ્યુલા વન રેસના સપોર્ટમાં યોજાયેલી આ એફ-2 રેસમાં અંતે જેહાન દારૂવાલા જ ચેમ્પિયન બન્યો હતો. તેણે મિક શૂમાકર અને ડેનિયલ ટિકટમને પાછળ રાખી દીધા હતા.
જેહાન દારૂવાલા રેયો રેસિંગ માટે ડ્રાઇવિંગ કરી રહ્યો હતો
જેહાન દારૂવાલા રેયો રેસિંગ માટે ડ્રાઇવિંગ કરી રહ્યો હતો. તેના માટે આ રેસ યાદગાર બની રહી હતી. ટિકટમે ઇનસાઇડમાં જ જેહાનને પાછળ રાખી દીધો હતો જેને કારણે શૂમાકર આઉટસાઇડમાંથી આગળ નીકળી ગયો હતો. અંતે ટિકટમ સરસાઈ પર આવી ગયો હતો ત્યાર બાદ શૂમાકર હતો અને જેહાન ત્રીજા ક્રમે હતો. થોડા કોર્નર બાદ જેહાને ઝડપ વધારીને શૂમાકરને પાછળ રાખી દીધો હતો. આમ તે બીજા ક્રમે આવી ગયો હતો. જોકે થોડી જ વારમાં શૂમાકરે ફરીથી જેહાનને પાછળ રાખી દીધો હતો.
આ રેસ અત્યંત રોમાંચક બની ગઈ જેમાં જેહાને છેક સુધી ન માની હાર
આમ આ રેસ અત્યંત રોમાંચક બની ગઈ હતી જેમાં જેહાને છેક સુધી હાર માની ન હતી. તે વારંવાર શૂમાકરને પાછળ રાખી દેતો હતો. જોકે તે દર વખતે ઓવરટેક કરવામાં નિષ્ફળ રહેતો હતો. આ દરમિયાન જેહાને દબાણ જારી રાખ્યું હતું. દસથી ઓછા લેપ બાકી રહ્યા હતા ત્યારે જેહાને સરસાઈ હાંસલ કરી લીધી હતી. અંતે જેહાને રેસ જીતી લીધી હતી. તેનો જાપાની સાથી યૂકી સુંડો 3.5 સેકન્ડથી પાછળ રહ્યો હતો અને બીજા ક્રમે આવ્યો હતો જ્યારે ટિકટમ ત્રીજા સ્થાને રહ્યો હતો.