પાકિસ્તાનનો ક્રિકેટર શાહિદ આફ્રિદી વારંવાર વિવાદમાં રહેતો આવ્યો છે. તે કોઈને કોઈ કારણસર વિવાદ સર્જતો રહેતો હોય છે. જોકે એક ક્રિકેટર તરીકે તેના જેટલો લોકપ્રિય અને સફળ ક્રિકેટર શોધવો પણ મુશ્કેલ છે. એક સમયે તો એમ કહેવાતું હતું કે આફ્રિદીની ઉંમર જ થતી નથી. તે ક્યારેય નિવૃત્ત જ થશે નહીં પરંતુ હવે તેણે નિવૃત્તિ જાહેર કરી દીધી છે. 2018 બાદ તે પાકિસ્તાન માટે એકેય ટી20 મેચ રમ્યો નથી. 2010 બાદ તે ટેસ્ટ મેચમાં રમ્યો નથી.

જાફના સામેની મેચમાં આફ્રિદીએ માત્ર 23 બોલમાં 58 રન ફટકારી દીધા

આમ છતાં આફ્રિદી આજે ય સમાચારોમાં રહે છે કેમ કે તે અત્યારે શ્રીલંકમાં ચાલી રહેલી લંકા પ્રિમિયર લીગમાં ગોલ ગ્લેડિયેટર્સ માટે રમી રહ્યો છે . તેણે જાફના સામેની મેચમાં માત્ર 23 બોલમાં 58 રન ફટકારી દીધા હતા જેમાં છ સિક્સરનો સમાવેશ થતો હતો.આમ શાહિદ આફ્રિદી આજેય ક્રિકેટમાં સક્રિય છે એટલું જ નહીં પરંતુ યુવાનોને શરમાવે તેવી સ્ફૂર્તિથી બેટિંગ કરી શકે છે. હાલમાં તે કોરોનાનો શિકાર પણ થયો હતો. કોરોના પોઝિટિવ આવ્યા બાદ તે સાજો થયો છે અને અત્યારે ક્રિકેટ રમી રહ્યો છે.

પહેલીવાર વનડેમાં કરી ધૂંઆધાર બેટિંગ

શાહિદ આફ્રિદીની કારકિર્દીની વાત કરીએ તો તે કોઈ પણ ફોર્મેટમાં ધમાકેદાર પ્રારંભ કરવા માટે ખ્યાતનામ છે. 1996માં આફ્રિદીએ તેની કરિયરનો પ્રારંભ કર્યો. પહેલી મેચમાં તો તેને બેટિંગ કરવાની તક મળી નહીં પરંતુ તેણે વન-ડેમાં પહેલી વાર બેટિંગ કરી તે જ મેચમાં 40 બોલમાં 102 રન ફટકારી દીધા હતા. નૈરોબી ખાતેની એ મેચમાં તેણે શ્રીલંકા સામે સદી ફટકારી હતી જે વન-ડે ક્રિકેટ ઇતિહાસમાં એ વખતે સૌથી ઝડપી સદી હતી. તેણે 37 બોલમાં સદી ફટકારી હતી. સૌથી ઝડપી સદીમાં તે આજે ત્રીજા ક્રમે છે.

આફ્રિદી

આવી જ રીતે તેણે 1998માં ટેસ્ટ કરિયરનો પ્રારંભ કર્યો અને ઓસ્ટ્રેલિયા સામેની કરાચી ખાતેની એ ટેસ્ટમાં બાવન રનમાં પાંચ વિકેટ ખેરવીને શાનદાર પ્રારંભ કર્યો હતો.વન-ડે અને ટેસ્ટ બાદ તેણે 2006માં ટી20 કરિયરનો પ્રારંભ કર્યો હતો. એ વખતે બ્રિસ્ટોલ ખાતે ઇંગ્લેન્ડ સામેની મેચમાં તેણે દસ બોલમાં 28 રન ફટકાર્યા અને મેન ઓફ ધ મેચ બની ગયો હતો. આવી જ તે તેણે ટી10 ક્રિકેટનો પ્રારંભ કર્યો અને પોતાની પહેલી જ ટી10 મેચમાં હેટ્રિક લીધી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here