પાંડેસરાના ભેદવાડથી બપોરે ગુમ થયેલી 10 વર્ષીય બાળકીની ઉધના બીઆરસી પાસેથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. ગળું દૂબાવી બાળકીની હત્યા કરી ઓળખ છુપાવવા તેણીનું માથું પથ્થર વડે છૂંદી નાંખવામાં આવ્યું હતું. અંગત અદાવતમાં બાળકીની હત્યા કરાઈ હોવાનું પોલીસે પ્રાથમિક તબક્કે જણાવ્યું હતું. આ ઉપરાંત તેણી સાથે બદકામ થયું હોવાની પણ આશંકા વ્યક્ત કરાઈ છે. સમગ્ર કેસમાં પોલીસે બેની ધરપકડ કરી હતી.
પાંડેસરા ભેદવાડ વિસ્તારમાં રહેતી 10 વર્ષીય બાળકીને તેણીના પિતા દરરોજની જેમ સોમવારે સવારે પણ ઘર નજીક રહેતા કાકાને ઘરે મૂકી નોકરીએ ગયા હતા. પિતા સવારે 10થી 3 વાગ્યા સુધી નોકરી જાય ત્યાં સુધી બાળકી કાકાના ઘરે રહે છે. ત્યારબાદ બપોરે પરત ઘરે ચાલી જાય છે. આજે પણ પિતા 10 વર્ષીય પુત્રીને ભાઈના ઘરે મૂકી નોકરીએ ગયા હતા. જો કે, બપોરે નોકરીએ પરત આવ્યા બાદ મોડી સાંજ સુધી પણ પુત્રી ઘરે પરત નહીં ફરતાં પિતાએ શોધખોળ હાથ ધરી હતી.
મોડી સાંજ સુધી દિકરીનો કોઈ જ પત્તો નહીં મળતાં અંતે બાળકીના પિતાએ પાંડેસરા પોલીસનો સંપર્ક કર્યો હતો. બાળકીના ગુમ થયાની ફરિયાદ નોંધવામાં આવી હતી તે સમયે જ ઘરથી 200 મીટર દૂર ઉધના બીઆરસી પાસે રેલવે ટ્રેક નજીકની ઝાડી-ઝાંખરીમાંથી તેણીની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી.
બનાવની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓનો પોલીસ કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો. તેમજ બાળકીની લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડી હતી. તેની સાથે બદકામ થયું છે કે નહીં તે પોસ્ટમાર્ટમના રિપોર્ટ બાદ માલુમ પડશે.
તેણીની ગળું દબાવી હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક તબક્કે પોલીસે જણાવ્યું હતું. ઉપરાંત તેણી સાથે બદકામ થયું હોવાની પણ પોલીસે આશંકા વ્યક્ત કરી હતી. જો કે, મોડી રાત્રે પોલીસે તેણીની હત્યામાં બેની ધરપકડ કરી હતી. અંગત અંદાવતમાં 10 વર્ષીય માસૂમની કણપિત હત્યા કરાઈ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. હાલ તો પોલીસે તેણીની ઘર નજીક રહેતા બે વ્યક્તિની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.