રસી બનાવનારી અગ્રણી કંપનીઓમાં એક અમેરિકાની નોવાવેક્સ પણ છે. તેની રસી પણ ટ્રાયલના ત્રીજા તબક્કામાં છે. નોવાવેક્સની રસી ટીમનુ સંચાલન ગુજરાતી મહિલા તબીબ ડૉ.નિતા પટેલ પાસે છે. ડો.નિતા મૂળ આણંદ પાસેના સોજિત્રા ગામના વતની છે અને અમેરિકામાં વર્ષોથી સ્થિર થયેલા છે. નોવાવેક્સે 2012માં જ તેમની વાઈસ પ્રેસિડેન્ટ પદે નિમણુંક કરી હતી.

ડો.પટેલ અત્યારે રસી તૈયાર કરવા માટે દિવસ-રાત લેબોરેટરીમાં કામ કરી રહ્યા છે. બેશક તેઓ એકલા નથી, તેમની ટીમ પણ સાથે છે. પરંતુ રસી વિભાગના તેઓ સિનિયર ડાયરેક્ટર છે.

અમેરિકન એસોશિએશન ઓફ એડવાન્સમેન્ટ ઓફ સાયન્સ (એએએએસ)ને આપેલા ઈન્ટર્વ્યુમાં તેમણે કહ્યું હતું કે હું 18 કલાક લેબમાં હોઉં છું. એટલે ઘણા મને પૂછે છે કે તમે થાકી નથી જતા? પરંતુ આ રીતે રસી પર કામ કરનારા થાકતા નથી એટલે જ 10 મહિના જેવા ટૂંકા સમયમાં અનેક રસીઓ તૈયાર થવાના તબક્કે પહોંચી ગઈ છે.

ડો.નિતા પટેલ જગવિખ્યાત જોન હોપકિન્સ યુનિવર્સિટી (કે જે આખા જગતના કોરોના કેસની ગણતરી રાખે છે)માં ભણેલા છે અને એન્ટિબોડી તથા વેક્સિન ડેલપમેન્ટના તેઓ નિષ્ણાત છે. તેમના પિતાને ટીબી થયો હોવાથી ડોક્ટર બન્યા પછી તેમણે ટીબી અંગે ઘણું સંશોધન કરીને ઈલાજમાં સુધારો શોધી કાઢ્યો છે.

સોજિત્રા રહેતા ત્યારે પહેરવા મર્યાદિત વસ્ત્રો હતા એટલે સ્કૂલ ડ્રેસમાં જ આખો દિવસ નીકળો અને પગમાં પહેરવા ચપ્પલ પણ ન હતા. અનેક વાર પડોશી પાસેથી બસભાડાના પૈસા લેવા પડતાં હતા. અમેરિકાની અને જગતની અન્ય ફાર્મા કંપનીઓના પ્રમાણમાં નોવાવેક્સ મોટી કંપની નથી. છતાં રસી બનાવતી જગતની અગ્રણી કંપનીઓમાં નોવાવેક્સનો સમાવેશ થયો છે, તેનું કારણ ડો.નીતા પટેલ જેવા રસી નિષ્ણાતો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here