આઇસીસીએ જારી કરેલા ટેસ્ટ ક્રિકેટ ક્રમાંકમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને છલાંગ લગાવી છે અને હવે તે ભારતના વિરાટ કોહલી સાથે સંયુક્તપણે બીજા ક્રમે આવી ગયો છે. કેન વિલિયમ્સને હજી બે દિવસ અગાઉ પ્રવાસી વેસ્ટ ઇન્ડિઝ સામેની પ્રથમ ક્રિકેટ ટેસ્ટમાં 251 રનની વિશાળ ઇનિંગ્સ રમી હતી જેનો તેને આઇસીસી બેટિંગ ક્રમાંકમાં લાભ થયો હતો.

બીજી તરફ વેસ્ટ ઇન્ડિઝના કેપ્ટન જેસન હોલ્ડરને આઇસીસીના ઓલરાઉન્ડર માટેના ક્રમાંકમાંથી મોખરાનું સ્થાન ગુમાવવું પડ્યું છે. પ્રથમ ટેસ્ટમાં જેસન હોલ્ડર અને તેની ટીમનો દેખાવ કંગાળ રહ્યો હતો. ઓલરાઉન્ડર્સની યાદીમાં હવે ઇંગ્લેન્ડનો બેન સ્ટોક્સ મોખરે પહોંચી ગયો છે.

ટેસ્ટ ક્રિકેટમાં બેટ્સમેનના ક્રમાંકમાં 911 પોઇન્ટ સાથે ઓસ્ટ્રેલિયાનો સ્ટિવ સ્મિથ મોખરાના ક્રમે છે. ત્યાર બાદ વિરાટ કોહલી અને કેન વિલિયમ્સનનો ક્રમ આવે છે. ભારતનો આધારભૂત બેટ્સમેન ચેતેશ્વર પૂજારા સાતમા ક્રમે છે તો બેન સ્ટોક્સ આઠમા ક્રમે અને ઇંગ્લેન્ડની ટીમનો કેપ્ટન જો રૂટ નવમા ક્રમે છે.

ન્યૂઝીલેન્ડના ઓપનર ટોમ લાથમે તાજેતરમાં વેસ્ટ ઇન્ડિઝ સામે 86 રન ફટકાર્યા હતા. તે હવે આઇસીસી ક્રમાંકમાં ટોપ 10ની યાદીમાં આવી ગયો છે. ટોમ લાથમ હાલમાં દસમા ક્રમે છે. ભારતના અજિંક્ય રહાણે અને મયંક અગ્રવાલ અનુક્રમે 11 અને 12 મા સ્થાને છે. બંનેને એક એક ક્રમનું નુકસાન થયું છે.

ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટમાં 31 ઓવર બોલિંગ કર્યા બાદ એક પણ વિકેટ નહીં લઈ શકેલો જેસન હોલ્ડર બેટિંગમાં પણ નિષ્ફળ રહ્યો હતો તે 15 અને આઠ રન કરી શક્યો હતો. આમ તેને બેવડો માર પડ્યો હતો. તે બેટિંગ અને બોલિંગ ક્રમાંકની સાથે સાથે ઓલરાઉન્ડર ક્રમાંકમાં પણ પાછળ રહી ગયો હતો.

ઓલરાઉન્ડર્સની યાદીમાં બેન સ્ટોક્સ 446 પોઇન્ટ સાથે મોખરે છે. હોલ્ડર બીજા અને જાડેજા ત્રીજા ક્રમે છે. બોલિંગમાં ભારતનો જસપ્રિત બુમરાહ નવમા ક્રમે છે અને અશ્વિન 11મા સ્થાને છે.