ભારત સરકારે વિમાનવાહક યુદ્ધજહાજ આઈએનએસ વિરાટને નિવૃત્ત કરી દીધા પછી તેને મ્યુઝિયમમાં ફેરવવા અંગે સંપૂર્ણપણે બેદરકારી દાખવી છે. 1987માં ભારતીય નૌકાદળમાં શામેલ થયેલું આઈએનએસ વિરાટ 2016 સુધી સક્રિય રહ્યું.પહેલા એ બ્રિટિશ નૌકાદળનો ભાગ હતું. 1959માં વિમાનવાહક જહાજ બ્રિટને પોતાના માટે બનાવ્યું હતું અને તેને એચએમએસ હર્મિસ નામ આપ્યું હતું. હવે આ જહાજ ભારતમાં ભંગાવવા જઈ રહ્યું છે, ત્યારે બ્રિટનના ‘હર્મિસ વિરાટ હેરિટેજ ટ્રસ્ટે’ તેને બચાવવા માટે પત્ર લખ્યો છે.

બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોન્સન અને ભારતના વડા પ્રધાન મોદી બન્નેને લખાયો પત્ર

આ પત્રમાં લખ્યું છે કે જો જહાજને તમે સાચવી શકતા ન હો તો પછી અમને પરત આપી દો. આ પત્ર બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોન્સન અને ભારતના વડા પ્રધાન મોદી બન્નેને લખાયો છે. આગામી 26મી જાન્યુઆરીએ ભારતના મહેમાન તરીકે બોરીસ જોન્સનને આમંત્રણ અપાયું છે. એ પહેલા જ આ મુદ્દો આંતરરાષ્ટ્રીય ચર્ચાએ પહોંચ્યો છે. ભારત સરકાર માટે આંતરરાષ્ટ્રીય શરમનો આ વધુ એક કિસ્સો છે. કેમ કે પત્ર દ્વારા એ પ્રસ્થાપિત થાય છે કે ભારત સરકાર ઐતિહાસિક યુદ્ધજહાજ સાચવવા સમક્ષ નથી અથવા તો સરકારને જહાજ સાચવવાનું મહત્ત્વ સમજાતું નથી.

સામાન્ય રીતે કોઈ દેશ પોતાના ઐતિહાસિક યુદ્ધજહાજને ભંગારવાડે જવા દેતો નથી. જેમની પાસે સંખ્યાબંધ જહાજો હતા એ બ્રિટને બીજા વિશ્વયુદ્ધના કેટલાક જહાજો સંગ્રહાલય બનાવીને રાખ્યા છે. ભારતમાં 2016માં જ્યારે જહાજને નિવૃત્ત કરવાનો પ્રસંગ આવ્યો ત્યારે તેને સંગ્રહાલયમાં ફેરવવાનો પ્રસ્તાવ મુકાયો હતો. પરંતુ ત્યારથી લઈને અત્યાર સુધીના કોઈ સંરક્ષણ મંત્રી આ અંગે નિર્ણય લઈ શક્યા નહીં.

વિરાટ

શ્રીરામ ગ્રુપે આ જહાજ 40 કરોડથી ઓછી કિંમતે ખરીદ્યુ

આ જહાજ હવે હરાજીમાં વેચાઈ ગયું છે અને અલંગની કંપની શ્રીરામ ગૂ્રપે તેનું વિસર્જન કરવા 40 કરોડથી ઓછી કિંમતમાં ખરીદી લીધું છે. પરંતુ છેલ્લે સુધી આ જહાજને બચાવી શકાય એ માટે એન્વિટેક મરિન નામની કંપનીએ તેને ખરીદીને મ્યુઝિયમમાં ફેરવવા તૈયારી દર્શાવી છે. શ્રીરામ ગૂ્રપે વેચવા માટે 100 કરોડથી વધારે રકમ તથા સંરક્ષણ મંત્રાલયનું નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ માંગ્યુ છે.

સંરક્ષણ મંત્રાલયે આવું એનઓસી આપવાની ના પાડી. એટલે કે જહાજને મ્યુઝિયમમાં ફેરવવા સંરક્ષણ મંત્રાલયે વધુ એક વખત તૈયારી ન દાખવી. તેના પરિણામે હવે એન્વિટેક આ મુદ્દે સુપ્રીમમાં જવાની તૈયારીમાં છે. દરમિયાન જહાજ અલંગના કાંઠેથી હજુ પણ પોતાના ભવિષ્યની રાહ જોઈને ઉભું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here