આ૫ણા સમાજમાં વર્ષોજૂની એક કહેવત છેઃ ભૂલ તો ભગવાનની પણ થાય! આ કહેવત શારીરિક રીતે કોઈપણ જાતની વિકૃતિ સાથે જન્મતાં બાળકોને જોઈને પાડવામાં આવી હતી. એમાં મુદ્દાની વાત એક જ છે કે ભૂલ કોઈનીય થઈ શકે. વાત સાવ સાચી છે, પરંતુ એ સામાન્ય માણસો માટે સાચી છે. માનો કે તમે સામાન્ય માણસ છો. તમે દિલ્હી જવા માગો છો અને ભૂલથી મદ્રાસની ટ્રેનમાં બેસી ગયા તો એનું નુકસાન માત્ર તમને થશે. માનો કે તમે પરિવારના વડા છો અને પરિવારના ભવિષ્યની કોઈ વાત માટે નિર્ણય લેવામાં ભૂલ કરી બેઠા તો નુકસાન તમારા પરિવારના પાંચ-પંદર માણસોને થશે. તમારા વ્યક્તિગત કામમાં ભૂલ થાય તે સ્વાભાવિક છે. તમે પરિવારના વડા તરીકે કોઈ કામ કરો તો ભૂલ ન થાય એની તકેદારી દસ ગણી રાખવી જરૂરી છે, કારણ કે એમાં નુકસાન આ પરિવારે ભોગવવાનું છે. દેશનો કોઈ વડો એક ખોટો નિર્ણય લે તો આખા દેશની કેવી બદહાલી થઈ શકે એનો સર્વોચ્ચ દાખલો ચીનના પ્રીમિયર માઓ ત્સે તુંગનો છે. આ માણસને એક દિવસ લાગ્યું કે ચકલીઓનો નાશ કરીએ તો અનાજનો બગાડ અટકી જાય અને આપણો દેશ અનાજમાં આત્મનિર્ભર બની જાય. માઓએ રાષ્ટ્રવ્યાપી એલાન કર્યું કે રાષ્ટ્રની સેવા કાજે તમામ ચકલીઓનો સફાયો કરી દો. ચકલીઓ સાથે બધાં પંખીઓ સાફ થઈ ગયાં. બીજા વર્ષે પંખીઓ ન હોવાથી જીવજંતુઓએ એવી માઝા મૂકી કે બધો પાક નષ્ટ થઈ ગયો. હવે પંખીઓની સંખ્યા વધે નહીં ત્યાં સુધી પાક થઈ ન શકે. અધૂરામાં પૂરું ચાર વર્ષ વરસાદ સાવ નબળો પડયો. પરિણામે ચીન પાંચ વર્ષ ભૂખમરામાં ધકેલાઈ ગયું હતું.

આવો જ એક તરંગી નિર્ણય એલન સેવોર નામના પ્રકૃતિ નિષ્ણાતે લીધો હતો. તાજેતરમાં ટેડ ટોક નામના ટીવી શોમાં મહેમાન બનીને આવેલા આ પ્રકૃતિવિદે જણાવ્યું કે હું આખા જગતનાં તમામ વન વિસ્તારો, ઘાસના મેદાનો અને રણ વિસ્તારોમાં ફર્યો છું. એ બધાં સ્થળોના અભ્યાસ પછી મને સમજાયું છે કે આજે જગતના લગભગ દરેક વિસ્તારમાં હરિયાળી ઓછી થઈ રહી છે અને રણપ્રદેશ વિસ્તરી રહ્યો છે. માનવજાત અને આખી જીવસૃષ્ટિ માટે આ ખૂબ જ જોખમી છે. રણપ્રદેશ આગળ વધતો અટકાવવો હોય તો પ્રાચીનકાળમાં પ્રાણીઓનાં ધણનાં ધણ જે રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતાં હતાં અને આજે અહીં તો કાલે બીજી જગ્યાએ ચરતાં ફરતાં હતાં એ રીતે ફરીથી પ્રાણીઓનાં ધણ બધે ફરતાં કરવાં જોઈશે. એ લોકો મજબૂત ખરીઓ વડે ધરતીને ઘમરોળે, વનસ્પતિ ખાતાં રહે, વનસ્પતિનાં પાંદડાં નીચે પાડતા અને ધરતીમાં દબાવતાં રહે. પોતે પણ મળત્યાગ કરતા રહે તો દરેક જગ્યાએ વનસ્પતિનાં બીજ નીચે પડતાં રહે, સડતી વનસ્પતિ અને પ્રાણીઓના મળનું ખાતર મેળવીને નવેસરથી વિકાસ કરતી રહે. એમ હરિયાળી વિસ્તરતી રહે. માટે બધે ઘેટાં-બકરાંથી માંડીને હાથીઓ સુધીનાં પ્રાણીઓને રખડવા દેવાં પડશે.

જોકે એલન સેવોરીનું આ રાંડયા પછીનું ડહાપણ છે. નિષ્ણાત પ્રકૃતિવિદ્ તરીકે આ માણસે જાહેર કર્યું હતું કે પ્રાણીઓ વધારે ને વધારે ધરતી ઘમરોળે છે અને વનસ્પતિ ખાઈ જાય છે તેથી રણપ્રદેશ જગતમાં વિસ્તરી રહ્યો છે. એ વખતે તે ઝિમ્બાબ્વેના નેશનલ પાર્કમાં નિષ્ણાત તરીકે સેવાઓ આપતો હતો. તેણે જાહેર કર્યું કે આ વિસ્તારમાં હાથીઓનાં ટોળેટોળાં રખડતાં રહે છે અને વનસ્પતિનું નિકંદન કાઢતાં રહે છે. એના કારણે ધરતી પરથી હરિયાળી નાબૂદ થઈ રહી છે. જો હરિયાળી બચાવવી હશે તો વનસ્પતિનો ખુડદો બોલાવતા હાથીઓને હણવા પડશે.about:blankabout:blankabout:blank

એક નિષ્ણાત જ્યારે પોતાના અભ્યાસના આધારે આવું કહે તો બાકીના બધા તેને સો ટકા સાચું માની લે એ સ્વાભાવિક છે. આફ્રિકન દેશોના બધા નેશનલ પાર્કના કર્મચારીઓએ એલન સેવોરીની વાત માનીને હાથીઓ માટે દેખો ત્યાંથી ઠાર કરોના આદેશ આપી દીધા. ખુદ એલન સેવોરી પણ આ કામમાં લાગી ગયો. જોતજોતામાં બધાએ મળીને ૪૦,૦૦૦ હાથીઓનું નિકંદન કાઢી નાંખ્યું. ૧૯૬૦ના એ જમાનામાં પ્રાણીઓ માનવજાત માટે અનિવાર્ય હોવાની વાત હજી સમજાઈ નહોતી. એટલે  આ નિષ્ણાતો પ્રકૃતિનું ભલું કરી રહ્યા છે એમ માનીને એમને પોરો ચઢાવ્યો! આજે વૃદ્ધાવસ્થાએ સેવોરી કહે છે, એ મારા જીવનની સૌથી હતાશાજનક મોટામાં મોટી ભૂલ હતી. દસ વર્ષ સુધી હાથીઓનું નિકંદન કાઢયા પછી સમજાયું કે હાથીઓને માર્યા પછીય વૃક્ષોની સંખ્યામાં વધારો જોવા મળતો નથી. પછી નવેસરથી અભ્યાસ શરૂ કર્યો. આ ડહાપણની દાઢ ઊગી ત્યાં સુધીમાં હાથીઓ વિના વાંકે મરતા રહ્યા. આટલા બધા હાથીઓને હણી નાંખવાની ભૂલ કરનાર એલન સેવોરીને કેવી સજા કરવી જોઈએ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here