મોદીના માનીતાં હોવાનો રોફ જ્યાં-ત્યાં બતાવતા આવેલા અમદાવાદની લલ્લુજી એન્ડ સન્સના સંચાલકો સામે ઉત્તરપ્રદેશ સરકારે કુંભ મેળામાં 109 કરોડનું કૌભાંડ આચરવાનો પર્દાફાશ કર્યો છે.લલ્લુજી કંપનીને પાંચ વર્ષ માટે બ્લેકલિસ્ટ પણ કરી દેવામાં આવી છે. આવી લલ્લુજી એન્ડ કંપની માટે મોસાળે જમણ ને મા પિરસનાર હોય તેમ ગુજરાત સરકારે કોન્ટ્રાક્ટથી સોંપણી કરી મલાઈદાર મિલકતો જાણે સોનાની તાસકમાં સોંપી દીધી છે. કુંભમેળાની કૌભાંડી કંપનીને કચ્છ રણોત્સવ સોંપી દેવાયો છે.
ચાલુ વર્ષે કચ્છના સફેદ રણમાં પાણી હોવા છતાં ગુજરાત સરકારને ઉવેખી અને અધિકારીઓને મનાવી લઈને રણોત્સવ શરૂ કરી દેવાયો છે. 15000 રૂપિયા જેવો ખર્ચ કર્યા પછી લોકો રણોત્સવ માણવા પહોંચે તો છેતરાયાનો અહેસાસ કરે છે. આ જ રીતે અમદાવાદનું જીઆઈડીસી કન્વેન્શન સેન્ટર અને સરદાર સરોવર પાસે નર્મદા ટેન્ટ સિટી પણ લલ્લુજીના હવાલે કરી દેવામાં આવ્યાં છે.
લલ્લુજી કંપનીનું કુંભમેળા કૌભાંડ

અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવેલી લલ્લુજી એન્ડ સન્સ નામની ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની સરકાર (પ્રજાના) પૈસે એટલી ફૂલીફાલી છે કે ગુજરાતનું સરકારી તંત્ર તેની અનિયમિતતાઓ સામે જોવાની હિમ્મત સુદ્ધાં નથી કરતું. પણ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ઉત્તરપ્રદેશ સરકારે લલ્લુજી કંપનીનું કુંભમેળા કૌભાંડ પકડી પાડયું છે.
કુંભમેળામાં મંડપની કામગીરી મેળવીને તેમાં 109 કરોડ રૂપિયાના કૌભાંડ આચરવાનો કેસ પ્રયાગરાજમાં નોંધી દેવામાં આવ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે, અમદાવાદની આ કંપની પર ગુજરાત સરકારે મહેરબાન છે અને કોઈ તપાસ કરી રહી નથી. સરકારી સૂત્રો કહે છે કે, લલ્લુજી કંપનીના ચૂકવણાં આવે તો તેની કોઈ જ તપાસ કરી શકાતી નથી.
સૂત્રોએ જણાવ્યું કે, લલ્લુજી એન્ડ કંપનીને ગુજરાત સરકારની સૌથી મોટી ભેટ કચ્છના ધોરડો ખાતેનો રણ ઉત્સવ છે. નવેમ્બરથી ફેબુ્રઆરી સુધી યોજાતા રણોત્સવનું સંપૂર્ણ સંચાલન છેલ્લા સાતેક વર્ષથી લલ્લુજી કંપની પાસે છે. ગુજરાત સરકારે ખાનગીકરણ કરી નાંખતાં રણોત્સવની મજા લોકો માટે મોંઘી બની ગઈ છે. બે રાત અને ત્રણ દિવસ રોકાવા માટે ઓછામાં ઓછા 15,000 રૂપિયા જેવી તોસ્તાન રકમ વસૂલવામાં આવે છે.
રણોત્સવમાં ટેન્ટ સિટીને ત્રીસ વર્ષ માટે ચલાવવાનો કોન્ટ્રાક્ટ લલ્લુજી કંપની પાસે

કચ્છના સફેદ રણની મજા માણવા ગયાં પછી ત્યાં અનેક પરેશાની થતી હોવાનો વસવસો અનેક લોકો વ્યક્ત કરતાં આવ્યાં છે પણ રણોત્સવનું સંચાલન કરતી લલ્લુજી કંપની મોદી અને સરકારની નજીક હોવાનો એવો માહોલ ઉભો કરે છે કે સરકારી તંત્ર અને પ્રજાજનો કશું જ બોલી શકતાં નથી. આ વર્ષે તો હજુ સફેદ રણમાં પાણી ભરાયેલું છે.
ગુજરાત સરકારના ઉચ્ચ સત્તાધિશોની અનિચ્છા છતાં લલ્લુજી એન્ડ કપનીએ રણોત્સવ શરૂ કરી દીધો છે. ધોરડોના જાણકાર લોકો કહે છે કે, તોસ્તાન ખર્ચ કરી રણ ઉત્સવ માણવા આવતાં લોકો આ સ્થિતિ જોઈને નિરાશવદને પાછા ફરે છે. સામાન્યત: રણોત્સવ ફેબુ્રઆરી સુધી ચાલે છે પણ આ કંપની નફાખોરી માટે લાગતા વળગતાને સાધી લઈ માર્ચ મહિના સુધી રણોત્સવ ચલાવે છે.
આટલું ઓછું હોય તેમ ગુજરાત સરકારે લલ્લુજી કંપનીને નર્મદા ટેન્ટ સિટી પણ સોંપી દીધું છે. સરદાર સરોવર ડેમથી ત્રણ કિલોમીટર દૂર તૈયાર કરાયેલાં ટેન્ટ સિટીને પણ ત્રીસ વર્ષ માટે ચલાવવાનો કોન્ટ્રાક્ટ લલ્લુજી કંપનીને સોંપી દેવામાં આવ્યો છે. લોકો કુદરતની મજા મુક્તમને માણી શકે તેવા આયોજનના બદલે કચ્છ અને નર્મદા ખાતેના કુદરતી સૌંદર્યને લલ્લુજીને સોંપી મોંઘાદાટ બનાવી દેવાયાની બૂમ લોકોમાં ઉઠી છે.
લોકોમાં ચર્ચા છે કે, લલ્લુજી એન્ડ કંપનીને ગુજરાત સરકારે મલાઈદાર મિલકતો જાણે સોનાની તાસકમાં સામેથી ધરી દીધી છે. પોતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માનીતા છે તેવો માહોલ ઉભો કરીને લલ્લુજી એન્ડ કંપની સરકારમાં પોતાની મનમાની ચલાવતી આવી છે. લોકહીતમાં કામ કરતી હોવાની પ્રતિતિ કરાવીને યુ.પી. સરકારે લલ્લુજી એન્ડ કંપની સામે કૌભાંડનો કેસ નોંધી દીધો છે.
પ્રજાના પૈસા લીલાલહેર કરતી કંપનીના વ્યવહારો અને સરકારી (પ્રજાની) મિલકતના સંચાલનમાં ચાલતી લાલિયાવાડી અંગે ગુજરાત સરકાર નિષ્પક્ષ અને ઊંડી તપાસ કરવાની હિમ્મત દાખવશે ખરી તેવો સવાલ ચર્ચાય છે.