- આ 3000 લોકોનું ટોળુ વડોદરાથી પગપાળા મહેસાણા જવાનું હતું.
- એક વ્યક્તિ ધૂનતો હોવાથી તેને માતા આવી હોવાનું સમજીને લોકો ઉમટ્યા હતા.
- વડોદરાના ખોડિયાર નગર ખાતે હજારોની ભીડ ભેગી થઈ
વડોદરા :કોરોનાથી સતર્ક રહેવા માટે માસ્કની કેટલી જરૂર પડે તે હવે કહેવાની જરૂર નથી. નાનકડા બાળકો પણ હવે સોશિયલ ડિસ્ટન્સિંગ (Social Distance0 અને માસ્ક (Mask) ના નિયમોનું પાલન કરતા થઈ ગયા છે. ત્યારે હજી પણ કેટલાક લોકો એવા છે જેઓને પોતાના અને બીજાના જીવની પડી નથી. આવું વિચારનારા લગભગ 3000 લોકો વડોદરામાં એકઠા થયા હતા. વડોદરાના ખોડિયાર નગર ખાતે હજારોની ભીડ ભેગી થઈ હતી. એક સમાજના ખાનગી કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડતા જોવા મળ્યા હતા.
વડોદરાના ખોડિયાર નગર વિસ્તારમાં દેવીપૂજક સમાજનો ધાર્મિક કાર્યક્રમયોજાયો હતો. આજે સવારે કાર્યક્રમમાં અંદાજિત 3 હજાર લોકો ઉમટ્યાં હતા. કોઈ પણ પરવાનગી વગર આ પ્રકારનો કાર્યક્રમ યોજાતા પોલીસ દોડતી થઈ હતી. એટલું જ નહિ, કાર્યક્રમમાં હાજર કોઈ પણ વ્યક્તિએ માસ્ક નહોતું પહેર્યું.
સવાલ એ છે કે, કેવી રીતે આટલી મોટી સંખ્યામા લોકો એકઠા થયા. ત્યારે જાણવા મળ્યું કે, એક વ્યક્તિ ધૂનતો હોવાથી તેને માતા આવી હોવાનું સમજીને લોકો ઉમટ્યા હતા. જોકે, બીજી એક ચોંકાવનારી માહિતી એ પણ સામે આવી કે, આ 3000 લોકોનું ટોળુ વડોદરાથી પગપાળા મહેસાણા જવાનું હતું. જો, આ કાર્યક્રમ રોકવામાં ન આવ્યો હોત તો મહેસાણા સુધી કોરોનાનું સંક્રમણ ફેલાયું હોત.
આ ઘટનાને પગલે વારસિયા પોલીસે સ્થળ પર પહોંચી હજારોના ટોળાંને દૂર કર્યા પોલીસે કોઈ ગુનો દાખલ ન કરતા આશ્ચર્ય ફેલાયું. વારસિયા પોલીસે કાર્યક્રમનું આયોજન કરનાર સામે નોધ્યો ગુનો છે. 6 વ્યક્તિઓ સામે જાહેરનામાના ભંગની ફરિયાદ કરાઈ છે. એપેડેમિક ડિસીઝ એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો છે. તેમજ આ 6 શખ્સોની પોલીસે અટકાયત કરી છે.