ખેડૂતોના મુદ્દે રજૂઆત કરવા વિપક્ષોનું પ્રતિનિધિમંડળ બુધવારે સાંજે પાંચ વાગ્યે રાષ્ટ્રપતિ રામનાથ કોવિદને મળવાનું છે. કોરોનાના કારણે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જરૂરી હોવાથી રાષ્ટ્રપતિ ભવને પાંચ જ નેતાને મળવાની મંજૂરી આપી. આ પ્રતિનિધીમંડળમાં બે ડાબેરી નેતાન સમાવેશથી નારાજ મમતા બેનરજી હવે અલગથી રાષ્ટ્રપતિ સમક્ષ રજૂઆત કરશે.
કોંગ્રેસે વિપક્ષો વતી રાષ્ટ્રપતિ પાસે મળવાનો સમય માંગ્યો

કોંગ્રેસે વિપક્ષો વતી રાષ્ટ્રપતિ પાસે મળવાનો સમય માંગ્યો હતો. રાષ્ટ્રપતિએ શરદ પવારને બુધવારે સાંજે પાંચ વાગ્યે મળવાનો સમય આપ્યો જ હતો. તેમની સાથે જ અન્ય ચાર નેતાને મળવાની મંજૂરી રાષ્ટ્રપતિ ભવને આપતાં રાહુલ ગાંધી, સીપીએમના સીતારામ યેચુરી, ડીએમકેના ટી.આર. બાલુ અને સીપીઆઈના બિનોય વિસ્વમનાં નામ નક્કી કરાયાં.

બીજા પક્ષોએ આ નામોને મંજૂરી આપી પણ મમતાને વાંધો પડી ગયો. તેમણે સંયુક્ત વિપક્ષના બદલે યુપીએનું પ્રતિનિધીમંડળ હોવાનો વાંધો ઉઠાવીને ડાબેરીઓના બદલે તૃણમૂલ અને યુપીના કોઈ પક્ષના પ્રતિનિધીને સમાવવા કહ્યું. સોનિયા ગાંધીએ ફોન કરીને તેમને સમજાવવા કોશિશ કરી પણ મમતા ના માન્યાં. તેમણે તૃણમૂલ કોંગ્રેસના પ્રતિનિધીને અલગથી રાષ્ટ્રપતિ પાસે મોકલીને રજૂઆત કરવાનું નક્કી કર્યું છે.