ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મંગળવારે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ત્રીજી ટી20 ક્રિકેટ મેચમાં ઓસ્ટ્રેલિયાનો 12 રનથી વિજય થયો હતો પરંતુ સિરીઝ તો ભારતે અગાઉથી જ તેના નામે કરી દીધી હતી. ભારતના હાર્દિક પંડ્યાને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરાયો હતો.

હાર્દિકે આ સિરીઝમાં અગાઉ પણ ખેલદિલી દાખવીને એક મેચ બાદ એમ જાહેર કર્યું હતું કે મેન ઓફ ધ મેચનો અસલી હકદાર ટી. નટરાજન છે. બસ આવી જ રીતે મંગળવારે પણ તેઁણે ખેલદિલીનું પ્રદર્શન કરીને તેને મળેલી મેન ઓફ ધ સિરીઝની ટ્રોફી નટરાજનને આપી દીધી હતી.

મેચ બાદ હાર્દિકે આ અંગે ટ્વિટ કરી હતી અને મેન ઓફ ધ સિરીઝનો અસલી હકદાર નટરાજનને જ ગણાવ્યો હતો. હાર્દિકની આ ચેષ્ટા ઘણાને પસંદ આવી છે અને હાર્દિકે સોશિયલ મીડિયા પર ફેન્સના દિલ જીતી લીધા છે.

તેણે ટ્વિટ કરીને લખ્યું હતું કે નટરાજન, તમે આ સિરીઝમાં શાનદાર દેખાવ કર્યો છે. કપરી પરિસ્થિતિમાં આ સિરીઝમાં કરિયરનો પ્રારંભ કરીને તમે પુરવાર કરી દીધું છે કે તેની પાછળ તમારી આકરી મહેનત જવાબદાર છે. આ સફળતા તમારી મહેનતનું પરિણામ છે. મારા તરફથી તમે જ મેન ઓફ ધ સિરીઝના હકદાર છો.

ત્રણ મેચની ટી20 સિરીઝમાં ટી. નટરાજને સફળ બોલિંગ કરી હતી અને છ વિકેટ ઝડપી હતી. આ સિરીઝમાં બંને ટીમના બોલર્સમાં તેની સૌથી વધુ વિકેટ રહી હતી. બીજી તરફ હાર્દિક પંડ્યાએ ત્રણ મેચમાં 156ના સ્ટ્રાઇક રેટથી 78 રન બનાવ્યા હતા. બીજી મેચમાં તો તેણે આક્રમક બેટિંગ કરીને ભારતને વિજય અપાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here