દેશમાં કોરોના વેક્સિનના મુદ્દે જોવા મળી રહેલી સાનુકૂળ કવાયત સહિતના અન્ય સાનુકૂળ અહેવાલો પાછળ ભારતીય શેરબજારમાં આજે પણ વિક્રમી તેજીની ચાલ આગળ વધતા સેન્સેક્સે ૪૬,૦૦૦ અને નિફ્ટીએ ૧૩,૫૦૦ની સપાટી કુદાવી નવો રેકોર્ડ સર્જ્યો હતો.વિશ્વભરમાં કોરોના વેક્સિનના મુદ્દે હાથ ધરાયેલી ઝડપી કવાયતના પગલે વૈશ્વિક બજારોમાં તેજીનો માહોલ રચાયો હતો. ભારતમાં પણ આ મુદ્દે હાથ ધરાયેલ ઝડપી કામગીરીના અહેવાલોની બજાર પર સાનુકૂળ અસર જોવાઈ હતી.

સેન્સેક્સે 46,000ની સપાટી કુદાવી

આ ઉપરાંત લાંબા સમયથી ચાલી રહેલા ખેડૂત આંદોલન સંદર્ભે સરકાર દ્વારા ફરી એકવાર વાટાઘાટો હાથ ધરવાના તેમજ અર્થતંત્રને વેગ આપતા પગલા ભરવાને પ્રાધાન્ય આપવાના અહેવાલની પણ બજાર પર સાનુકૂળ અસર થવા પામી હતી.

આ અહેવાલો પાછળ મુંબઈ શેરબજાર ખાતે કામકાજનો પ્રારંભ મક્કમ ટોને થયા બાદ વિદેશી રોકાણકારોની આગેવાની હેઠળ નીકળેલ નવી લેવાલી પાછળ સેન્સેક્સ ૪૬,૦૦૦ની સપાટી કુદાવી ૪૬,૧૬૪.૧૦નો નવો ઈતિહાસ રચી કામકાજના અંતે ૪૯૪.૯૯ પોઈન્ટ વધી ૪૬૧૦૩.૫૦ની ઐતિહાસિક ઊંચી સપાટીએ બંધ રહ્યો હતો.

સેન્સેક્સ

રોકાણકારોને બખ્ખા, સંપત્તિ 1.20 લાખ કરોડ વધી

એનએસઈ ખાતે પણ કામકાજનો પ્રારંભ મજબૂત ટોને થયા બાદ નવી લેવાલી પાછળ નિફ્ટી ૧૩,૫૦૦ની સપાટી કુદાવીને ૧૩,૫૪૮નો ઈતિહાસ રચી કામકાજના અંતે ૧૩૬.૧૫ પોઈન્ટ વધીને ૧૩૫૨૯.૧૦ની વિક્રમી ઊંચી સપાટીએ મજબૂત રહ્યો હતો.

સેન્સેક્સમાં નોંધાયેલ ઊછાળાને પગલે આજે રોકાણકારોની સંપત્તિ (બીએસઈ માર્કેટ કેપ.) વધુ રૂ. ૧.૨૦ લાખ કરોડ વધીને રૂ. ૧૮૨.૮૧ લાખ કરોડની વિક્રમી સપાટીએ પહોંચી હતી. વિદેશી રોકાણકારોએ આજે રૂ. ૩૫૬૪ કરોડની નવી ખરીદી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here