સંયુક્ત રાષ્ટ્રના એક અહેવાલમાં બુધવારે જણાવવામાં આવ્યું છે કે ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જનનું પ્રમાણ વિક્રમી સ્તરે વધી ગયું છે અને તેને પરિણામે વિશ્વ સરેરાશ તાપમાનમાં ૩ સેલ્સિયસનો વધારો થાય તેવી સ્થિતિ તરફ આગળ વધી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમના તાજેતરના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ગત વર્ષ દરમિયાન ઉત્તર ધ્રુવ પ્રદેશમાં બરફ ઝડપથી ઓગળી રહ્યો છે તો સાઇબેરિયા અને પશ્ચિમ અમેરિકામાં હીટવેવ અને જંગલોમાં દાવાનળના વધેલા પ્રમાણને જોતાં વિશ્વ આબોહવા પરિવર્તનના દોર તરફ ઝડપથી આગળ વધી રહ્યું હોવાના સંકેત છે.

અહેવાલમાં જણાવ્યા મુજબ વર્ષ ૨૦૧૫માં પેરિસ સમજૂતી હેઠળ દેશો ગ્રીન હાઉસ ઉત્સર્જનને ઘટાડવા વચનો આપી ચૂક્યા હોવા છતાં સ્થિતિ અંકુશમાં આવી નથી. વૈશ્વક જળવાયુ પરિવર્તન સંધિએ વિશ્વના સરેરાશ તાપમાનમાં થતા વધારાની રફ્તારને ઓછી કરીને ૨ ડિગ્રીના સ્તરે લાવવા લાંબાગાળાના ધ્યેયો નક્કી થયા હતા. તે પછી આ સ્તરને ૧.૫ સેલ્સિયસના સ્તરે પહોંચાડવાના લક્ષ્યાંક નક્કી થયેલા છે. પરંતુ વર્તમાનમાં સ્થિતિ એવી છે કે સરેરાશ તાપમાનમાં ૩ સેલ્સિયસનો ઘટાડો થઇ શકે છે. વર્ષ ૨૦૧૦થી ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જન વાર્ષિક ૧.૪ ટકાને દરે વધી રહ્યું છે. જંગલોમાં દવ લાગતાં ગયા વર્ષે આ સરેરાશ વધીને ૨.૬ ટકા રહી હતી.

નવેમ્બર મહિનામાં અત્યાર સુધીની સૌથી વધુ ગરમી નોંધાઈ

યુરોપ કોપરનિકસ ક્લાઇમેટ ચેન્જ સર્વિસના સંશોધકોએ સોમવારે જણાવ્યું હતું કે નવેમ્બરમાં અત્યારસુધીમાં ક્યારેય ના નોંધાયું હોય તેટલું ઊંચંુ ગરમી પ્રમાણ નોંધાયું છે. સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમના કાર્યકારી અધિકારી ઇંગર એન્ડરસને જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૦ માં વિક્રમજનક ગરમી નોંધાઇ છે, બીજી તરફ જંગલમાં દાવાનળ, દુષ્કાળ, વાવાઝોડાની સ્થિતિ વણસી છે.

શનિવારે જળવાયુ પરિવર્તન સંધિની પાંચમી તિથિએ ખાસ કાર્યક્રમ 

સંયુક્ત રાષ્ટ્ર અને બ્રિટને પેરિસ સમજૂતીને પાંચ વર્ષ થયા પ્રસંગે શનિવારે એક ઓનલાઇન કાર્યક્રમનું આયોજન કરવા નક્કી કર્યું છે. આ વર્ષના અંતભાગ સુધીમાં હવામાન પરિવર્તનને નિયંત્રણમાં લેવા વધુ કડક લક્ષ્યાંકો સાથે આગળ વધવા સરકારો પર દબાણ વધે તેવી સંભાવના છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here