અમદાવાદના વટવા જીઆઈડીસી ફેઝ-૨ મંગળવારની મધરાતે સાડા બાર વાગે ત્રણ કેમિકલ ફેક્ટરીઓના એકમો- જગસન કલર કેમ લિમિટેડના પ્લોટ નંબર-૫૬૦૧-૪, માતંગી ઈન્ડસ્ટ્રીઝ એલએલપી પ્લોટ નંબર-સી-૧/૫૬૦૫થી સી-૧/૫૬૧૪ તથા ભાવિન ઇન્ડસ્ટ્રીઝની ઓફિસ પ્લોટ નં-૪૪૮-માં ભીષણ આગની દુર્ઘટનાને પગલે રાજ્યના શ્રમ-રોજગાર વિભાગ હેઠળ કાર્યરત ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય નિયામક- ‘ડિસ’ પી.એમ. શાહે આ ત્રણે ફેક્ટરીઓમા ફેક્ટરી એક્ટની કલમ ૪૦ (૨) હેઠળ ક્લોઝર ઓર્ડર જાહેર કર્યો છે.

આ ત્રણે ફેક્ટરીઓ ટોચ અગ્રતાના ધોરણે તમામ ઉત્પાદન પ્રક્રિયામાં કામદારોની સલામતી સુનિશ્ચિત કરવા જરૂરી પગલાં ના ભરે ત્યાં સુધી આ ઔદ્યોગિક એકમો બંધ રાખવામાં આવશે, તેમ શ્રમ-રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાએ જણાવ્યું છે. આ ત્રણે ફેક્ટરી-એકમો જ્યાં આગ લાગી હતી ત્યાં કોઈ જાનહાનિ થઈ નથી, જો કે આ ઘટના અંગે વિસ્તૃત તપાસ થઈ રહી છે.

શ્રમ-રોજગાર વિભાગના એસીએસના જણાવ્યા પ્રમાણે ઔદ્યોગિક સલામતી અને આરોગ્યના નિયામકને ઝડપથી જરૂરી કાર્યવાહી કરવાની સૂચના અપાઈ છે, ઉપરાંત ‘ડિસ’ એ પણ ચકાસણી કરશે કે ફેક્ટરી એક્ટ દ્વારા સૂચવાયેલા સલામતીના માપદંડો આ ત્રણે એકમોમાં અનુસરવામાં આવ્યા હતા કે કેમ. ગુજરાત સરકાર દ્વારા ગત ૨૬મી નવેમ્બરે જ ઠરાવ બહાર પાડી જાહેર કર્યું છે કે, ફેક્ટરીઓએ હવેથી ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફ્ટી મેઝર્સ એક્ટ-૨૦૧૩ હેઠળ ફાયર વિભાગનું ના-વાંધા પ્રમાણપત્ર મેળવવાનું રહેશે, એમ ઉલ્લેખી ‘ડિસ’ દ્વારા જણાવાયું છે કે, ઉક્ત ત્રણે એકમોમાં ઉત્પાદનની કામગીરી પુનઃ શરૂ કરવાની મંજૂરી આપતા પહેલાં આગ અને સલામતીના પાસાંઓની સમીક્ષા થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here